YouVersion Logo
Search Icon

લૂક 16

16
ચાલાક કારભારી
1પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે. 2અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.
3 કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે. 4તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.
5 તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે? 6અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ. 7પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.
8 તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. 9અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.
10 જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે. 11માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? 12જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?
13 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
ઈસુના કેટલાક કથનો
માથ. 11:12-13; 5:31-32; માર્ક 10:11-12
14અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી. 15ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
16 નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે. 17પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.
18 જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
શ્રીમંત માણસ અને ગરીબ લાજરસ
19 એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો. 20લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. 21શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
22 પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. 23પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.
24 તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.
25 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. 26વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.
27 તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો, 28કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.
29 પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. 30અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. 31અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”

Currently Selected:

લૂક 16: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for લૂક 16