લૂક 18

18
ઈશ્વરથી ન ડરતા ન્યાયાધીશ અને વિધવાનું દ્રષ્ટાંત
1સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે, 2‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.
3 તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’” 4કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી, 5તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”
6પ્રભુએ કહ્યું કે, ‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’” 8હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”
પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદારનું દ્રષ્ટાંત
9કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, 10બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.
11 ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું. 12અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”
13 પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’” 14હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
નાનાં બાળકોને આશીર્વાદ
માથ. 19:13-15; માર્ક 10:13-16
15તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 16તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”
પાછો જતો રહેલો શ્રીમંત યુવાન
માથ. 19:16-30; માર્ક 10:13-31
18એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” 19ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 20તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’” 21તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”
22ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’” 23પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
24ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે! 25કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”
26તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’” 27પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”
28પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’” 29ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, 30તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”
ઈસુએ ત્રીજી વખત પોતાના મૃત્યુની આગાહી કરી
માથ. 20:17-19; માર્ક 10:32-34
31ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે. 32કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે; 33વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”
34પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
ઈસુ યરીખોના અંધ ભિખારીને દેખતો કરે છે
માથ. 20:29-34; માર્ક 10:46-52
35એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો. 36ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’” 37તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”
38તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’” 39જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
40ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે, 41‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.
42ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’ 43અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.

Valgt i Øjeblikket:

લૂક 18: IRVGuj

Markering

Del

Kopiér

None

Vil du have dine markeringer gemt på tværs af alle dine enheder? Tilmeld dig eller log ind