YouVersion logo
Dugme za pretraživanje

લૂક 9

9
પ્રેષિતોનું સેવાકાર્ય
(માથ. 10:5-15; માર્ક. 6:7-13)
1ઈસુએ બાર પ્રેષિતોને એકત્ર કર્યા અને તેમને બધા દુષ્ટાત્માઓ કાઢવા અને રોગો મટાડવા શક્તિ તથા અધિકાર આપ્યાં. 2પછી તેમણે તેમને ઈશ્વરના રાજનો ઉપદેશ કરવા અને બીમારોને સાજા કરવા મોકલ્યા. 3તેમણે તેમને કહ્યું, “મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, પૈસા કે વધારાનું ખમીશ એવું કંઈ લેતા નહિ. 4જ્યાં તમને આવકાર આપવામાં આવે તે જ ઘરમાં તે નગર છોડતાં સુધી રહેજો. 5જ્યાં લોકો તમને આવકાર ન આપે, તે નગરમાંથી નીકળી જજો, અને તેમની સમક્ષ ચેતવણીરૂપે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.”
શિષ્યો ચાલી નીકળ્યા. 6તેઓ ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા હતા અને બધી જગ્યાએ બીમારોને સાજા કરતા હતા.
હેરોદની મૂંઝવણ
(માથ. 14:1-12; માર્ક. 6:14-29)
7ગાલીલના રાજા હેરોદે એ બધી બાબતો વિષે સાંભળ્યું. તે ઘણો મૂંઝવણમાં પડી ગયો; કારણ, કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન ફરીથી જીવંત થયો છે.” 8બીજા કેટલાક કહેતા હતા, “એલિયા પ્રગટ થયો છે.” જ્યારે કેટલાક એમ કહેતા હતા, “પ્રાચીન કાળનો કોઈ સંદેશવાહક ફરીથી જીવતો થયો છે.” 9હેરોદે કહ્યું, “મેં યોહાનનું માથું કપાવી નાખ્યું હતું; પણ જેના વિષે હું આ બધી વાતો સાંભળું છું તે માણસ કોણ છે?” અને તેથી તેણે ઈસુને મળવાની કોશિશ કરી.
પાંચ રોટલી, બે માછલી
(માથ. 14:13-21; માર્ક. 6:30-44; યોહા. 6:1-14)
10પ્રેષિતો પાછા આવ્યા અને તેમણે પોતે કરેલા કાર્ય વિષે ઈસુને જણાવ્યું. ઈસુ પ્રેષિતોને પોતાની સાથે લઈને એકલા બેથસૈદા નામના નગરમાં ગયા. 11પણ લોકોના સમુદાયને ખબર પડતાં તેઓ તેમની પાછળ ગયા. ઈસુએ તેમને આવકાર આપ્યો, તેમને ઈશ્વરના રાજ અંગે કહ્યું અને બીમારોને સાજાં કર્યાં.
12સૂર્યાસ્ત સમયે બાર પ્રેષિતોએ ઈસુ પાસે આવીને કહ્યું, “લોકોને વિદાય કરો, જેથી તેઓ આસપાસનાં નગરો કે પરાંમાં જાય અને ખોરાક તથા રહેવાની વ્યવસ્થા કરે; કારણ, આ વેરાન જગા છે.”
પણ ઈસુએ તેમને કહ્યું, “તમે જ તેમને ખોરાક આપો.” 13તેમણે જવાબ આપ્યો, “અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે. શું તમે ઇચ્છો છો કે અમે જઈને આ બધા લોકો માટે ખોરાક ખરીદી લાવીએ?” 14ત્યાં લગભગ પાંચ હજાર તો પુરુષો જ હતા.
ઈસુએ શિષ્યોને કહ્યું, “લોકોને પચાસ પચાસના જૂથમાં બેસાડી દો.”
15શિષ્યોએ તે પ્રમાણે કર્યું અને બધાને બેસાડી દીધા. 16ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી, અને આકાશ તરફ જોઈ તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તે ભાંગીને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી. 17સૌએ ધરાઈને ખાધું; વધેલા કકડા શિષ્યોએ એકઠા કર્યા તો બાર ટોપલીઓ ભરાઈ.
પિતરનો એકરાર
(માથ. 16:13-19; માર્ક. 8:27-29)
18એકવાર ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા. ઈસુએ તેમને પૂછયું, “હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?” 19તેમણે જવાબ આપ્યો, “કેટલાક કહે છે, ‘તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો.’ કેટલાક કહે છે, ‘એલિયા છો’ અને કેટલાક કહે છે. ‘તમે ફરીથી જીવંત થયેલા પ્રાચીનકાળના કોઈ સંદેશવાહક છો!”
20તેમણે તેમને પૂછયું, “પણ હું કોણ છું એ વિષે તમે શું કહો છો?”
પિતરે જવાબ આપ્યો, “તમે ઈશ્વરના મસીહ છો.”
ઈસુના મરણની પ્રથમ આગાહી
(માથ. 16:20-28; માર્ક. 8:30—9:1)
21પછી ઈસુએ એ વાત કોઈને ન કહેવા સખત તાકીદ કરી. 22વળી, તેમણે કહ્યું, “માનવપુત્રે ઘણાં દુ:ખ વેઠવાં પડશે, અને લોકોના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો તેનો તિરસ્કાર કરશે. તેને મારી નાખવામાં આવશે અને તેને ત્રીજે દિવસે સજીવન કરવામાં આવશે.” 23પછી તેમણે બધાને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે તો તેણે પોતાની જાતને ભૂલી જવી, અને રોજરોજ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું. 24કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 25માણસ આખી દુનિયા પ્રાપ્ત કરે, પણ તેના જીવનનો નાશ થાય તો તેને કંઈ લાભ ખરો? ના, જરા પણ નહિ. 26જો કોઈ મારે લીધે અથવા મારા સંદેશને લીધે શરમાતો હોય, તો માનવપુત્ર જયારે પોતાના, ઈશ્વરપિતાના તેમજ પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તે તેનાથી શરમાશે. 27હું તમને સાચે જ કહું છું કે કેટલાક અહીં એવા છે જેઓ ઈશ્વરના રાજ્યને ન જુએ, ત્યાં સુધી મરણ પામશે નહિ.”
દિવ્યસ્વરૂપ દર્શન
(માથ. 17:1-8; માર્ક. 9:2-8)
28એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસ પછી ઈસુ પોતાની સાથે પિતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત પર પ્રાર્થના કરવા ગયા. 29ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો ઊજળાં અને સફેદ થઈ ગયાં. 30એકાએક બે માણસો તેમની સાથે વાતો કરવા લાગ્યા. 31તેઓ મોશે અને એલિયા હતા. તેઓ સ્વર્ગીય મહિમામાં પ્રગટ થયા હતા અને યરુશાલેમમાં મરણ પામીને ઈસુ કેવી રીતે ઈશ્વરનો હેતુ થોડા જ સમયમાં પાર પાડશે તે અંગે ઈસુની સાથે વાત કરતા હતા. 32પિતર અને તેના સાથીદારો ભરઊંઘમાં પડયા હતા, પણ તેઓ જાગી ઊઠયા અને ઈસુનો મહિમા જોયો તથા તેમની સાથે બે માણસોને ઊભેલા જોયા. 33એ બે માણસો ઈસુ પાસેથી જતા હતા ત્યારે પિતરે કહ્યું, “ગુરુજી, આપણે અહીં રહીએ એ સારું છે. અમે ત્રણ તંબૂ બનાવીશું. એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે.” તે શું કહેતો હતો એનું તેને ભાન ન હતુ.
34તે હજી તો બોલતો હતો એવામાં એક વાદળે આવીને તેમના પર છાયા કરી. તેમના પર વાદળ આવ્યું તેથી શિષ્યો ગભરાઈ ગયા. 35વાદળમાંથી આકાશવાણી સંભળાઈ, “આ મારો પુત્ર છે, એને મેં પસંદ કર્યો છે, એનું સાંભળો!”
36વાણી પૂરી થઈ ત્યારે ત્યાં એકલા ઈસુ જ હતા. શિષ્યો એ બધી બાબત વિષે ચૂપ રહ્યા અને તેમણે જે જોયું હતું તે વિષે એ દિવસોમાં કોઈને કહ્યું નહિ.
વિશ્વાસનો વિજય
(માથ. 17:14-18; માર્ક. 9:14-27)
37બીજે દિવસે તેઓ પર્વત પરથી ઊતર્યા, અને લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. 38ટોળામાંથી એક માણસે બૂમ પાડી, “ગુરુજી, મારા એકનાએક પુત્ર પર કૃપાદૃષ્ટિ કરો! 39એક દુષ્ટાત્મા તેને વળગે છે અને તે ચીસ પાડી ઊઠે છે. તે તેને આંકડી લાવી દે છે, અને તેથી તેના મોંએ ફીણ આવે છે. 40તે તેને ભાગ્યે જ ઇજા કર્યા સિવાય જવા દે છે! મેં તમારા શિષ્યોને એ દુષ્ટાત્મા કાઢવા વિનંતી કરી, પણ તેઓ તેમ કરી શક્યા નથી.”
41ઈસુએ જવાબ આપ્યો, “તમે લોકો કેવા અવિશ્વાસી અને હઠીલા છો! ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું સહન કરવું?” પછી તેમણે તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.”
42છોકરો આવી રહ્યો હતો તેવામાં દુષ્ટાત્માએ તેને જમીન પર પછાડયો અને તેને આંકડી આવવા લાગી. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો અને તેના પિતાને સોંપ્યો. 43ઈશ્વરનું મહાન સામર્થ્ય જોઈને બધા લોકો આશ્ર્વર્યચકિત થઈ ગયા.
ઈસુના મરણની બીજી આગાહી
(માથ. 17:22-23; માર્ક. 9:30-32)
ઈસુનાં કામો જોઈને લોકો આશ્ર્વર્ય પામતા હતા. એ સમયે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 44“હવે હું તમને જે કહેવાનો છું તે ભૂલશો નહિ! માનવપુત્ર માણસોના હાથમાં સોંપી દેવાશે.” 45પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા.
સૌથી નાનો તે જ સૌથી મોટો!
(માથ. 18:1-5; માર્ક. 9:33-37)
46પોતામાં સૌથી મોટું કોણ એ અંગે શિષ્યોમાં ચર્ચા ચાલી. 47તેમના વિચાર જાણીને ઈસુએ એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. 48અને તેમને કહ્યું, “મારે નામે આ બાળકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે; અને જે મારો આવકાર કરે છે તે મને મોકલનારનો પણ આવકાર કરે છે. કારણ, તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે.”
આપણા પક્ષનો કોણ?
(માર્ક. 9:38-40)
49યોહાન બોલી ઊઠયો, “ગુરુજી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી, કારણ, તે આપણા પક્ષનો નથી.”
50ઈસુએ તેને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, જે તમારી વિરુદ્ધનો નથી, તે તમારા પક્ષનો છે.”
સમરૂન પ્રાંતનું એક ગામ ઈસુને આવકારતું નથી
51ઈસુને આકાશમાં લઈ લેવાના દિવસો નજીક આવ્યા એટલે તેમણે યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો. 52તેમણે પોતાની અગાઉ સંદેશકોને મોકલ્યા. તેઓ ચાલી નીકળ્યા અને ઈસુને માટે તૈયારી કરવા સમરૂનના એક ગામમાં પ્રવેશ્યા. 53પણ ત્યાં લોકો ઈસુને આવકારવા તૈયાર ન હતા. કારણ કે ઈસુ દેખીતી રીતે જ યરુશાલેમ તરફ જતા હતા. 54એ જોઈને યાકોબ અને યોહાને કહ્યું, “પ્રભુ, આપ કહો તો#9:54 કેટલીક હસ્તપ્રતોમાં ‘એલિયાએ કર્યું તેમ’ એવા વિશેષ શબ્દો પણ છે. આકાશમાંથી અગ્નિ પડીને તેમનો નાશ કરે એવી આજ્ઞા અમે કરીએ?”
55ઈસુએ તેમના તરફ ફરીને તેમને ધમકાવ્યા. 56#9:56 કેટલીક હસ્તપ્રતોમાં આ વિશેષ શબ્દો પણ છે: ‘અને કહ્યું, તમે કેવા પ્રકારના આત્માના નિયંત્રણમાં છો એની તમને ખબર નથી; કારણ, માનવપુત્ર માણસોના જીવનો નાશ કરવા નહિ, પણ તેમને બચાવવા આવ્યો છે.તેઓ બીજે ગામ ગયા.
સાચી શિષ્યતા
(માથ. 8:19-22)
57તેઓ રસ્તે થઈને જતા હતા એવામાં કોઈકે ઈસુને કહ્યું, “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”
58ઈસુએ તેને કહ્યું, “શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને આરામ કરવા માટે કોઈ સ્થળ નથી.”
59તેમણે બીજા એક માણસને કહ્યું, “મને અનુસર.”
પણ એ માણસે કહ્યું, “પ્રભુ, પ્રથમ મને મારા પિતાજીને દફનાવવા જવા દો.”
60ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મરેલાં છે તેઓ તેમનાં મરેલાંઓને ભલે દફનાવે, પણ તું જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કર.”
61બીજા કોઈ માણસે કહ્યું, “પ્રભુ, મને પ્રથમ જઈને કુટુંબની વિદાય લઈ આવવા દો.” 62ઈસુએ તેને કહ્યું, “જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી.”

Trenutno izabrano:

લૂક 9: GUJCL-BSI

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi