લૂક 20
20
ઈસુના અધિકાર વિષે પ્રશ્ન
માથ. 21:23-37; માર્ક 11:27-33
1એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા. 2તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”
3ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો 4યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”
5તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 6અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”
7તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’” 8ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”
દ્રાક્ષાવાડીના ખેડૂતોનું દ્રષ્ટાંત
માથ. 21:33-46; માર્ક 12:1-12
9તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો. 10મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.
11 પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. 12તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.
13 દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’” 14પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.
15 તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? 16તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”
17પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. 18તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.
કાઈસારને કર ભરવો કે નહિ?
માથ. 22:15-22; માર્ક 12:13-17
19શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે. 20તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.
21તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; 22તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”
23પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે, 24‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”
25ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’” 26લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
પુનરુત્થાન વિષે પ્રશ્ન
માથ. 22:23-33; માર્ક 12:18-27
27સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે, 28‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.
29હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો; 30પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી 31ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મરણ પામ્યા. 32પછી તે સ્ત્રી પણ મરણ પામી. 33તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”
34ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; 35પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; 36કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
37 વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. 38હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”
39શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’” 40પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.
ખ્રિસ્ત-દાઉદ પુત્ર
માથ. 22:41-46; માર્ક 12:35-37
41ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે? 42કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, 43હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. 44દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”
શાસ્ત્રીઓ વિષે સાવધાન રહેવા સંબંધી
માથ. 23:1-36; માર્ક 12:38-40
45સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 46‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે; 47જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.