YouVersion Logo
Search Icon

યોહાન 21

21
સાત શિષ્યોને ઈસુનું દર્શન
1એ પછી તીબેરિયસ સરોવરને કિનારે ફરી એકવાર ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. આ પ્રમાણે એ બન્યું: 2સિમોન પિતર, થોમા (અર્થાત્ ‘જોડિયો’), ગાલીલમાં આવેલા કાના ગામનો નાથાનાએલ, ઝબદીના દીકરાઓ તથા ઈસુના બીજા બે શિષ્યો એકઠા મળ્યા હતા. 3સિમોન પિતરે તેમને કહ્યું, “હું તો માછલાં પકડવા જાઉં છું.”
તેમણે તેને કહ્યું, “અમે પણ તારી સાથે આવીશું.” તેથી તેઓ ઊપડયા અને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓ કંઈ જ પકડી શક્યા નહિ. 4વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પણ શિષ્યોને ખબર ન પડી કે તે ઈસુ છે. 5પછી ઈસુએ તેમને કહ્યું, “જુવાનો, શું તમે એક પણ માછલી પકડી નથી?”
તેમણે જવાબ આપ્યો, “ના”
6તેમણે તેમને કહ્યું, “તમારી જાળો હોડીની જમણી બાજુએ નાખો એટલે તમને મળશે.” તેથી તેમણે પોતાની જાળો નાખી, અને એટલી બધી માછલી પકડાઈ કે તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહિ.
7તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેણે પિતરને કહ્યું, “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પિતરે એ સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો; અને સરોવરમાં કૂદી પડયો. 8બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓ ભરેલી જાળ ખેંચતા ખેંચતા કિનારે આવ્યા, કારણ, તેઓ કિનારેથી બહુ દૂર ન હતા, આશરે નેવું મીટર જેટલે અંતરે જ હતા. 9તેઓ કિનારે ઊતર્યા, ત્યારે તેમણે સળગતા કોલસા પર મૂકેલી માછલી અને રોટલી જોયાં. 10પછી ઈસુએ તેમને કહ્યું, હમણાં પકડેલી માછલીમાંથી થોડીક અહીં લાવો.”
11સિમોન પિતર હોડી પર ચઢયો અને મોટી મોટી એક્સો ત્રેપન માછલીઓથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. તેમાં એટલી બધી માછલી હોવા છતાં જાળ ફાટી ન હતી. 12ઈસુએ તેમને કહ્યું, “આવો અને નાસ્તો કરો.” તમે કોણ છો એમ પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ, કારણ, તેઓ જાણતા હતા કે એ તો પ્રભુ છે. 13તેથી ઈસુએ આવીને રોટલી લઈને તેમને આપી અને એ જ રીતે માછલી પણ આપી.
14મૃત્યુમાંથી સજીવન કરાયા પછી ઈસુએ આ ત્રીજી વાર પોતાના શિષ્યોને દર્શન આપ્યું.
પ્રેમની પારખ
15નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ પિતરને પૂછયું, “યોનાના પુત્ર સિમોન, આ બધાં કરતાં શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે?”
તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.”
ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.”
16બીજી વાર ઈસુએ તેને પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?”
તેણે કહ્યું, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને સાચવ.”
17ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?”
પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.”
ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ. 18હું તને સાચે જ કહું છું: તું યુવાન હતો ત્યારે તું તારી કમર કાસીને જ્યાં જવા ચાહે ત્યાં જતો હતો, પરંતુ જ્યારે તું વૃદ્ધ થઈશ, ત્યારે તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ તને બાંધીને તું જ્યાં જવાની ઇચ્છા નહીં રાખતો હોય ત્યાં લઈ જશે.” 19કયા પ્રકારના મોતને ભેટીને તે ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે બતાવવા તેમણે એમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.”
ઈસુ અને બીજો શિષ્ય
20જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશાં ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછયું હતું, “પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે?” તે બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો. 21તેને જોઈને પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, એનું શું થશે?”
22ઈસુએ જવાબ આપ્યો, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું તારે મને અનુસર.”
23તેથી ઈસુના અનુયાયીઓમાં એવી વાત પ્રસરી કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ એવું નહોતું કહ્યું કે તે મરશે નહિ, તેમણે માત્ર એટલું જ કહ્યું, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું?”
ઉપસંહાર
24એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે, અને તેણે જ આ બધી વાતો લખી છે. અમને ખાતરી છે કે તેની સાક્ષી સાચી છે.
25ઈસુએ બીજાં ઘણાં ક્મ કર્યાં. જો એ બધાં જ એક પછી એક નોંધવામાં આવે તો મને લાગે છે કે જે પુસ્તકો લખાય તેનો સમાવેશ આખી દુનિયામાં પણ થઈ શકે નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in