ઉત્પત્તિ 13

13
અબ્રામ અને લોત જુદા પડે છે
1અબ્રામ પોતાની પત્ની અને સઘળી સંપત્તિ સાથે ઇજિપ્તની ઉત્તરે કનાન દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ ગયો અને લોત પણ તેની સાથે હતો. 2હવે અબ્રામ તો ઘણો ધનવાન બન્યો હતો. તેની પાસે ઘણું પશુધન તેમ જ પુષ્કળ સોનુરૂપું હતાં. 3તે નેગેબથી નીકળીને જુદે જુદે સ્થળે મુકામ કરતો કરતો પાછો બેથેલ તરફ ગયો. બેથેલ અને આયની વચ્ચે જ્યાં તેણે તંબુ માર્યો હતો 4અને વેદી બાંધી હતી તે સ્થળે તે પહોંચ્યો. ત્યાં તેણે યાહવેને નામે ભજન કર્યું.
5અબ્રામની સાથે જનાર લોત પાસે પણ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને તંબુઓ હતાં. 6તેમની પાસે ઘણાં ઢોરઢાંક હોવાથી તે પ્રદેશમાં તેઓ બન્‍ને સાથે રહી શકે તે માટે ચરાણની પૂરતી જમીન નહોતી. 7તેથી અબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા શરૂ થયા. તે સમયે કનાનમાં કનાની અને પરિઝી લોકો વસતા હતા.
8તેથી અબ્રામે લોતને કહ્યું, “તારી અને મારી વચ્ચે તેમ જ તારા અને મારા ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા થવા ન જોઈએ. શું આપણે સગા નથી? 9તારી આગળ આખો દેશ છે. માટે તું હવે મારાથી જુદો થા. તું દેશમાં ડાબી તરફ જશે તો હું જમણી તરફ જઈશ અને તું જમણી તરફ જશે તો હું ડાબી તરફ જઈશ.” 10લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ#13:10 ‘પ્રભુના બાગ’: એદન વાડીનો ઉલ્લેખ. જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો.#ઉત. 2:10. 11તેથી લોતે પોતાને માટે યર્દનનો આખો ખીણપ્રદેશ પસંદ કર્યો અને પૂર્વ તરફ ચાલી નીકળ્યો. એ રીતે તેઓ બન્‍ને જુદા થયા 12અબ્રામ કનાન દેશમાં જ રહ્યો, પરંતુ લોત નદીના ખીણપ્રદેશનાં શહેરોમાં જઈ વસ્યો. લોત મુકામ કરતો કરતો છેક સદોમ નજીક જઈ વસ્યો. 13સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા.
હેબ્રોન તરફ પ્રયાણ
14લોત અબ્રામથી છૂટો પડયો તે પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “જ્યાં તું છે ત્યાંથી તારી નજર ઊંચી કરીને ઉત્તર તથા દક્ષિણ તરફ અને પૂર્વ તથા પશ્ર્વિમ તરફ જો. 15તું જુએ છે તે આખો પ્રદેશ હું તને તથા તારા વંશજોને કાયમને માટે આપીશ.#પ્રે.કા. 7:5. 16હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે! 17હવે જા, દેશની લંબાઈ અને પહોળાઈ પ્રમાણે તેના ચારે છેડા સુધી ફરી વળ; કારણ, એ આખો દેશ હું તને આપીશ.” 18તેથી અબ્રામે તંબુ ઉપાડયો અને હેબ્રોનમાં આવેલાં મામરેનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક જઈ વસ્યો. ત્યાં તેણે પ્રભુના ભજન માટે વેદી બાંધી.

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו