YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 2

2
પવિત્ર આત્માનું આગમન
1પચાસમાના પર્વના#2:1 પચાસમાનો દિવસ: યહૂદીઓના પાસ્ખાપર્વ પછીનો પચાસમો દિવસ. તે દિવસને તેઓ કાપણીના પર્વ તરીકે ઊજવતા. દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા. 2એકાએક, ભારે આંધીના સુસવાટા જેવો અવાજ આકાશમાંથી આવ્યો, અને તેઓ બેઠા હતા તે ઘરમાં બધે અવાજ થઈ રહ્યો. 3પછી તેમણે જુદી જુદી જ્યોતમાં ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું, અને ત્યાં દરેક વ્યક્તિ પર અલગ અલગ જ્યોત સ્થિર થઈ. 4તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.
5તે સમયે ત્યાં દુનિયાના દરેક દેશમાંથી યરુશાલેમ આવેલા ધાર્મિક યહૂદીઓ હતા. 6તેમણે એ અવાજ સાંભળ્યો એટલે એક મોટું ટોળું એકત્ર થઈ ગયું. તેઓ બધા આશ્ર્વર્યમાં પડી ગયા. કારણ, તેમાંની પ્રત્યેક વ્યક્તિએ વિશ્વાસીઓને પોતપોતાની ભાષામાં બોલતા સાંભળ્યા. 7તેઓ વિમાસણમાં પડી ગયા અને આશ્ર્વર્યચકિત થઈને કહેવા લાગ્યા, “આ બધું બોલનારા લોકો તો બધા ગાલીલવાસીઓ છે! 8તો પછી આપણે બધા તેમને આપણા પ્રદેશની ભાષામાં બોલતાં કેમ સાંભળીએ છીએ? 9આપણે પર્સિયા, મિડયા અને એલામના; મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપા- દોકિયાના; પોંતસ અને આસિયાના; 10ફૂગિયા અને પામ્ફૂલિયાના, ઇજિપ્ત અને કુરેની નજીકના લિબિયાના છીએ; 11આપણામાંના કેટલાક રોમમાંથી આવેલા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનાર બિનયહૂદીઓમાંના છે; આપણામાંના કેટલાક ક્રીત અને અરબસ્તાનના છે અને છતાં આપણે બધા તેમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરે કરેલાં મહાન કાર્યો વિષે બોલતાં સાંભળીએ છીએ.” 12આશ્ર્વર્ય અને ગૂંચવણમાં પડી જવાથી તેઓ બધા અરસપરસ પૂછવા લાગ્યા, “આ શું હશે?”
13પણ બીજા કેટલાક લોકો વિશ્વાસીઓની મશ્કરી કરતાં કહેવા લાગ્યા, “આ માણસોએ તાજો દારૂ પીધો છે.”
પિતરનો સંદેશો
14પછી અગિયાર પ્રેષિતો સાથે ઊભા થઈને પિતરે ઊંચે અવાજે ટોળાને ઉદ્દેશીને કહ્યું, “યહૂદી ભાઈઓ અને યરુશાલેમના બધા રહેવાસીઓ, મારું સાંભળો. આ બધું શું છે તે મને સમજાવવા દો. 15તમે માનો છો તેમ આ માણસો કંઈ પીધેલા નથી; હજુ તો સવારના નવ જ વાગ્યા છે. 16એ તો સંદેશવાહક યોએલે કહ્યું હતું તે મુજબ છે:
17‘ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં
આમ કરીશ:
હું મારા આત્માથી બધા માણસોનો
અભિષેક કરીશ.
તમારા પુત્રો અને પુત્રીઓ
ઉપદેશ કરશે.
તમારા યુવાનો સંદર્શનો જોશે, અને
તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.
18હા, એ દિવસોમાં હું મારા સેવકો અને
સેવિકાઓનો મારા આત્માથી
અભિષેક કરીશ, અને
તેઓ ઉપદેશ કરશે.’
19હું ઉપર આકાશમાં અદ્‍ભુત કાર્યો અને
નીચે પૃથ્વી પર ચમત્કારો કરીશ.
લોહી, અગ્નિ અને ગાઢ ધૂમાડો થશે;
20પ્રભુનો મહાન અને ગૌરવી દિવસ આવે
તે પહેલાં સૂર્ય કાળો પડી જશે,
અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે.
21અને ત્યારે, જે કોઈ પ્રભુને નામે
વિનંતી કરશે, તેનો બચાવ થશે.’
22“ઓ ઇઝરાયલના લોકો, સાંભળો:
ઈશ્વરે નાઝારેથના ઈસુ દ્વારા તમારી મયે કરેલા ચમત્કારો, અદ્‍ભુત કાર્યો અને ચિહ્નો દ્વારા તમને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે તેમણે ઈસુને જ પસંદ કર્યા છે અને તમે પોતે એ જાણો છો. 23ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા. 24પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું. 25દાવિદે તેમને વિષે કહ્યું હતું:
‘મેં પ્રભુને નિત્ય મારી સમક્ષ જોયા છે;
તે મારે જમણે હાથે છે,
તેથી હું ચલિત થવાનો નથી.
26આને લીધે મારું હૃદય પ્રસન્‍ન છે
અને હું આનંદપૂર્વક બોલું છું.
વળી, મારો દેહ ખાતરીપૂર્વક
આશા રાખશે.
27કારણ, તમે મારા જીવને મરેલાંઓની
દુનિયામાં પડયો રહેવા દેશો નહિ;
તમે તમારા ભક્તના શરીરને સડી
જવા દેશો નહિ;
28તમે મને જીવન તરફ દોરી જતા માર્ગો
બતાવ્યા છે,
અને તમારી હાજરી દ્વારા તમે મને
આનંદથી ભરી દેશો.’
29“ભાઈઓ, આપણા પૂર્વજ દાવિદ વિષે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો, અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે. 30તે સંદેશવાહક હતો અને ઈશ્વરે તેને આપેલું વચન તે જાણતો હતો: ઈશ્વરે કરાર કર્યો હતો કે તે દાવિદના વંશજોમાંથી જ એકને દાવિદની માફક રાજા બનાવશે. 31ઈશ્વર શું કરવાના છે તે દાવિદ જોઈ શક્યો હતો અને તેથી તે આ પ્રમાણે મસીહના ફરીથી સજીવન થવા અંગે બોલ્યો હતો,
‘તેમને મરેલાંઓની દુનિયામાં
પડી રહેવા દેવાયા નહિ;
તેમનું શરીર સડી ગયું નહિ.’
32ઈશ્વરે એ જ ઈસુને મરેલાંઓમાંથી
સજીવન કર્યા છે,
અને અમે બધા એ હકીક્તના
સાક્ષીઓ છીએ.
33“ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે. 34કારણ, દાવિદ કંઈ આકાશમાં ચઢી ગયો નહોતો; એને બદલે તેણે કહ્યું,
35‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું,
તારા શત્રુઓને તારે તાબે કરું ત્યાં સુધી
તું મારી જમણી તરફ બિરાજ.’
36“તેથી ઇઝરાયલના સર્વ લોકો, તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો: જેમને તમે ક્રૂસ પર ખીલા મારી જડી દીધા, એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યા છે!”
37એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?” 38પિતરે તેમને કહ્યું, “તમે સૌ તમારાં પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે, અને તમે ઈશ્વરની ભેટ, એટલે કે, પવિત્ર આત્મા પામશો. 39કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”
40પિતરે તેમને બીજાં ઘણાં વચનો કહીને આગ્રહભરી વિનંતી કરી, “આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ!”
41ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા. 42તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા.
વિશ્વાસીઓનું જીવન
43પ્રેષિતો દ્વારા ઘણા ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો થતાં અને એને લીધે સર્વ લોકોમાં ડર વ્યાપી ગયો. 44સર્વ વિશ્વાસીઓ સાથે રહેતા હતા અને તેમની માલમિલક્ત સહિયારી હતી. 45તેઓ પોતાની માલમિલક્ત વેચી દેતા અને પ્રત્યેકની જરૂરિયાત પ્રમાણે બધા વચ્ચે વહેંચી દેતા. 46તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.
47અને ઈશ્વરની પ્રશંસા કરતા. બધા લોકો તેમના પર પ્રસન્‍ન હતા. પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજરોજ તેમની સંગતમાં ઉમેરતા હતા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in