Logo YouVersion
Ikona vyhledávání

ઉત્પત્તિ 34

34
દીનાનો શિયળભંગ
1અને લેઆની દીકરી દીના જે તેને યાકૂબથી થઈ હતી, તે તે દેશની સ્‍ત્રીઓને મળવા નીકળી. 2અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દિકરા શખેમે તેને જોઈ. અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી. 3અને યાકૂબની દીકરી દીના પર તેનું દિલ ચોંટી ગયું, ને તેણે તે છોકરી પર પ્રેમ કર્યો, ને તેની સાથે હેતથી બોલ્યો. 4અને શખેમે તેના પિતા હમોરને કહ્યું, “આ છોકરીની સાથે મારું લગ્ન કરાવી આપો.”
5અને યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની તેણે આબરૂ લીધી છે. અને તેના દિકરા ખેતરમાં ઢોરની પાસે હતા; અને તેઓના આવ્યા સુધી યાકૂબ છાનો રહ્યો. 6અને શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે ગયો. 7અને યાકૂબના દીકરઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા. અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢયો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઇઝરાયેલમાં મૂર્ખપણું કર્યું હતું; એ કામ કરવું અણઘટતું હતું. 8અને હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, “મારા દિકરા શખેમનો જીવ તમારી દીકરી પર મોહિત થયો છે. કૃપા કરીને તેને તેની સાથે પરણાવો. 9અને આપણે અરસપરસ વિવાહ કરીએ; એટલે તમારી દીકરીઓ અમને આપો, ને અમારી દીકરીઓ તમે લો. 10અને અમારી સાથે તમે રહો. દેશ તમારી આગળ છે; તેમાં તમે રહીને વેપાર કરો, ને તેમાં માલમિલકત મેળવો.”
11નઅએ શખેમે તેના પિતા તથા તેના ભાઈઓને કહ્યું, “જો હું તમારી દષ્ટિમાં કૃપા પામું, તો તમે મને જે કહેશો તે હું તમને આપીશ. 12તમે મારી પાસે પલ્લું તથા બક્ષિસ ગમે તેટલાં માગોમ ને જે તમે મને કહેશો તે પ્રમાણે આપીશ; પણ એ છોકરી મારી પત્ની થવા માટે મને આપો.” 13અને તેઓની બહેન દીનાની તેણે આબરૂ લીધી હતી, તે માટે યાકૂબના દિકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો. 14અને તેઓએ તેઓને કહ્યું, “જે માણસની સુન્‍નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી નથી શકતા, કેમ કે તેથી અમારું અપમાન થાય. 15ફકત આ શરતે અમે તમારું માનીએ કે, અમારી જેમ તમારા સર્વ પુરુષોની સુન્‍નત કરાય. 16પછી અમે અમારી દીકરીઓ તમને આપીએ, ને તમારી દીકરીઓ અમે લઈએ, ને તમારામાં અમે રહીએ, ને આપણે એક લોક થઈએ. 17પણ જો સુન્‍નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી કન્યાને લઈને ચાલ્યા જઈશું.”
18અને તેઓની વાત હમોર તથા હમોરના દિકરા શખેમને સારી લાગી. 19અને તે જુવાને તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી પર મોહિત થયેલો હતો; અને તે તેના પિતાના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.
20પછી હમોર તથા તેનો દીકરો શખેમ તેમના નગરના દરવાજે આવ્યા, ને તેમના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું, 21“આ માણસો આપણી સાથે સંપીલા રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો, ને વેપાર કરવા દો; કેમ કે જુઓ, દેશ તેઓની આગળ વિશાળ છે, આપણે તેઓની દીકરીઓ લઈએ, ને આપણી દીકરીઓ તેઓને આપીએ. 22પણ આ જ શરતે તેઓ આપણી સાથે રહેવા તથા એક લોક થવાને રાજી થશે, એટલે કે જેમ તેઓની સુન્‍નત કરાય છે, તેમ આપણામાંના દરેક પુરુષની સુન્‍નત કરાય. 23તેઓનાં ટોળાં તથા તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થાય? કેવળ આપણે તેઓનું માનીએ એટલે તેઓ આપણી મધ્યે રહેશે.” 24અને જેઓ શહેરના દરવાજેથી નીકળતઅ હતા તે બધાએ હમોર તથા તેના દિકરા શખેમની વાત માની, અને તેના શહેરના દરવાજે થઈને જનારા સર્વ પુરુષોની સુન્‍નત કરવામાં આવી.
25અને ત્રીજે દિવસે એમ થયું કે, તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દિકરા શિમયોન તથા લેવી જેઓ દીનાના ભાઈઓ હતા તેઓએ પોતાનિ એકેક તરવાર લઈને નગર પર ઓચિંતા આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા. 26અને તેઓએ હમોરને તથા તેના દિકરા શખેમને તરવારની ધારથી માર્યા, ને શખેમના ઘેરથી દીનાને લઈ ગયા. 27યાકૂબના દિકરાઓએ મારી નંખાયેલા પર આવીને નગર લૂંટયું, કેમ કે તેઓની બહેનને તેઓએ અશુદ્ધ કરી હતી. 28તેઓનાં ઘેટાંબકરાં તથા તેઓનાં ઢોર તથા તેઓનાં ગધેડાં તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું. 29અને તેઓનું સર્વ દ્રવ્ય તથા તેઓનાં સર્વ બાળકો, ને તેઓની સ્‍ત્રીઓ તેઓએ લઈ લીધાં, ને જે કંઈ તેઓનાં ઘરમાં હતું તે પણ લૂંટી લીધું. 30અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.” 31અને તેઓએ કહ્યું, “તેઓ વેશ્યાની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું?”

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas