ઉત્પત્તિ 2

2
1આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું. 2સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો. 3ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે#2:3 તે દિવસે અથવા તે દિવસ સુધીમાં ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો. 4આકાશ તથા પૃથ્વીના સર્જનનું આ વર્ણન છે.
એદન બાગ
પ્રભુ#2:4 પ્રભુ: હિબ્રૂ પાઠમાં ‘યાહવે’. આ અનુવાદમાં પુરાતન પ્રણાલિકા અનુસાર યાહવેને સ્થાને પ્રભુ શબ્દ વાપરવામાં આવ્યો છે. પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં. 5ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઊગ્યાં નહોતાં. કારણ, ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું. 6પણ ધરતીમાંથી ઝરણાં ફૂટી નીકળ્યાં અને તેમણે ભૂમિના ઉપલા આખા પડને ભીનું કરી દીધું. 7પ્રભુ પરમેશ્વરે ભૂમિની#2:7 ભૂમિ: હિબ્રૂ - અદામા માટીમાંથી માણસ#2:7 માણસ: હિબ્રૂ - આદામ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.
8પ્રભુ પરમેશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો અને તેમાં પોતે બનાવેલા માણસને રાખ્યો. 9તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યાં. બાગની વચમાં જીવનદાયક વૃક્ષ તેમજ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષ પણ ઉગાવ્યાં.
10બાગમાં પાણી સિંચવા માટે એદનમાંથી એક નદી વહેતી હતી અને ત્યાં જ તેના ફાંટા પડી જઈ ચાર નદીઓ બનતી હતી. 11પહેલી નદીનું નામ પિશોન છે; તે આખા હવીલા પ્રદેશની ફરતે વહે છે. 12એ પ્રદેશમાં ઉત્તમ પ્રકારનું સોનું તેમજ અમૂલ્ય એવા પન્‍ના તથા અકીકના પથ્થરો મળે છે. 13બીજી નદીનું નામ ગિહોન છે; તે આખા ઈથિયોપિયા દેશની ફરતે વહે છે. 14ત્રીજી નદી તૈગ્રિસ છે; તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ યુફ્રેટિસ છે.
15પ્રભુ પરમેશ્વરે એદન બાગમાં ખેડકામ કરવા અને તેનું રક્ષણ કરવા તેમાં તે માણસને રાખ્યો. 16તેમણે માણસને આજ્ઞા આપી: “બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, 17પણ ભલાભૂંડાનું જ્ઞાન#2:17 ભલા ભૂંડાનું અથવા સર્વ પ્રકારનું જ્ઞાન. આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.”
18પછી પ્રભુ પરમેશ્વર બોલ્યા, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય સહાયકારી બનાવીશ.” 19એટલે તેમણે માટીમાંથી પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ ઉપજાવ્યાં અને એ માણસ તેમનાં શું નામ પાડશે તે જોવા તેમને તેની પાસે લાવ્યા. 20માણસે સર્વ પાલતુ પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ અને વન્ય પશુઓનાં નામ પાડયાં; પરંતુ તેને માટે યોગ્ય એવી સહાયકારી મળી નહિ.
21પછી પ્રભુ પરમેશ્વરે માણસને ભરઊંઘમાં નાખ્યો અને જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાંસળી લીધી અને તેની જગ્યાએ માંસ ભર્યું. 22તેમણે માણસમાંથી લીધેલી પાંસળીમાંથી એક સ્ત્રી બનાવી. પ્રભુ પરમેશ્વર તેને તે માણસ પાસે લાવ્યા.
23ત્યારે માણસ બોલી ઊઠયો:
“અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે
અને મારા માંસમાંનું માંસ છે.
તે નારી#2:23 નારી: હિબ્રૂ: ઈશ્શા. કહેવાશે;
કારણ, તે નરમાંથી#2:23 નરમાંથી: નર હિબ્રૂ: ઈશ.
લીધેલી છે.”
24આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્‍ને એક દેહ બને છે.#માથ. 19:5; માર્ક. 10:7-8; ૧ કોરીં. 6:16; એફે. 5:31.
25એ પુરુષ અને સ્ત્રી બન્‍ને નગ્ન હતાં, પણ તેઓ શરમાતાં નહોતાં.

Kiemelés

Megosztás

Másolás

None

Szeretnéd, hogy a kiemeléseid minden eszközödön megjelenjenek? Regisztrálj vagy jelentkezz be