YouVersion लोगो
खोज आइकन

લૂક 17

17
ઈસુના બીજાં કેટલાંક કથનો
૧. પાપ
(માથ. ૧૮:૬-૭,૨૧-૨૨; માર્ક ૯:૪૨)
1તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી. પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે! 2કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેને ગળે ઘંટીનું પૈડું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે, તે તેને માટે સારું છે. 3#માથ. ૧૮:૧૫. સાવચેત રહો; જો તારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો દે. અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કર. 4અને જો તે એક દિવસમાં સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી તરફ ફરીને કહે કે, ‘હું પસ્તાઉં છું’; તો તેને માફ કર.”
૨. વિશ્વાસ
5પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.” 6પ્રભુએ કહ્યું, “જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહેત કે, ‘તું ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા’ તો તે તમારું માનત.
૩. ચાકરની ફરજ
7પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે [ચાકર] જ્યારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે છે કે, ‘આવીને તરત જમવા બેસ?’ 8એથી ઊલટું, શું તે તેને એમ નહિ કહેશે કે, ‘મારું વાળું તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને પછી તું ખાજેપીજે?’ 9તે દાસે તેની આજ્ઞા પાળી માટે તે તેનો આભાર માને છે શું? 10તેમ જ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, ‘અમે નકામા ચાકરો છીએ; કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે.’”
દશ રક્તપિત્તિયા શુદ્ધ થયા
11યરુશાલેમ જતાં તે સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા. 12એક ગામમાં તે પ્રવેશ્યા, એટલે દશ રક્તપિત્તિયા તેમને સામા મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને 13મોટે અવાજે કહ્યું, “હે સ્વામી, અમારા પર દયા કરો.” 14તેઓને જોઈને તેમણે કહ્યું, #લે. ૧૪:૧-૩૨. “જાઓ, તમે તમારાં [શરીરને] યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.”
15તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો પાછો ફર્યો. 16તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો. 17ઈસુએ તેને પૂછ્યું, “શું દશે જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા નવ ક્યાં છે? 18ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે, એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહિ શું?” 19તેમણે તેને કહ્યું, “ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.”
ઈશ્વરના રાજનું આગમન
(માથ. ૨૪:૨૩-૨૮,૩૭-૪૧)
20ફરોશીઓએ તેમને પૂછ્યું, “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “ઈશ્વરનું રાજ્ય દશ્ય રીતે નથી આવતું. 21અને એમ નહિ કહેવામાં આવે કે જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.”
22તેમણે શિષ્યોને કહ્યું, “એવા દિવસ આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ચાહશો, પણ તમે જોશો નહિ. 23તેઓ તમને કહેશે કે, ‘જુઓ, પેલો રહ્યો! જુઓ, આ રહ્યો!’ તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના. 24કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે; તેમ માણસના દીકરાનું પોતાના સમયમાં થશે. 25પણ તે પહેલાં તેને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેને નાપસંદ થવું પડશે. 26જેમ #ઉત. ૬:૫-૮. નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27#ઉત. ૭:૬-૨૪. નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા. 28તેમ જ #ઉત. ૧૮:૨૦—૧૯:૨૫. લોતના દિવસોમાં પણ થશે. તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા. 29પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી વરસ્યાં, અને તેથી બધાનો નાશ થયો! 30જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
31 # માથ. ૨૪:૧૭-૧૮; માર્ક ૧૩:૧૫-૧૬. તે દિવસે જે ધાબા પર હોય, અને તેનો સામાન ઘરમાં હોય તો તે લેવા માટે તેણે નીચે ઊતરવું નહિ; જે ખેતરમાં હોય તેણે પણ પાછા ફરવું નહિ. 32#ઉત. ૧૯:૨૬. લોતની પત્નીને સંભારો. 33#માથ. ૧૦:૩૯; ૧૬:૨૫; માર્ક ૮:૩૫; લૂ. ૯:૨૪; યોહ. ૧૨:૨૫. જે કોઈ પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરશે, તે તેને ખોશે; અને જે કોઈ તેને ખોશે તે તેને બચાવશે.
34હું તમને કહું છું કે, તે રાત્રે એક ખાટલામાં બે જણ હશે; તેમાંનો એક લઈ લેવાશે, અને બીજો પડતો મુકાશે. 35બે સ્‍ત્રી સાથે દળતી હશે; તેમાંની એક લઈ લેવાશે, અને બીજી પડતી મુકાશે. [ 36ખેતરમાં બે જણ હશે; તેમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે.] ” 37તેઓએ તેમને પૂછ્યું કે, “પ્રભુ ક્યાં?” તેમણે તેઓને કહ્યું, “જ્યાં મુડદું હશે, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”

अहिले सेलेक्ट गरिएको:

લૂક 17: GUJOVBSI

हाइलाइट

शेयर गर्नुहोस्

कपी गर्नुहोस्

None

तपाईंका हाइलाइटहरू तपाईंका सबै यन्त्रहरूमा सुरक्षित गर्न चाहनुहुन्छ? साइन अप वा साइन इन गर्नुहोस्