અને ત્યાર પછી એમ થયું કે, તેના શેઠની પત્નીએ યૂસફ પર કુદષ્ટિ કરી; અને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તેણે ના કહી, ને તેના શેઠની પત્નીને તેણે કહ્યું, “જો, ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારા શેઠ જાણતા નથી, ને તેમનું જે સર્વ છે તે તેમણે મારા હાથમાં સોપ્યું છે. આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી; અને તેમણે તમારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમની પત્ની છો. માટે એવું મોટું ભૂંડું કામ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?”