YouVersion Logo
Search Icon

લૂક 22

22
ઈસુની વિરુદ્ધ કાવતરું
માથ. 26:1-5; માર્ક 14:1-2; યોહ. 11:45-53
1હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું. 2ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
માથ. 26:14-16; માર્ક 14:10-11
3યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો. 4તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.
5તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું; 6તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.
પાસ્ખાપર્વના ભોજનની તૈયારી
માથ. 26:17-25; માર્ક 14:12-21; યોહ. 13:21-30
7બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું. 8ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’” 9તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
10ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’” 11ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?
12 તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’” 13તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
પ્રભુભોજન
માથ. 26:26-30; માર્ક 14:22-26; 1 કરિં. 11:23-25
14વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા. 15ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી. 16કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”
17ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો. 18કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”
19પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’” 20તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.
21 પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. 22માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’ 23તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”
સૌથી મોટું કોણ? વાદવિવાદ
24આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. 25ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
26 પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું. 27કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.
28 પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો. 29જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું; 30કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”
પિતરના નકાર અંગે ઈસુની આગાહી
માથ. 26:31-35; માર્ક 14:27-31; યોહ. 13:36-38
31 ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા. 32પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”
33તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’” 34પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’”
થેલી, ઝોળી ને તલવાર રાખો
35પછી તેમણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’” 36ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.
37 કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’” 38તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’”
ઈસુ જૈતૂન પહાડ પર પ્રાર્થના કરે છે
માથ. 26:36-46; માર્ક 14:32-42
39બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’”
41આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, 42‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
43આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો. 44તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
45પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા, 46ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’”
ઈસુની ધરપકડ
માથ. 26:47-56; માર્ક 14:43-50; યોહ. 18:3-11
47તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. 48પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”
49જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’” 50તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.
52જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો? 53હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”
પિતરનો નકાર
માથ. 26:57-58,69-75; માર્ક 14:53-54,66-72; યોહ. 18:12-18,25-27
54તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. 55ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
56એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’” 57પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’” 58થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”
59આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.” 60પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
61પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.” 62તે બહાર જઈને બહુ જ રડ્યો.
ઈસુની ઠઠ્ઠામશ્કરી અને માર
માથ. 26:67-68; માર્ક 14:65
63ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો. 64તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’” 65તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
ઈસુ ન્યાયસભા સમક્ષ
માથ. 26:59-66; માર્ક 14:55-64; યોહ. 18:19-24
66દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે, 67“જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી 68વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.
69 પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.” 70લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.” 71અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”

Currently Selected:

લૂક 22: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in