Logo YouVersion
Îcone de recherche

લૂક 17

17
1ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે. 2જો કોઈ નિર્બળ માણસોમાંના કોઈ એકને પાપમાં નાખે તો તે માણસ માટે અફસોસ છે. તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બાંધીને તેને સાગરમાં ડૂબાડવામાં આવે તે તેને માટે વધારે સારું છે. 3તેથી સાવધાન રહો!
“જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર. 4જો તારો ભાઈ દિવસમાં સાત વાર કંઈ ખોટું કરે, અને દરેક વખતે તારી પાસે પાછો આવે અને કહે કે, હું દિલગીર છું. તો તું તેને માફ કર.”
તમારો વિશ્વાસ કેટલો મોટો છે?
5પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધાર!”
6પ્રભુએ કહ્યું, “જો તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તને આ ગુલ્લર ઝાડને કહેતા કે, ‘તું ઊખડીને સમુદ્ધમાં રોપાઇ જા!’ અને તે ઝાડ તમારું માનત.
સારા સેવક બનો
7“ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા’? 8ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે. 9નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. 10તમારી સાથે એવું જ છે. જ્યારે તમને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે જ બધું તમે કર્યુ છે ત્યારે તમારે કહેવું જોઈએ, ‘અમે ફક્ત અમારે જે કામ કરવાનું હતું તે જ કર્યું છે, અમે ખાસ મહેરબાનીને લાયક નથી.’”
આભારી બનો
11ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. 12તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા. 13પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!”
14જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.”
જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા. 15જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી. 16તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.) 17ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે? 18દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?” 19પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”
દેવનું રાજ્ય તમારામાં છે
(માથ. 24:23-28, 37-41)
20કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું, “દેવનું રાજ્ય ક્યારે આવશે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ. 21લોકો કહેશે નહિ, ‘જુઓ, અહી દેવનું રાજ્ય છે!’ અથવા ‘ત્યાં તે છે!’ ના, દેવનું રાજ્ય તો તમારામાં છે.”
22પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ. 23લોકો તમને કહેશે, ‘જુઓ ત્યાં તે છે!’ જુઓ, અહીં તે છે! તમે જ્યાં છો ત્યાં જ રહો; દૂર જશો ના અને શોધશો ના.
24“જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે. 25પણ તે પહેલા માણસના દીકરાને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીના લોકો દ્ધારા તેનું મરણ થશે.
26“જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.
28“લોતના સમય દરમ્યાન પણ એમ જ થયું, જ્યારે દેવે સદોમનો નાશ કર્યો ત્યાં સુધી પેલા લોકો ખાતા, પીતા, ખરીદતા, વેચતા, રોપતા, અને તેઓના માટે મકાનો બાંધતા હતાં. 29જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો. 30જે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે.
31“તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ. 32યાદ કરો, લોતની પત્નીનું શું થયું?
33“જે માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે જીવ ગુમાવશે અને જે કોઈ માણસ તેનો જીવ આપશે, તે બચાવી શકશે. 34જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે. 35જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે. [36બે માણસો એક ખેતરમાં હશે. એક માણસ ઉચકી લેવાશે, અને બીજો માણસ પડતો મૂકાશે.]”#17:36 કેટલીક લૂકની ગ્રીક નકલોમાં 36મી કલમ ઉમેરી છે.
37શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”

Sélection en cours:

લૂક 17: GERV

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi