Logo YouVersion
Îcone de recherche

યોહાન 3

3
ઈસુ અને નિકોદેમસ
1ત્યાં નિકોદેમસ નામનો માણસ હતો નિકોદેમસ ફરોશીઓમાંનો એક હતો. તે એક અગત્યનો યહૂદિ અધિકારી હતો. 2એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો. નિકોદેમસે કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે. તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ.”
3ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. માણસે નવો જન્મ પામવો જોઈએ. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી.”
4નિકોદેમસે કહ્યું, “પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ!”
5પણ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. 6વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. 7મેં તને કહ્યું કે, તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના. 8પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે. તું ફૂંકાતા પવનને સાંભળે છે, પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે. આત્મામાંથી જન્મેલું છે, તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે.”
9નિકોદેમસે પૂછયું, “આ બધું કેવી રીતે શક્ય બને છે?”
10ઈસુએ કહ્યું, “તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે. પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી? 11હું તને સત્ય કહું છું. અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ. અમે જે જોયું છે તે અમે કહીએ છીએ. પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી. 12મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે. પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી. તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ! 13ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”
14“મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે. 15પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે.”
16હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય. 18જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે, તેનો ન્યાય (અપરાધી) થતો નથી; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે, શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી. 19આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં. 20દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે. 21પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું.
ઈસુ અને યોહાન બાપ્તિસ્મ
22આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા. ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો. એનોન શાલીમની નજીક હતું. યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું. લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા. 24(યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું.)
25યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો. તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા. 26તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા. તેઓએ કહ્યુ, “રાબ્બી, જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર. તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે. તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે.”
27યોહાને ઉત્તર આપ્યો, “માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે. 28તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે, ‘હું ખ્રિસ્ત નથી. હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે.’ 29કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે. તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે, રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે. આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે, ત્યારે ઘણો પ્રસન્ન થાય છે. એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે. 30તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે.
તે એક જે આકાશમાંથી આવે છે
31“તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”

Sélection en cours:

યોહાન 3: GERV

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi