YouVersion logo
Dugme za pretraživanje

માર્ક 15

15
અંતિમ ચુક્દો
(માથ. 27:1-2,11-14; લૂક. 23:1-5; યોહા. 18:28-38)
1વહેલી સવારે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને ન્યાયસભાના બાકીના સભ્યો ઉતાવળે મળ્યા અને તેમની યોજના ઘડી કાઢી. તેઓ ઈસુને સાંકળે બાંધી લઈ ગયા અને તેમને પિલાતને સોંપી દીધા. 2પિલાતે તેમને પ્રશ્ર્ન કર્યો, “શું તું યહૂદીઓનો રાજા છે?”
ઈસુએ જવાબ આપ્યો, “તમે જ તે પ્રમાણે કહો છો.”
3મુખ્ય યજ્ઞકારોએ ઘણી બાબતો અંગે ઈસુની સામે આરોપ મૂક્યા. 4તેથી પિલાતે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું કંઈ જવાબ દેતો નથી? તેઓ તારા પર કેટલા બધા આરોપ મૂકે છે!”
5ઈસુએ બચાવમા કંઈ કહ્યું નહિ, અને તેથી પિલાતને આશ્ર્વર્ય થયું.
ઈસુને મૃત્યુદંડ
(માથ. 27:15-26; લૂક. 23:13-25; યોહા. 18:39—19:16)
6પ્રત્યેક પાસ્ખા પર્વ વખતે લોકો જેની માગણી કરે તેવા એક કેદીને પિલાત મુક્ત કરતો. 7તે સમયે બળવા દરમિયાન ખૂની બળવાખોરો સાથે બારાબાસ નામનો એક માણસ જેલમાં હતો. 8લોકોનું ટોળું ભેગું થઈ આવ્યું અને વર્ષના આ સમયે તેમને માટે તે જે કરતો હતો તે કરવા માગણી કરી. 9ત્યારે તેણે પૂછયું, “તમારે માટે યહૂદીઓના રાજાને છોડી મૂકું એમ તમે ઇચ્છો છો?” 10તેને બરાબર ખબર હતી કે મુખ્ય યજ્ઞકારોએ તેમની અદેખાઈને લીધે જ ઈસુને સોંપ્યા હતા.
11પણ મુખ્ય યજ્ઞકારોએ ઈસુને બદલે બારાબાસને છોડી મૂકવાની માગણી કરવા ટોળાને ઉશ્કેર્યું. 12પિલાતે ફરીથી ટોળાને કહ્યું, “તો પછી તમે જેને યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?”
13તેમણે બૂમો પાડી, “તેને ક્રૂસે જડી દો.”
14પિલાતે પૂછયું, “પણ એણે શો ગુનો કર્યો છે?” પરંતુ તેમણે વધારે બૂમ પાડી, “તેને ક્રૂસે જડી દો.”
15પિલાત લોકોના ટોળાને ખુશ કરવા માગતો હતો, તેથી તેણે બારાબાસને છોડી મૂક્યો. પછી ઈસુને કોરડાનો સખત માર મરાવ્યો, અને તેમને ક્રૂસે જડવા સોંપણી કરી.
સૈનિકોએ કરેલી મશ્કરી
(માથ. 27:27-31; યોહા. 19:2-3)
16સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલના ચોકમાં લઈ ગયા અને ટુકડીના બાકીનાઓને પણ બોલાવ્યા. 17તેમણે ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો. 18પછી તેમણે તેમને સલામ કરી; અને મશ્કરીમાં કહ્યું, “યહૂદીઓના રાજા, અમર રહો!” 19તેમણે તેમના માથા પર સોટી ફટકારી, તેમના પર થૂંક્યા અને ધૂંટણે પડી તેમને નમન કર્યું. 20તેઓ તેમની મશ્કરી કરી રહ્યા પછી તેમણે જાંબલી ઝભ્ભો ઉતારી લઈ તેમનાં પોતાનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવા માટે બહાર લઈ ગયા.
ઈસુને ક્રૂસે જડયા
(માથ. 27:32-44; લૂક. 23:26-43; યોહા. 19:17-27)
21રસ્તે જતાં જતાં ગામડેથી શહેરમાં આવતો સિમોન નામનો એક માણસ તેમને મળ્યો, અને તેમણે તેની પાસે ઈસુનો ક્રૂસ બળજબરીથી ઊંચકાવ્યો. (આ સિમોન તો કુરેનીનો વતની હતો અને એલેકઝાંડર તથા રૂફસનો પિતા હતો). 22તેઓ ઈસુને ‘ગલગથા’ અર્થાત્ ‘ખોપરીની જગા’એ લાવ્યા. 23ત્યાં તેમણે તેમને બોળમિશ્રિત દારૂ પીવા આપ્યો. પણ ઈસુએ તે પીવાનો ઇનકાર કર્યો.
