ઉત્પ 24
24
ઇસહાક રિબકાને લગ્ન કરે છે
1ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા. 2તેણે પોતાના ઘરના સર્વસ્વના કારભારી વરિષ્ઠ ચાકરને કહ્યું, “મારી જાંઘ નીચે તારો હાથ મૂક#24:2 મારી જાંઘ નીચે તારો હાથ મૂક તે દિવસોમાં યહૂદી લોકો આ રીતે સમ ખાતા હતા 3અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ. 4પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ.”
5ચાકરે તેને કહ્યું, “કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?” 6ઇબ્રાહિમે તેને કહ્યું, “ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ! 7આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી#24:7 સંબંધીઓના દેશમાંથી જન્મભૂમિ બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, ‘આ દેશ હું તારા સંતાનને આપીશ,’ તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે.
8તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ.” 9તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા.
10તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરાઈમ#24:10 અરામ-નાહરાઈમ મેસોપોતામિયાના નાહોરના શહેરમાં આવ્યો. 11સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.
12પછી તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો. 13હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે. 14ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,’ ત્યારે તે મને એમ કહે કે, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,’ તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.”
15તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી. 16તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.
17તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ.” 18તેણે કહ્યું, “મારા માલિક, પીઓ,” અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.
19તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, “તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ.” 20પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.
21ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો. 22ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી. 23તેણે તેને પૂછ્યું, “તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?”
24રિબકાએ તેને કહ્યું, “મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું.” 25વળી તેણે એ પણ કહ્યું, “અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે.”
26પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી, 27અને કહ્યું, “મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે.”
28પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી. 29રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો. 30તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, “તે માણસે મને એમ કહ્યું છે,” ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.
31લાબાને કહ્યું, “તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે.” 32તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.
33તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, “મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ.” તેથી લાબાને કહ્યું, “બોલ.” 34તેણે કહ્યું, “હું ઇબ્રાહિમનો ચાકર છું.” 35ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.
36મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે. 37મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ. 38પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.”
39મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?’ 40પણ તેણે મને કહ્યું, ‘જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાંઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે. 41પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.”
42તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, ‘મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય, 43તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,” 44અને તે યુવતી મને કહે, “પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ.” તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.”
45હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પીવડાવ” 46તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.’ મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.
47મેં તેને પૂછ્યું, ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું, ‘હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.’ પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી, 48અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.
49તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું.”
50પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી. 51હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય.”
52ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી. 53તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.
54પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, “મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો.” 55રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, “રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે.”
56પણ તેણે તેઓને કહ્યું, “ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં.” 57તેઓએ કહ્યું, “અમે દીકરીને બોલાવીને તેને પૂછીએ.” 58તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, “શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?” તેણે જવાબ આપ્યો, “હા હું જઈશ.”
59તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા. 60તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું,
“અમારી બહેન, તું કરોડોની માતા થજે
અને તારા વંશજો પોતાના વેરીઓના પ્રવેશદ્વારને કબજે કરો.”
61પછી રિબકા તથા તેની દાઈઓ ઊઠીને ઊંટો પર બેઠી અને ઊંટો તે માણસની પાછળ ચાલ્યા. ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે વળ્યો.
62હવે ઇસહાક બેર-લાહાય-રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો.
63ઇસહાક સાંજે મનન કરવા માટે ખેતરમાં ગયો. ત્યારે તેણે પોતાની આંખો ઊંચી કરી તો તેણે ઊંટોને આવતાં જોયાં! 64રિબકાએ નજર મિલાવીને જયારે ઇસહાકને જોયો, ત્યારે તે ઊંટ પરથી નીચે ઊતરી. 65તેણે ચાકરને કહ્યું, “આ માણસ કોણ છે કે જે આપણને મળવાને ખેતરમાં આવે છે?” ચાકરે કહ્યું, “તે મારો માલિક છે.” તેથી તેણે પોતાના દુપટ્ટાથી મુખ પર આવરણ કર્યું.
66ચાકરે જે કર્યું હતું તે બધું તેણે ઇસહાકને કહી સંભળાવ્યું. 67પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.
Sélection en cours:
ઉત્પ 24: IRVGuj
Surbrillance
Partager
Copier

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.