YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 27

27
ઇસ્હાક યાકોબને આશિષ આપે છે
1હવે એવું બન્યું કે ઇસ્હાક વૃદ્ધ થયો હતો અને તેની આંખોનું તેજ ઘટી ગયું હોવાથી તે જોઈ શક્તો નહોતો. ત્યારે એક દિવસ તેણે પોતાના મોટા પુત્ર એસાવને બોલાવીને કહ્યું, “મારા દીકરા.” તે બોલ્યો, “હું આ રહ્યો.” 2ઇસ્હાકે કહ્યું, “હું હવે વૃદ્ધ થયો છું અને મારું મરણ ક્યારે થાય તેની મને ખબર નથી. 3એટલે, તું તારાં હથિયાર એટલે તારાં બાણનો ભાથો અને ધનુષ્ય લઈને જંગલમાં જા અને મારે માટે કંઈ શિકાર મારી લાવ 4અને મારે માટે મને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવ, જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં તને આશિષ આપું.”
5ઇસ્હાક પોતાના પુત્ર એસાવ સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ પણ તે વાત સાંભળી. પછી એસાવ શિકાર મારી લાવવા જંગલમાં ગયો. 6ત્યારે રિબકાએ પોતાના પુત્ર યાકોબને કહ્યું, “ મેં તારા પિતાને તારા ભાઈ એસાવને એવું કહેતા સાંભળ્યા છે કે, 7‘શિકાર મારી લાવીને મારે માટે સ્વાદિષ્ટ વાનગી બનાવ. જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં હું તને પ્રભુની સમક્ષતામાં આશિષ આપું.’ 8એટલે મારા દીકરા, હું તને કહું તે પ્રમાણે કર. 9ટોળામાં જા ને તેમાંથી મારી પાસે બે સારાં લવારાં લઈ આવ, જેથી તારા પિતાને ભાવે છે તેવી સ્વાદિષ્ટ વાનગી હું બનાવીશ. 10પછી તું તે તારા પિતા પાસે લઈ જજે, જેથી તે ખાઈને પોતાના મૃત્યુ પહેલાં તે તને આશિષ આપે.”
11પણ યાકોબે પોતાની માતા રિબકાને કહ્યું, “જુઓ, મારા ભાઈ એસાવને તો આખે શરીરે વાળ છે, જ્યારે મારું શરીર તો સુંવાળું છે. 12કદાચ મારા પિતા મારા શરીર પર હાથ ફેરવે અને તેમને ખબર પડી જાય કે હું તેમને છેતરું છું તો મને આશિષને બદલે શાપ જ મળે.” 13તેની માતાએ કહ્યું, “મારા દીકરા, એ શાપ મારે માથે ઊતરો. તું ફક્ત મારું કહ્યું માન. જા, જઈને મને લવારાં લાવી આપ.” 14તેથી તેણે જઈને તેની માતાને લવારાં લાવી આપ્યાં. તેની માએ તેના પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી. 15ત્યાર પછી રિબકાએ પોતાની પાસે ઘરમાં રાખી મૂકેલાં પોતાના જયેષ્ઠ પુત્ર એસાવનાં સારામાં સારાં વસ્ત્ર લઈને નાના પુત્ર યાકોબને પહેરાવ્યાં. 16વળી, તેના હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર તેણે લવારાંનાં ચામડાં બાંધ્યાં.
175છી પોતે તૈયાર કરેલી સ્વાદિષ્ટ વાનગી તથા રોટલી પોતાના પુત્ર યાકોબના હાથમાં મૂક્યાં.
18યાકોબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!” ઇસ્હાકે પૂછયું, “મારા દીકરા, તું કોણ છે?” 19યાકોબે પોતાના પિતાને કહ્યું, “હું એસાવ તમારો પ્રથમજનિત પુત્ર છું. મેં તમારા કહેવા પ્રમાણે કર્યું છે. હવે તમે બેઠા થાઓ અને મારો શિકાર ખાઈને મને આશિષ આપો.” 20ઇસ્હાકે તેને પૂછયું, “મારા દીકરા, તને આટલો જલદી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ મને તે મેળવી આપ્યો.” 21પછી ઇસ્હાકે યાકોબને કહ્યું, “મારા દીકરા, મારી પાસે આવ, જેથી હું હાથ ફેલાવીને ખાતરી કરું કે તું મારો પુત્ર એસાવ જ છે કે નહિ.” 22આથી યાકોબ પોતાના પિતા ઇસ્હાકની નજીક ગયો. ઇસ્હાકે હાથ ફેરવી જોઈને કહ્યું, “અવાજ તો જાણે યાકોબનો છે. પણ હાથ એસાવના છે. 23તેના હાથ તેના ભાઈ એસાવના હાથ જેવા વાળવાળા હતા એટલે ઇસ્હાક તેને ઓળખી શકયો નહિ; તેથી ઇસ્હાક તેને આશિષ આપવાનો હતો. પણ તેણે પૂછયું, “શું તું ખરેખર મારો પુત્ર એસાવ છે?” 24યાકોબે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.” 25પછી ઇસ્હાકે કહ્યું, “મારા દીકરા, ભોજન મારી પાસે લાવ કે હું તારો શિકાર ખાઈને તને આશિષ આપું.” એટલે તેણે ઇસ્હાકની આગળ ભોજન મૂકયું અને તેણે ખાધું. પછી તેણે તેને દ્રાક્ષાસવ લાવી આપ્યો અને તે તેણે પીધો. 26પછી તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવીને મને ચુંબન કર.” 27તેથી યાકોબે પાસે જઈને ચુંબન કર્યું. પછી ઇસ્હાકે તેનાં વસ્ત્રો સૂંઘી જોયાં અને તેને આશિષ આપતાં કહ્યું:
“પ્રભુએ જેને આશિષ આપી હોય તેવા
ખેતરની સુવાસ જેવી
મારા પુત્રની સુવાસ છે.
28ઈશ્વર તારે માટે આકાશમાંથી
ઝાકળ વરસાવો;
તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો;
વળી, તે તને પુષ્કળ અનાજ
અને દ્રાક્ષાસવ આપો.
29લોકો તારી સેવા કરો,
પ્રજાઓ તારી આગળ નમો.
તું તારા ભાઈઓનો માલિક થા,
અને તારી માતાના પુત્રો
તારી આગળ નમો.
તને શાપ દેનાર પર શાપ ઊતરો,
અને તને આશિષ દેનાર
આશિષ પામો.”#હિબ્રૂ. 11:20. #ઉત. 12:3.
ઇસ્હાકની આશિષ માટે એસાવની વિનંતી
30પછી એવું બન્યું કે ઇસ્હાક યાકોબને આશિષ આપી રહ્યો અને યાકોબ હજી તો હમણાં જ પોતાના પિતા ઇસ્હાક પાસેથી બહાર ગયો કે તેનો ભાઈ એસાવ શિકારેથી પાછો આવ્યો. 31તેણે ખૂબ સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી અને પોતાના પિતા પાસે લાવીને તે બોલ્યો, “પિતાજી, ઊઠો, તમારા પુત્રે લાવેલો શિકાર ખાઈ લો અને મને આશિષ આપો.” 32તેના પિતા ઇસ્હાકે તેને પૂછયું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તમારો પ્રથમજનિત પુત્ર એસાવ છું.” 33ત્યારે ઇસ્હાક થરથર ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો, “તો પછી તારી પહેલાં મારી પાસે શિકાર મારી લાવ્યો તે કોણ? તારા આવ્યા પહેલાં મેં તેમાંથી ખાધું અને તેને આશિષ આપી, અને તે જરૂર આશિષ પામશે.” 34પોતાના પિતાના શબ્દો સાંભળીને એસાવ ખૂબ મોટેથી પોક મૂકીને રડયો અને તેના પિતાને કહ્યું, “પિતાજી, મારા પિતાજી, મને પણ આશિષ આપો.” 35પણ ઇસ્હાકે કહ્યું, “તારો ભાઈ દગો કરીને આશિષ પામી ગયો.” 36એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર)#27:36 ‘યાકોબ’: હિબ્રૂ ભાષામાં આનો બીજો અર્થ છેતરનાર થાય છે. સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?”#ઉત. 25:29-34. 37ઇસ્હાકે એસાવને જવાબ આપ્યો, “જો મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના બધા કુટુંબીજનોને તેના સેવકો બનાવ્યા છે. વળી, પોષણને માટે મેં તેને અનાજ અને દ્રાક્ષાસવ આપ્યાં છે. મારા દીકરા, હું હવે તારે માટે શું કરી શકું?” 38એસાવે પોતાના પિતાને કહ્યું, “પિતાજી, શું તમારી પાસે માત્ર એક જ આશિષ છે? પિતાજી, મારા પિતાજી, મને પણ કંઈક આશિષ આપો.” એમ બોલીને એસાવ પોક મૂકીને રડવા લાગ્યો.#હિબ્રૂ. 12:17.
39ત્યારે તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું,
“જો, જ્યાં જમીન ફળદ્રુપ ન હોય,
અને આકાશમાંથી ઝાકળ
વરસતું ન હોય, ત્યાં તું વસશે.#હિબ્રૂ. 11:20.
40તું તારી તલવારને જોરે જીવશે
ને તારા ભાઈની સેવા કરશે,
પણ તારાથી સહ્યું ન જાય
ત્યારે તું તેની ઝૂંસરી તારી
ગરદન પરથી ફગાવી દેશે.”#ઉત. 36:8; ૨ રાજા. 8:20.
41યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.” 42પણ રિબકાને એસાવની એ વાતની જાણ થઈ ગઈ. તેથી તેણે યાકોબને બોલાવીને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખીને તેનો ક્રોધાવેશ શમાવવા માગે છે. 43તેથી મારા દીકરા, તું હવે મારું કહ્યું માન; તું એકદમ મારા ભાઈ લાબાન પાસે હારાનમાં નાસી જા. 44તારા ભાઈનો ક્રોધ શમી જાય ત્યાં સુધી થોડા દિવસ તેમની પાસે જ રહે. 45તારા ભાઈનો ક્રોધ ઊતરી જાય અને તેં જે કર્યું છે તે તે વીસરી જાય ત્યારે હું તને ત્યાંથી બોલાવી લઈશ. મારે તમને બન્‍નેને એક જ દિવસે ગુમાવવા નથી.”
46રિબકાએ ઇસ્હાકને કહ્યું, “એસાવની હિત્તી પત્નીઓને લીધે હું જિદંગીથી કંટાળી ગઈ છું. જો યાકોબ પણ એમના જેવી જ આ દેશની કોઈ હિત્તી સ્ત્રીની સાથે લગ્ન કરે તો પછી મારે જીવીને શું કામ છે?”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in