24તેથી તેમણે તેમને ક્રૂસે જડયા અને કોને ભાગે શું આવે તે માટે ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. 25તેમણે તેમને ક્રૂસે જડયા ત્યારે સવારના નવ વાગ્યા હતા. 26“યહૂદીઓનો રાજા” એવો તેમના વિરુદ્ધનો આરોપ ક્રૂસ પર લખેલો હતો. 27તેમણે ઈસુની સાથે બે લૂંટારાઓને પણ ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ. 28તેમની ગણના ગુનેગારોમાં થઈ એવું શાસ્ત્રવચન આ રીતે પૂર્ણ થયું.
29ત્યાં થઈને પસાર થનારાઓ પોતાના માથાં હલાવી ઈસુને મહેણાં મારવા લાગ્યા, “અહો, તું તો મંદિરને પાડી નાખીને તેને ત્રણ દિવસમાં ફરી બાંધવાનું કહેતો હતો ને! 30હવે ક્રૂસ પરથી ઊતરી આવ અને પોતાને બચાવ!”
31મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ પણ એ જ પ્રમાણે ઈસુની મશ્કરી કરતાં એકબીજાને કહ્યું, “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શક્તો નથી! 32ઇઝરાયલના રાજા મસીહને આપણે અત્યારે ક્રૂસ પરથી ઊતરી આવતો જોઈએ, એટલે આપણે તેના પર વિશ્વાસ કરીશું!”
તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની નિંદા કરી.
ઈસુનું અવસાન
(માથ. 27:45-56; લૂક. 23:44-49; યોહા. 19:28-30)
33આશરે બાર વાગે આખા દેશ પર અંધકાર છવાઈ ગયો, અને તે લગભગ ત્રણ કલાક સુધી રહ્યો. 34ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?”
35ત્યાં ઊભેલા કેટલાક લોકોએ કહ્યું, “સાંભળો, સાંભળો, તે એલિયાને બોલાવે છે!” 36એક જણ વાદળી લઈ દોડયો ને તેને સરક્માં બોળીને લાકડીને એક છેડે ચોંટાડીને ઈસુને ચૂસવા આપીને કહ્યું, “જોઈએ તો ખરા, એલિયા તેને ક્રૂસ પરથી ઉતારવા આવે છે કે નહિ.”
37પછી ઈસુએ મોટી બૂમ પાડી અને પ્રાણ છોડયો.
38મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો. 39ઈસુએ કેવી રીતે બૂમ પાડીને પ્રાણ છોડયો તે જોઈને ક્રૂસની પાસે ઊભેલા સૂબેદારે કહ્યું, “ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા!”
40કેટલીક સ્ત્રીઓ દૂરથી જોયા કરતી ત્યાં ઊભી હતી. તેમાં માગદાલાની મિર્યામ, નાના યાકોબ અને યોસેની મા મિર્યામ અને શાલોમી હતાં. 41ઈસુ ગાલીલમાં હતા ત્યારથી તેઓ તેમને અનુસરતી હતી અને તેમની સેવા કરતી હતી. ઈસુની સાથે યરુશાલેમ આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
ઈસુનું દફન
(માથ. 27:57-61; લૂક. 23:50-56; યોહા. 19:38-42)
42સાંજ પડવા આવી ત્યારે આરીમથાઈનો યોસેફ આવ્યો. 43તે તો ન્યાયસભાનો માનવંત સભાસદ હતો, અને ઈશ્વરનું રાજ આવવાની રાહ જોતો હતો. એ તો તૈયારીનો દિવસ એટલે કે, વિશ્રામવારની અગાઉનો દિવસ હતો; તેથી યોસેફ હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે તેની પાસે ઈસુનું શબ માગ્યું. 44ઈસુ મરણ પામ્યા છે એવું જાણીને પિલાતને આશ્ર્વર્ય થયું. તેણે સૂબેદારને બોલાવ્યો અને તેને પૂછયું કે શું ઈસુને મરણ પામ્યાને ઘણો સમય થઈ ગયો છે? 45સૂબેદારનો હેવાલ સાંભળ્યા પછી પિલાતે યોસેફને શબ લઈ જવા પરવાનગી આપી. 46યોસેફે અળસી રેસાનું કપડું ખરીદ્યું, શબ નીચે ઉતાર્યું અને તેને કપડામાં લપેટીને ખડકમાં કોરી કાઢેલી કબરમાં મૂકાયું. પછી તેણે કબરના પ્રવેશદ્વાર આગળ મોટો પથ્થર ગબડાવી મૂક્યો. 47માગદલાની મિર્યામ અને યોસેની મા મિર્યામ આ બધું નિહાળતાં હતાં, અને ઈસુને ક્યાં મૂક્યા તે તેમણે જોયું.

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi