લૂક 11
11
પ્રાર્થના વિષે ઈસુનું શિક્ષણ
માથ. 6:9-13; 7:7-11
1એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’”
2ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
3 દિવસની અમારી રોટલી આજ અમને આપો; 4અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.
5ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, 6કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, 7તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી? 8હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.
9 હું તમને કહું છું કે, માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. 10કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.
11 વળી તમારામાંનો એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? 12અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે? 13માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”
બાલઝબૂલ વિષે
માથ. 12:22-30; માર્ક 3:20-27
14ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું. 15પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”
16બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું. 17પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.
18 જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું. 19જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. 20પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે; 22પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે. 23જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
અશુદ્ધ આત્મા પાછો આવે છે
માથ. 12:43-45
24 અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. 25અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે. 26ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”
આશીર્વાદ કોને?
27એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’” 28પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”
ચમત્કારિક ચિહ્નની માગણી
માથ. 12:38-42
29સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 30કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’”
31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
32 નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
શરીરનો દીવો આંખ
માથ. 5:15; 6:22-23
33 કોઈ માણસ દીવો સળગાવીને તેને સંતાડી મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ. 34તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે; 35તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે. 36જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.’”
ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓનો દોષ કાઢે છે
માથ. 23:1-36; માર્ક 12:38-40
37ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા. 38ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
39પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે. 40અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું? 41જે અંદર છે તે પ્રમાણે તમારે દાન આપવું અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
42 પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
43 તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે. 44તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”
45ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’” 46ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
47 તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા. 48તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
49 એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે; 50જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે; 51હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
52 તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”
53ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા. 54તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.
Currently Selected:
લૂક 11: IRVGuj
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.