લૂક 14

14
ફરોશીઓને ઉપદેશ
1એકવાર વિશ્રામવારે ઈસુ એક અગ્રગણ્ય ફરોશીને ઘેર જમવા ગયા; એ લોકો એમના ઉપર ચાંપતી નજર રાખતા હતા. 2ત્યાં જલંદરથી પીડાતો એક માણસ ઈસુની પાસે આવ્યો. 3આથી ઈસુએ નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓને પૂછયું, “આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારના દિવસે સાજા કરવાનું કાર્ય કરી શકાય ખરું?”
4પણ તેઓ કંઈ જ બોલ્યા નહિ. ઈસુએ તેને સ્પર્શ કર્યો અને સાજો કરીને રવાના કર્યો. 5પછી તેમણે તેમને કહ્યું, “તમારામાંના કોઈનો પુત્ર અથવા બળદ વિશ્રામવારને દિવસે કૂવામાં પડી જાય, તો તમે તેને તે જ દિવસે તરત જ બહાર નહિ કાઢો?”
6પણ તેઓ તેમને તેનો જવાબ આપી શક્યા નહિ.
નમ્રતા કે ગર્વ?
7મહેમાનો પોતાને માટે મુખ્ય સ્થાન પસંદ કરતા હતા, તે જોઈને ઈસુએ તેમને બધાને આ ઉદાહરણ આપ્યું, 8“કોઈ તમને લગ્નજમણમાં નિમંત્રણ આપે તો મુખ્ય સ્થાનમાં જઈને ન બેસો. કદાચ એવું બને કે તમારા કરતાં કોઈ વધુ પ્રતિષ્ઠિત માણસને નિમંત્રણ આપવામાં આવ્યું હોય. 9અને નિમંત્રણ આપનાર યજમાન આવીને તમને કહે, ‘આ ભાઈને અહીં બેસવા દેશો?’ ત્યારે તમે શરમાઈ જશો. તમારે સૌથી છેલ્લી જગ્યાએ બેસવું પડશે. 10એના કરતાં તો, જ્યારે તમને નિમંત્રણ આપવામાં આવે ત્યારે જઈને સૌથી છેલ્લી જગ્યાએ બેસો, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, ‘મિત્ર, આવો, પેલા સારા સ્થાને બેસો,’ એટલે બીજા બધા મહેમાનોની સમક્ષ તમને માન મળશે. 11કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”
12પછી ઈસુએ પોતાના યજમાનને કહ્યું, “જ્યારે તમે બપોરનું ખાણું કે રાત્રિનું ભોજન આપો, ત્યારે તમારા મિત્રો, તમારા ભાઈઓ, તમારા સંબંધીઓ અથવા તમારા ધનિક પડોશીઓને નિમંત્રણ ન આપો. કારણ, એના બદલામાં તેઓ તમને નિમંત્રણ આપશે અને ત્યારે તમે જે કર્યું છે, તેનું ફળ તમને મળી જશે. 13પણ જ્યારે તમે ભોજન સમારંભ રાખો, ત્યારે ગરીબોને, અપંગોને, લંગડાઓને અને આંધળાઓને નિમંત્રણ આપો. 14એથી તમને આશિષ મળશે; કારણ, તેઓ તમને બદલો આપી શકે તેમ નથી. ન્યાયી માણસો મૃત્યુમાંથી જીવંત થશે, ત્યારે ઈશ્વર તરફથી તમને બદલો મળશે.”
ભોજન સમારંભનું ઉદાહરણ
(માથ. 22:1-10)
15એ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંથી એક માણસે ઈસુને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જેઓ જમવા બેસશે તેમને ધન્ય છે!”
16ઈસુએ તેને કહ્યું, “એક માણસે મોટો ભોજન સમારંભ યોજ્યો. એમાં એણે ઘણા લોકોને નિમંત્રણ આપ્યું. 17ભોજન સમયે, ‘ચાલો, સઘળું તૈયાર છે’ એવું પોતાના મહેમાનોને કહેવા તેણે નોકરને મોકલ્યો. 18પણ એક પછી એક બધા જ બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ નોકરને કહ્યું, ‘માફ કરજો, મેં ખેતર ખરીદ્યું છે, અને મારે તે જોવા જવાનું છે.’ 19બીજાએ કહ્યું, ‘માફ કરજો, મેં પાંચ જોડ બળદ ખરીદ્યા છે, અને તેમને ચક્સી જોવા જ જઈ રહ્યો છું.’ 20ત્રીજાએ કહ્યું, ‘મારું હમણાં જ લગ્ન થયું છે, એટલે મારાથી આવી શકાય તેમ નથી.’
21નોકરે પાછા આવીને પોતાના માલિકને બધું કહ્યું ત્યારે માલિક ઘણો ગુસ્સે થઈ ગયો, અને તેણે પોતાના નોકરને કહ્યું, ‘શહેરની શેરીઓ અને ગલીઓમાં જલદી જા, અને ગરીબો, અપંગો, આંધળાઓ અને લંગડાઓને બોલાવી લાવ.’ 22નોકરે થોડી જ વારમાં કહ્યું, ‘સાહેબ, તમારા કહ્યા પ્રમાણે બધું જ કર્યું છે, પણ હજુ જગ્યા ખાલી છે.’ 23તેથી માલિકે નોકરને કહ્યું, ‘રસ્તાઓ પર અને ગલીઓમાં જા, અને લોકોને આગ્રહ કરીને અંદર તેડી લાવ, જેથી મારું ઘર ભરાઈ જાય. 24હું તને કહું છું કે આમંત્રિત મહેમાનોમાંથી કોઈ મારું ભોજન ચાખવા પામશે નહિ!”
શિષ્ય બનવાની કિંમત
(માથ. 10:37-38)
25ઈસુની સાથે લોકોનાં ટોળેટોળાં ચાલ્યાં જતાં હતાં. 26તેમણે પાછા ફરીને તેમને કહ્યું, “જે મને અનુસરવા માગે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને બાળકો, ભાઈઓ અને બહેનો અરે, પોતાની જાતનો પણ તિરસ્કાર ન કરે, તો તે મારો શિષ્ય બની શક્તો નથી. 27જે પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શક્તો નથી. 28જો તમારામાંનો કોઈ મકાન બાંધવા માગતો હોય, તો પોતાની પાસે એ ક્મ પૂરું કરવા જેટલા પૈસા છે કે નહિ તે જોવા પ્રથમ બેસીને એનો કેટલો ખર્ચ થશે તેનો અંદાજ નહિ કાઢે? 29જો તે તેમ ન કરે, તો મકાનનો પાયો નાખ્યા પછી તે તેને પૂરું કરી શકશે નહિ, અને એથી જોનારા તેની મશ્કરી ઉડાવશે અને કહેશે, 30‘આ માણસે બાંધક્મ શરૂ તો કર્યું, પણ તે પૂરું કરી શક્યો નહિ.’ 31પોતાની સામે વીસ હજાર સૈનિકો લઈને ચઢી આવેલા રાજાની સામે દશ હજાર સૈનિકો લઈને લડવા જતાં પહેલાં કોઈ પણ રાજા પ્રથમ બેસીને પેલા રાજાનો સામનો કરવા પોતે સમર્થ છે કે નહિ તેનો વિચાર નહિ કરે? 32જો તે સમર્થ ન હોય, તો પેલો રાજા હજુ તો ઘણો દૂર છે એવામાં શાંતિની શરતોની માગણી માટે તેની પાસે તે એલચીઓ નહિ મોકલે?” 33ઈસુએ અંતમાં જણાવ્યું, “એ જ રીતે તમારામાંનો કોઈ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા સિવાય મારો શિષ્ય થઈ શકે જ નહિ.”
નક્મું મીઠું
(માથ. 5:13; માર્ક. 9:50)
34“મીઠું તો સારું છે, પણ જો તે પોતાનો સ્વાદ ગુમાવે તો તે ફરીથી કોઈ રીતે ખારું કરી શકાય નહિ. 35નક્મું મીઠું તો જમીન માટે અથવા ઉકરડા માટે પણ ક્મનું નથી; એને ફેંકી દેવામાં આવે છે. તેથી તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો!”

선택된 구절:

લૂક 14: GUJCL-BSI

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요