YouVersion Logo
Search Icon

લૂક 1

1
પ્રસ્તાવના
1-4માનનીય થિયોફિલ: આપણી મયે બનેલા બનાવોનું વૃત્તાંત તૈયાર કરવાનું ઘણાએ હાથમાં લીધું છે. તે કાર્ય તો શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરીય સંદેશના સેવકોએ કહેલી અને પરંપરાગત વાતો પર આધારિત છે. મેં પણ થોડા સમયથી એ બનાવોનું ખૂબ જ ચોક્સાઈથી સંશોધન કર્યું છે.
એટલે આપને માટે, આપ શીખ્યા છો એ બાબતો પ્રમાણભૂત હોવાની આપને ખાતરી થાય એટલા માટે, એનું વ્યવસ્થિત વૃત્તાંત લખવાનું મને યોગ્ય લાગ્યું છે.
બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની જાહેરાત
5હેરોદ યહૂદિયા પ્રદેશનો રાજા હતો તે વખતે ઝખાર્યા નામે એક યજ્ઞકાર હતો; તે યજ્ઞકારોના અબિયા નામના વર્ગમાંનો હતો. તેની પત્નીનું નામ એલીસાબેત હતું; તે પણ આરોનવંશની હતી.
6તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં. 7તેઓ નિ:સંતાન હતાં; કારણ, એલીસાબેત વંધ્યા હતી, અને તે તથા ઝખાર્યા બન્‍ને ઘણી મોટી ઉંમરનાં હતાં.
8એક દિવસ રોજિંદી સેવામાં પોતાના વર્ગના વારા પ્રમાણે ઝખાર્યા ઈશ્વર સમક્ષ યજ્ઞકાર તરીકેનું સેવાકાર્ય બજાવતો હતો. 9યજ્ઞકારોના રિવાજ પ્રમાણે વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખતાં તેની પસંદગી કરવામાં આવી હતી. 10તેથી તે ઈશ્વરના મંદિરમાં ગયો. ધૂપ બાળવાના સમય દરમ્યાન જનસમુદાય બહાર પ્રાર્થના કરતો હતો. 11ત્યાં ધૂપવેદીની જમણી તરફ તેણે પ્રભુના એક દૂતને ઊભેલો જોયો. 12ઝખાર્યા તેને જોઈને ચોંકી ઊઠયો અને ગભરાઈ ગયો. 13પણ દૂતે તેને કહ્યું,
“ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું. 14તને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે. બીજા ઘણા લોકો પણ તેના જન્મથી આનંદ પામશે. 15ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. 16તે ઘણા ઇઝરાયલીઓને પ્રભુ તરફ પાછા ફેરવશે. 17તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની આગળ જશે. તે પિતાઓનાં મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.”
18ઝખાર્યાએ દૂતને પૂછયું, “એવું થશે એ હું શી રીતે જાણી શકું? હું વૃદ્ધ થયો છું, અને મારી પત્નીની ઉંમર પણ વધારે છે.”
19દૂતે જવાબ આપ્યો, “હું ગાબ્રીએલ છું. હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું, અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે. 20મારો સંદેશો તો ઠરાવેલે સમયે સાચો પડશે, પણ તેં તે પર વિશ્વાસ કર્યો નથી, અને તેથી તું બોલી શકશે નહિ; મારો સંદેશ સાચો ઠરે તે દિવસ લગી તું મૂંગો રહેશે.”
21આ સમય દરમિયાન લોકો ઝખાર્યાની રાહ જોતા હતા, અને તે આટલો લાંબો સમય મંદિરમાં કેમ રોક્યો તેની તેમને નવાઈ લાગતી હતી. 22બહાર આવીને તે લોકોની સાથે કંઈ બોલી શક્યો નહિ; તેથી તેમને ખબર પડી કે તેને મંદિરમાં કંઈક દર્શન થયું છે. કારણ, તેણે પોતાના હાથથી તેમને ઈશારા કર્યા.
23મંદિરમાં તે સેવા કરવાના તેના દિવસો પૂરા થયા એટલે ઝખાર્યા પોતાને ઘેર પાછો ગયો. 24થોડા સમય પછી તેની પત્ની એલીસાબેત ગર્ભવતી થઈ, અને પાંચ માસ સુધી તે પોતાનું ઘર છોડી બહાર ગઈ નહિ. 25તેણે કહ્યું, “આખરે ઈશ્વરે મને મદદ કરી છે. તેમણે મારું વંધ્યા હોવાનું મહેણું ટાળ્યું છે!”
ઈસુના જન્મની જાહેરાત
26એલીસાબેતને છઠ્ઠો મહિનો જતો હતો, ત્યારે ઈશ્વરે ગાલીલ પ્રાંતના નાઝારેથ નામે એક ગામમાં ગાબ્રીએલ દૂતને એક કુંવારી કન્યા પાસે સંદેશો લઈને મોકલ્યો. 27તે કન્યાની સગાઈ દાવિદ રાજાના વંશના યોસેફ નામના માણસ સાથે કરવામાં આવી હતી. તેનું નામ મિર્યામ હતું. 28દૂતે તેની પાસે આવીને કહ્યું, “તને શાંતિ હો! ઈશ્વર તારી સાથે છે. અને તેમણે તને ઘણી જ આશિષ આપી છે!”
29દૂતની વાત સાંભળીને મિર્યામ ઘણી ગભરાઈ ગઈ, અને વિચારવા લાગી કે આનો અર્થ શો! 30દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ; 31કારણ, ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે. 32તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદની જેમ રાજા બનાવશે. 33અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે; તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહિ!”
34મિર્યામે દૂતને કહ્યું, “હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બને?”
35દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે. 36જો, તારી સગી એલીસાબેત, જે વંધ્યા અને વૃદ્ધ છે તેને પણ અત્યારે છઠ્ઠો મહિનો જાય છે. 37કારણ, ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!”
38મિર્યામે કહ્યું, “હું તો ઈશ્વરની સેવિકા છું, તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” પછી દૂત તેની પાસેથી જતો રહ્યો.
મિર્યામ અને એલીસાબેતની મુલાકાત
39થોડા સમય પછી મિર્યામ તૈયાર થઈને યહૂદિયાના પહાડી પ્રદેશના એક ગામમાં જવા ઉતાવળે ચાલી નીકળી. 40ઝખાર્યાના ઘરમાં પ્રવેશતાં જ તેણે એલીસાબેતને શુભેચ્છા પાઠવી. 41એલીસાબેતે મિર્યામની શુભેચ્છા સાંભળી કે તરત જ બાળક તેના પેટમાં કૂદયું. એલીસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે સાદે કહ્યું, 42“સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. 43મારા પ્રભુની માતા મને મળવા આવે એ મારે માટે કેવી મહાન બાબત છે! 44કારણ, મેં શુભેચ્છા સાંભળી કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. 45ઈશ્વર તરફથી તને મળેલો સંદેશો સાચો ઠરશે એવા તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે!”
મિર્યામનું સ્તુતિગાન
46મિર્યામે કહ્યું,
“મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે;
47ઈશ્વર મારા તારનારને લીધે
મારો આત્મા આનંદ કરે છે.
48કારણ, તેમણે તેમની આ દીન સેવિકાને
સંભારી છે!
49હવે બધી પેઢીના લોકો મને ધન્ય કહેશે,
કારણ, પરાક્રમી ઈશ્વરે મારે માટે
મહાન કાર્યો કર્યાં છે.
તેમનું નામ પવિત્ર છે;
50જેઓ તેમની બીક રાખે છે
તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી
દયા દર્શાવે છે.
51પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને
તે ગર્વિષ્ઠોની યોજનાઓને
છિન્‍નભિન્‍ન કરી નાખે છે.
52તેમણે પરાક્રમી રાજાઓને રાજ્યાસન
પરથી ઉતારી પાડયા છે;
અને જુલમપીડિતોને ઊંચા કર્યા છે.
53તેમણે ભૂખ્યાઓને સારાં વાનાંથી
સભર કર્યા છે,
અને શ્રીમંતોને ખાલી હાથે
પાછા કાઢયા છે.
54આપણા પૂર્વજોને આપેલું વચન
તેમણે પાળ્યું છે,
અને પોતાના સેવક ઇઝરાયલની
મદદે આવ્યા છે.
55અબ્રાહામ અને તેના વંશજો પ્રત્યે હંમેશા
દયા દર્શાવવાનું તેમણે યાદ રાખ્યું છે!”
56મિર્યામ એલીસાબેત સાથે લગભગ ત્રણ મહિના રહી, અને પછી પોતાને ઘેર પાછી ફરી.
બાપ્તિસ્મા કરનાર યોહાનનો જન્મ
57એલીસાબેતનો પ્રસૂતિકાળ નજીક આવ્યો, અને તેને પુત્ર જન્મ્યો. 58તેનાં પડોશીઓ તથા સગાસંબંધીઓએ સાંભળ્યું કે ઈશ્વરે તેના પ્રત્યે મહાન દયા દર્શાવી છે, અને તેઓ બધાં તેની સાથે હર્ષ પામ્યાં.
59આઠમે દિવસે તેઓ છોકરાની સુન્‍નત કરાવવા આવ્યાં. તેઓ તેનું નામ તેના પિતાના નામ પરથી ઝખાર્યા પાડવાના હતા, 60પણ તેની માએ કહ્યું, “ના, એનું નામ તો યોહાન પાડવાનું છે!”
61તેમણે તેને કહ્યું, “પણ તારાં સગાંવહાલામાં એવું નામ તો કોઈનું નથી!” 62પછી તેમણે તેના પિતાને ઈશારો કરીને પૂછયું, “તમારે તેનું નામ શું રાખવું છે?”
63ઝખાર્યાએ લેખનપાટી મંગાવીને તે પર લખ્યું, “તેનું નામ યોહાન છે.” તેઓ બધા અચંબો પામ્યા. 64ઝખાર્યા તરત જ ફરીથી બોલતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. 65બધા પડોશીઓ ગભરાઈ ગયા, અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. 66જેમણે સાંભળ્યું તેઓ વિચારમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, “આ છોકરો કેવો બનશે?” કારણ, તેની સાથે ઈશ્વરનું સામર્થ્ય હતું.
ઝખાર્યાનું સ્તુતિગાન
67યોહાનના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈશ્વરનો સંદેશો કહ્યો,
68“ઇઝરાયલના ઈશ્વર
પ્રભુની સ્તુતિ થાઓ! કારણ,
તેમણે પોતાના લોકોની મદદે આવીને
તેમનો ઉદ્ધાર કર્યો છે.
69તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક
ઊભો કર્યો છે;
તે તો તેમના સેવક દાવિદના વંશજ છે.
70આ વાત તો તેમણે પોતાના પવિત્ર
સંદેશવાહકો દ્વારા પ્રાચીનકાળથી
જણાવી હતી.
71તેમણે આપણને આપણા દુશ્મનોથી
અને આપણને ધિક્કારનાર સર્વની સત્તા
નીચેથી બચાવવાનું વચન આપ્યું હતું.
72આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું
અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ
રાખશે એમ તેમણે કહ્યું હતું.
73એ માટે આપણા પૂર્વજ અબ્રાહામ
આગળ સમ ખાઈને
વચન પણ આપ્યું હતું;
74જેથી આપણા સમગ્ર જીવન દરમ્યાન
આપણે તેમની સમક્ષ પવિત્ર અને
સદાચારી રહીએ,
75અને નિર્ભયપણે તેમની સેવા કરીએ.
76“મારા પુત્ર, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો
સંદેશવાહક કહેવાશે.
77પ્રભુની આગળ જઈને તું તેમને માટે
માર્ગ તૈયાર કરશે. તેમજ તેમના
લોકોને તેમનાં પાપોની ક્ષમા મળવાથી
થનાર બચાવ વિષે તું કહેશે.
78“આપણા ઈશ્વર દયાળુ તથા
મમતાળુ છે. આપણા ઉપર તે ઉદ્ધારનું
તેજસ્વી પ્રભાત પ્રગટાવશે.
79મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ
પર પ્રકાશ પાડશે,
અને આપણા પગને
તે શાંતિને માર્ગે દોરી જશે.”
80છોકરો મોટો થયો અને આત્મામાં વૃદ્ધિ પામ્યો. ઇઝરાયલ પ્રજા સમક્ષ જાહેર થવાના દિવસ સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો.

Currently Selected:

લૂક 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in