YouVersion Logo
Search Icon

માર્ક 13

13
મંદિરના નાશની આગાહી
(માથ. 24:1-2; લૂક. 21:5-6)
1ઈસુ મંદિરમાંથી નીકળતા હતા, ત્યારે તેમના એક શિષ્યે કહ્યું, “ગુરુજી, જુઓ તો ખરા, કેવા સુંદર પથ્થરો અને કેવાં ભવ્ય મકાનો!”
2ઈસુએ જવાબ આપ્યો, “શું તું આ મોટાં બાંધક્મ જુએ છે? એમનો એક પણ પથ્થર એની જગ્યાએ રહેવા દેવાશે નહિ; તેમાંનો એકેએક તોડી પાડવામાં આવશે.”
દુ:ખો અને સતાવણીઓ
(માથ. 24:3-14; લૂક. 21:7-19)
3ઈસુ મંદિરની સામે ઓલિવ પર્વત પર બેઠા હતા ત્યારે પિતર, યાકોબ, યોહાન અને આંદ્રિયા તેમની પાસે આવ્યા અને તેમણે ખાનગીમાં પૂછયું, 4“આ બધું, કયારે થશે? આ બધા બનાવો બનવાનો સમય આવી પહોંચ્યો છે એ દર્શાવવા માટે શું ચિહ્ન થશે તે અમને કહો.”
5ઈસુએ તેમને કહ્યું, “સાવધ રહો, કોઈ તમને છેતરી ન જાય. 6‘હું તે જ છું,’#13:6 એટલે કે મસીહ, અર્થાત્, અભિષિકાત. એમ કહેતા ઘણા મારે નામે આવશે અને ઘણાને છેતરી જશે. 7તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહિ. આ બધા બનાવો બનવાની જરૂર છે; પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે. 8પ્રજાઓ અંદરોઅંદર લડશે, રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેરઠેર ધરતીકંપો થશે અને દુકાળો પડશે. આ બધા બનાવો તો પ્રસવ પહેલાં થતી વેદના જેવા છે.
9“તમે પોતે સાવધ રહેજો. તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જવામાં આવશે. ભજનસ્થાનોમાં તમને કોરડા ફટકારશે. મારે લીધે રાજ્યપાલો અને રાજાઓને શુભસંદેશ સંભળાવવા તમે તેમની સમક્ષ ઊભા રહેશો. 10પણ અંત આવે તે પહેલાં પ્રથમ બધી પ્રજાઓમાં શુભસંદેશનો પ્રચાર થવો જ જોઈએ. 11તેઓ તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જાય, ત્યારે તમે શું બોલશો એ અંગે અગાઉથી ચિંતા ન કરો; સમય આવે ત્યારે તમને જે કંઈ આપવામાં આવે તે કહેજો. કારણ, તમે જે શબ્દો બોલશો, તે તમારા નહિ હોય, પણ પવિત્ર આત્મા તરફથી હશે. 12માણસો પોતાના જ ભાઈઓને મારી નંખાવા સોંપશે, અને પિતાઓ પણ પોતાનાં સંતાનોને તેવું જ કરશે; સંતાનો તેમનાં માબાપની વિરુદ્ધ થઈ તેમને મારી નંખાવશે. 13મારે લીધે સૌ કોઈ તમારો તિરસ્કાર કરશે. પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
મહાવિપત્તિનો સમય
(માથ. 24:15-28; લૂક. 21:20-24)
14“અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું. 15જે પોતાના ઘરના ધાબા પર હોય, તેણે પોતાની સાથે કંઈપણ લઈ જવા નીચે ઘરમાં ન ઊતરવું. 16જે ખેતરમાં હોય, તેણે પોતાનો ઝભ્ભો લેવા ઘેર પાછા ન જવું. 17ગર્ભવતી સ્ત્રીઓ અને જેમને ધાવણાં બાળકો હોય તેવી માતાઓની એ દિવસોમાં કેવી દુર્દશા થશે! 18ઈશ્વરને પ્રાર્થના કરો કે આ નાસભાગ શિયાળામાં ન થાય! 19કારણ, સૃષ્ટિના પ્રારંભથી આજ સુધી કદી ન પડી હોય એવી વિપત્તિના એ દિવસો હશે. વળી, એના જેવી વિપત્તિ ફરી થશે પણ નહિ. 20પ્રભુએ એવા દિવસોની સંખ્યા ઘટાડી છે. જો તેમણે એમ ન કર્યું હોત, તો કોઈ પણ બચી શક્ત નહિ. પણ પોતાના પસંદ કરેલા લોકોને ખાતર તેમણે એ દિવસોની સંખ્યા ઘટાડી છે.
21“ત્યારે કોઈ તમને કહે, ‘જુઓ, મસીહ અહીં છે!’ અથવા ‘જુઓ, તે ત્યાં છે!’ તો તમે તેનું માનતા નહિ. 22કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો પ્રગટ થશે. બની શકે તો ઈશ્વરના પસંદ કરેલા લોકોને છેતરવા માટે તેઓ ચિહ્નો અને અદ્‍ભુત કામો કરશે. 23સાવધ રહો! મેં તમને અગાઉથી બધી હકીક્ત કહી છે.
માનવપુત્રનું આગમન
(માથ. 24:29-31; લૂક. 21:25-28)
24“વિપત્તિના એ દિવસો પછી સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ, 25આકાશમાંથી તારાઓ ખરશે, અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે. 26પછી માનવપુત્ર મોટા પરાક્રમ અને મહિમા સહિત વાદળામાં આવતા દેખાશે. 27તે દૂતોને પૃથ્વીની ચારે બાજુએ મોકલી દેશે, અને ક્ષિતિજના એક છેડાથી બીજા છેડા સુધી, ઈશ્વરના પસંદ કરેલા લોકોને તેઓ એકઠા કરશે.
અંજીરી પરથી બોધપાઠ
(માથ. 24:32-35; લૂક. 21:29-33)
28“અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી થાય છે, અને એને પાંદડાં ફૂટે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 29એ જ પ્રમાણે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે જાણજો કે તે પાસે જ, એટલે બારણા આગળ છે. 30હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે. 31આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારાં કથનો કદી નિષ્ફળ જશે નહિ.
જાગતા રહેજો
(માથ. 24:36-44)
32“છતાં એ દિવસ કે સમય ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. આકાશમાંના દૂતો નહિ કે ઈશ્વરપુત્ર પણ નહિ; માત્ર ઈશ્વરપિતા જાણે છે. 33સાવધ અને જાગૃત રહેજો. કારણ, એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. 34એ તો આના જેવું છે: એક માણસ પોતાના ઘેરથી મુસાફરીએ જાય, ત્યારે નોકરોને વહીવટ સોંપી જાય છે. દરેકને પોતપોતાનું ક્મ સોંપીને જાય છે, અને ચોકીદારને જાગતા રહેવાનું કહીને જાય છે. 35તેથી તમે જાગતા રહેજો; કારણ, ઘરનો માલિક ક્યારે આવશે તેની તમને ખબર નથી- સાંજે આવે કે મધરાતે આવે, કૂકડો બોલતાં આવે કે સવારે આવે. 36જો તે અચાનક આવે, તો તમે ઊંઘતા ઝડપાઈ જવા ન જોઈએ. 37હું તમને જે કહું છું તે બધાને કહું છું: જાગૃત રહેજો.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in