Logo de YouVersion
Ícono Búsqueda

લૂક 17

17
ઈસુનાં બીજાં કથનો
(માથ. 18:6-7,21-22; માર્ક. 9:42)
1ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને પાપમાં પાડનાર પ્રલોભનો તો ઊભાં થવાનાં જ; પણ જે વ્યક્તિ વડે એ થાય છે તેની કેવી દુર્દશા થશે! 2કોઈ આ નાનાઓમાંના એક્દને પાપમાં પાડે તેના કરતાં તેને ગળે ઘંટીનો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે. 3તેથી સાવધ રહો!
“જો તારો ભાઈ પાપ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કર. 4જો તે તારી વિરુદ્ધ એક દિવસમાં સાતવાર પાપ કરે, અને દરેક વખતે તે આવીને તને કહે, ‘મને પસ્તાવો થાય છે,’ તો તારે તેને ક્ષમા આપવી જોઈએ.”
5પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.”
6પ્રભુએ જવાબ આપ્યો, “તમારામાં રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હોય, તો આ શેતુરના વૃક્ષને, ‘અહીંથી સમૂળગું ઊખડી જા, અને સમુદ્રમાં રોપાઈ જા,’ એમ તમે કહી શક્યા હોત અને તે તમારું કહ્યું માનત.
7“ધારો કે, તમારામાંના કોઈ એકને એક નોકર છે. તે ખેતર ખેડવાનું અથવા ઘેટાંની દેખભાળ રાખવાનું કાર્ય કરે છે. જ્યારે તે ખેતરમાંથી આવે છે, ત્યારે શું તમે આવું કહો છો કે, ‘ચાલ, આવીને જમવા બેસી જા?’ બેશક નહિ! એને બદલે, તમે આવું કહો છો: 8‘મારે માટે રસોઈ તૈયાર કર, અને હું ખાઉંપીઉં ત્યાં લગી મારી ખડેપગે સેવા કર; તું પછીથી ખાજેપીજે.’ 9એ હુકમ માન્યા બદલ તમે નોકરનો આભાર માનો છો ખરા? 10એ જ રીતે તમારે પણ તમને આપવામાં આવેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી પણ કહેવું કે, ‘અમે નક્મા ચાકરો છીએ; અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે.”
દસ રક્તપિત્તિયાઓનું શુદ્ધ થવું
11યરુશાલેમ જતાં જતાં ઈસુ સમરૂન અને ગાલીલમાં થઈને પસાર થયા. 12તે એક ગામમાં દાખલ થતા હતા, ત્યારે તેમને દસ રક્તપિત્તિયા સામા મળ્યા. તેઓ દૂર ઊભા રહીને બૂમ પાડવા લાગ્યા, 13“ઓ ઈસુ! ઓ પ્રભુ!અમારા પર દયા કરો.” 14ઈસુએ તેમને જોઈને કહ્યું, “જાઓ, યજ્ઞકાર પાસે જઈને તમારું શરીર બતાવો.”
15તેઓ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. તેમનામાંથી એક પોતાને સાજો કરવામાં આવ્યો તે જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં પાછો આવ્યો. 16તે ઈસુના ચરણે નમી પડયો, અને આભાર માનવા લાગ્યો. એ તો એક સમરૂની હતો. 17ઈસુ બોલી ઊઠયા, “શુદ્ધ તો દસને કરવામાં આવ્યા હતા, બીજા નવ ક્યાં છે? 18પાછા આવીને ઈશ્વરનો આભાર માનનાર આ એક પરદેશી જ નીકળ્યો!” 19અને ઈસુએ તેને કહ્યું, “ઊઠ, જા; તારા વિશ્વાસને લીધે તું સાજો થયો છે.”
ઈશ્વરના રાજનું આગમન
(માથ. 24:23-28,37-41)
20કેટલાક ફરોશીઓએ ઈસુને પૂછયું, “ઈશ્વરનું રાજ ક્યારે આવશે?” આવો જવાબ આપ્યો: “નજરે જોઈ શકાય એ રીતે ઈશ્વરનું રાજ આવતું નથી. 21કોઈ એમ નહિ કહે કે, ‘જુઓ, તે અહીં છે,’ અથવા ‘ત્યાં છે.’ કારણ, ઈશ્વરનું રાજ તમારા દિલમાં છે.”
22પછી તે શિષ્યોને કહે છે, “એવો સમય આવશે કે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવાની ઝંખના રાખશો, પરંતુ તમે જોઈ શકશો નહિ! 23‘જુઓ, તે ત્યાં રહ્યો!’ અથવા ‘જુઓ, તે આ રહ્યો!’ એવું કહેનારા તમને મળશે. પણ એમની પાછળ પાછળ શોધવા જતા નહિ. 24જેમ આકાશના એક છેડેથી બીજા છેડા સુધી વીજળી ચમકે છે, તેમ માનવપુત્રનું આગમન તે દિવસે થશે. 25પણ પ્રથમ તેણે ઘણું સહન કરવું પડશે અને તેના પોતાના સમયના લોકો તેનો તિરસ્કાર કરશે.
26“નૂહના સમયમાં જેમ બન્યું તેમ માનવપુત્રના સમયમાં પણ બનશે. 27નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી બધા ખાતાપીતા હતા અને લગ્ન કરતા-કરાવતા હતા. 28વળી, લોતના સમયમાં જેમ બન્યું તેમ જ ત્યારે થશે. બધા લોકો ખાતા હતા, પીતા હતા, ખરીદતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા. 29પણ તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને તેમનો બધાનો નાશ થયો. 30માનવપુત્રના પ્રગટ થવાના દિવસે પણ તેમ જ બનશે.
31“તે દિવસે જે માણસ ઘરના છાપરા પર હોય, તેણે ઘરમાંથી પોતાની માલમિલક્ત લેવા ઊતરવું નહિ; એ જ પ્રમાણે જે માણસ ખેતરમાં ગયો હોય, તેણે ઘેર પાછા આવવું નહિ. 32લોતની પત્નીને યાદ કરો. 33જે કોઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. 34હું તમને કહું છું કે તે રાત્રે એક પથારીમાં બે વ્યક્તિઓ સૂતી હશે; તેમાંથી એક લેવાશે અને બીજી પડતી મૂકાશે. 35બે સ્ત્રીઓ સાથે બેસીને ઘંટીએ દળતી હશે; તેમાંથી એકને લેવાશે અને બીજીને પડતી મૂકાશે 36(બે માણસો ખેતરમાં હશે, એક લઈ લેવાશે, અને બીજો પડતો મૂકાશે.)
37શિષ્યોએ તેમને પૂછયું, “પ્રભુ, આ બધું ક્યાં બનશે?” ઈસુએ જવાબ આપ્યો, “જ્યાં મડદું પડયું છે ત્યાં ગીધડાં એકઠાં થવાનાં જ.”

Actualmente seleccionado:

લૂક 17: GUJCL-BSI

Destacar

Compartir

Copiar

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión