લૂક 21

21
વિધવાનું બે દમડીનું દાન
(માર્ક ૧૨:૪૧-૪૪)
1તેમણે ઊચું જોયું તો શ્રીમંતોને [ધર્મ] ભંડારમાં દાન નાખતા જોયા. 2એક દરિદ્રી વિધવાને તેમાં બે દમડી નાખતાં તેમણે જોઈ. 3ત્યારે તેમણે કહ્યું, “હું તમને સાચું કહું છું કે, આ દરિદ્રી વિધવાએ એ બધા કરતાં વધારે નાખ્યું છે; 4કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.”
મંદિરના નાશની આગાહી
(માથ. ૨૪:૧-૧૨; માર્ક ૧૩:૧-૨)
5સુંદર પથ્થરોથી તથા દાનોથી મંદિર કેવું સુશોભિત કરેલું છે તે વિષે કેટલાક વાતો કરતા હતા, ત્યારે તેમણે કહ્યું, 6“આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાડી નહિ નંખાશે એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહિ.”
સંકટોની સતાવણીઓ
(માથ. ૨૪:૩-૧૪; માર્ક ૧૩:૩-૧૩)
7તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, તો એ ક્યારે થશે? અને જ્યારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે શું‍ ચિહ્ન થશે?” 8તેમણે તેઓને કહ્યું, “કોઈ તમને ના ભુલાવે માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે કે, ‘તે હું છું.’ અને સમય પાસે આવ્યો છે. તમે તેઓની પાછળ જશો નહિ, 9જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો નહિ; કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ. પણ એટલેથી જ અંત નથી.”
10વળી તેમણે તેઓને કહ્યું, “પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે. 11અને મોટા મોટા ધરતીકંપો [થશે] , તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે. 12પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, અને તમને સતાવીને સભાસ્થાનો તથા બંદીખાના [ના અધિકારીઓ] ને હવાલે કરશે, અને રાજાઓ તથા હાકેમોની આગળ લઈ જશે. 13એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે. 14માટે #લૂ. ૧૨:૧૧-૧૨. તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે આગળથી ચિંતા ન કરવી. 15કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ. 16વળી માતાપિતા, ભાઈઓ, સગાં તથા મિત્રો પણ તમને પરસ્વાધીન કરશે અને તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. 17વળી મારા નામને લીધે સર્વ તમારો દ્વેષ કરશે. 18પણ તમારા માથાનો એક વાળ પણ નાશ પામશે નહિ. 19તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.
યરુશાલેમ વિનાશ અંગે આગાહી
(માથ. ૨૪:૧૫-૨૧; માર્ક ૧૩:૧૪-૧૯)
20જ્યારે યરુશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો [સમય] પાસે આવ્યો છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું. જેઓ [શહેર] માં હોય તેઓએ બહાર નીકળી જવું. અને જેઓ સીમમાં હોય તેઓએ [શહેર] માં આવવું નહિ. 22કેમ કે એ #હો. ૯:૭. વૈર વાળવાના દિવસો છે, જેથી જે જે લખેલું છે, તે બધું પૂરું થાય. 23તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે! કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.
માનવપુત્રનું આગમન
(માથ. ૨૪:૨૯-૩૧; માર્ક ૧૩:૨૪-૨૭)
25 # યશા. ૧૩:૧૦; હઝ. ૩૨:૭; યોએ. ૨:૩૧; પ્રક. ૬:૧૨-૧૩. સૂરજ, ચંદ્ર તથા તારાઓમાં ચિહ્નો થશે. પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાંઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે. 26અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની શક્યતાથી માણસો નિર્ગત થશે. કેમ કે આકાશમાંનાં પરાક્રમો હાલી ઊઠશે. 27ત્યારે તેઓ #દા. ૭:૧૩; પ્રક. ૧:૭. માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળાંમાં આવતા જોશે. 28પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.”
અંજીરી પરથી મળતો બોધપાઠ
(માથ. ૨૪:૩૨-૩૫; માર્ક ૧૩:૨૮-૩૧)
29તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું, “અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ. 30તેઓ જ્યારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ જાણી જાઓ છો કે ઉનાળો નજીક આવ્યો છે. 31તેમ જ તમે પણ આ સર્વ થતાં જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે.
32હું તમને ખચીત કહું છું કે, બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી ટળી જશે નહિ. 33આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.
સાવધાન રહેવાની જરૂર
34પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. 35કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. 36પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
37 # લૂ. ૧૯:૪૭. દરરોજ તે મંદિરમાં દિવસે બોધ કરતા હતા; અને રાત્રે તે જૈતૂન નામના પહાડ પર રહેતા હતા. 38તેમનું સાંભળવા માટે બધા લોકો પરોઢિયે તેમની પાસે મંદિરમાં આવતા હતા.

Tällä hetkellä valittuna:

લૂક 21: GUJOVBSI

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään