YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 49

49
યાકૂબના છેલ્‍લા શબ્દો
1અને યાકૂબે તેના દિકરાઓને બોલાવીને કહ્યું, “તમે એકત્ર થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર કરું.
2યાકૂબના પુત્રો,
તમે એકત્ર થાઓ, ને સાંભળો;
અને તમારા પિતા ઇઝરાયલની
વાતને કાન ધરો.
3રૂબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ
તથા મારા પુરુષત્વનું પ્રથમ ફળ;
મહત્વની ઉત્તમતા તથા શક્તિની
ઉત્તમતા તું છે.
4પાણી જેવો અસ્થિર હોવાથી
તું ઉત્તમતા પામશે નહિ;
કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો,
ને તેને ભ્રષ્ટ કરી;
મારા બિછાનઅ પર તે ચઢયો.
5શિમયોન તથા લેવી ભાઈઓ છે;
તેઓની તરવારો બળાત્કારનાં
હથિયાર છે.
6મારા જીવ,
તેઓની સભામાં ન જા; મારા ગૌરવ,
તેઓની મંડળીમાં સામેલ ન થા.
કેમ કે તેઓએ ક્રોધથી
એક માણસને મારી નાખ્યું, ને
ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખી
[તેને લંગડો કર્યો].
7તેઓનો ક્રોધ શાપિત થાઓ,
કેમ કે તે વિકરાળ હતો.
અને તેઓનો રોષ શાપિત થાઓ,
કેમ કે તે ક્રૂર હતો.
હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ,
ને ઇઝરાયલમાં
તેઓને વિખેરી નાખીશ.
8યહૂદા, તારા ભાઈઓ
તારાં વખાણ કરશે;
તારો હાથ તારા શત્રુઓની
ગરદન પર રહેશે.
તારા પિતાના પુત્રો
તારી આગળ પ્રણામ કરશે.
9યહૂદા સિંહનું બચ્ચું છે; મારા દિકરા,
તું શિકાર પરથી આવ્યો છે.
# ગણ. ૨૪:૯; પ્રક. ૫:૫. તે સિંહની પેઠે, તથા સિંહણની પેઠે
લપાઈ ગયો, તે લપાઈ ગયો.
તેને કોણ ઉઠાડશે?
10શીલોહ નહિ આવે ત્યાં સુધી
યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ.
ને તેના પગ મધ્યેથી અધિકારીની
છડી જતી રહેશે નહિ;
અને લોકો તેને આધીન રહેશે.
11તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને,
પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ
દ્રાક્ષાવેલે બાંધીને,
પોતનાં વસ્‍ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે;
અને પોતાનો પોષાક દ્રાક્ષોના
[રસરૂપી] રક્તમાં ધોયો છે.
12દ્રાક્ષારસને લીધે તેની આંખો રાતી,
ને દૂધે કરીને તેનાં દાંત શ્વેત થશે.
13ઝબુલોન સમુદ્રને કાંઠે રહેશે;
તે વહાણોનું બંદર થશે;
અને તેની સીમા સિદોન સુધી થશે.
14ઇસ્સાખાર બળવંત ગધેડો,
ઘેટાંના વાડાની વચ્ચે બેઠો છે;
15અને તેણે એક આરામસ્થાન જોયું
તો તે સારું હતું,
ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી.
અને તેણે ભાર લેવાને ખાંધ ધરી,
ને તે વેઠ કરનારો દાસ થયો.
16ઇઝરાયલનાં કુળોમાંના એક સરખો,
દાન પોતાના લોકોનો ન્યાય કરશે.
17દાન માર્ગમાંના સર્પ જેવો,
રસ્તામાં ઊડતા સર્પના જેવો થશે,
તે ઘોડાની એડી એવી કરડશે કે
તેનો સવાર પાછો પડશે.
18ઓ યહોવા,
મેં તારા તારણની વાટ જોઈ છે.
19ગાદને એક ટુકડી દબાણ કરશે;
તોપણ તે તેમની એડી દબાવશે.
20આશેરની રોટલી પુષ્ટિકારક થશે,
ને તે રાજાને લાયકનાં
મિષ્ટાન્‍ન ઉપજાવશે.
21નફતાલી, છૂટી મૂકેલી સાબરી;
તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે.
22યૂસફ ફળદ્રુપ ડાળ છે,
ઝરા પાસેની ફળવંત ડાળ;
તેની ડાંખળી ભીંત પર ચઢી જાય છે.
23તીરંદાજોએ તેને બહુ દુ:ખ દીધું,
ને તેના પર તીર ફેંકયાં,
ને તેને સતાવ્યો;
24પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું,
ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી
તેના ભુજ બળવાન કરાયા.
(ત્યાંથી ઘેટાંપાળક,
એટલે ઇઝરાયલનો ખડક, થયો).
25તારા પિતાનો ઈશ્વર
જે તારી સહાયતા કરશે તેનાથી,
ને સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપરના
આકાશના આશીર્વાદોથી તથા
નીચેના ઊંડાણના આશીર્વાદોથી,
સ્તનના તથા ગર્ભસ્થાનના
આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે,
તેનાથી [તું બળવાન કરાશે].
26તારા પિતાના આશીર્વાદો
મારા પિતૃઓના આશીર્વાદ કરતાં
અતિ મોટા થયા છે,
અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની
અતિ દૂરની સીમા સુધી વધ્યા છે;
અને તેઓ યૂસફના શિર પર, તથા
જે તેના ભાઈઓથી જુદો કરાયેલો,
તેના મસ્તક પર રહેશે.
27બિન્યામીન ફાડી ખાનાર વરુ છે.
સવારે તે શિકાર ખાશે,
ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.”
યાકૂબનું મૃત્યુ અને દફન
28એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; અને તેઓના પિતાએ તેઓને જે કહ્યું, ને તેઓને જે આશીર્વાદ આપ્યા તે એ છે. પ્રત્યેકને પોતપોતાના આશીર્વાદ પ્રમાણે તેણે તેઓને આશીર્વાદ આપ્યો. 29અને તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “હું મારા લોકો સાથે મળી જવાનો છું. એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે, 30એટલે #ઉત. ૨૩:૩-૨૦.કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાના ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દાટજો. 31#ઉત. ૨૫:૯-૧૦.ત્યાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારાને દાટવામાં આવ્યાં છે. #ઉત. ૩૫:૨૯.ત્યાં ઇસહાક તથા તેની પત્ની રિબકાને દાટવામાં આવ્યાં છે; અને ત્યાં મેં લેઆને દાટી છે. 32જે ખેતર તથા તેમાંની જે ગુફા હેથના પુત્રો પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં [ત્યાં મને દાટજો].” 33અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને #પ્રે.કૃ. ૭:૧૫.પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in