YouVersion Logo
Search Icon

નિર્ગમન 11

11
10. મૂસા પ્રથમજનિતોના મૃત્યુની આગાહી કરે છે
1અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન ઉપર તથા મિસર ઉપર હું બીજી એક વિપત્તી લાવીશ; ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે. જ્યારે તે તમને જવા દેશે, ત્યારે નિશ્ચે તે તમને સમૂળગા અહીંથી હાંકી કાઢશે. 2હવે લોકોના કાનમાં કહે કે, પ્રત્યેક પુરુષ તેના પડોશી પાસેથી, તથા પ્રત્યેક સ્‍ત્રી તેની પડોશણ પાસેથી રૂપાનાં આભૂષણ તથા સોનાનાં ઘરેણાં માંગી લે.” 3અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં તે લોક ઉપર કૃપા કરાવી. વળી મિસર દેશમાં એટલે ફારુનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ મનાયો.
4અને મૂસાએ કહ્યું, “યહોવા એમ કહે છે કે, હું મધરાતે નીકળીને મિસરમાં ફરીશ. 5અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત, એટલે રાજ્યાસન પર બિરાજમાન ફારુનના પ્રથમજનિત સુધી, માર્યા જશે. 6અને આખા મિસર દેશમાં એવી ભારે રોકકળ થશે કે એના જેવી એકે થઈ નથી, તથા એના જેવી બીજી કદી થવાની નથી. 7પણ ઇઝરાયલી લોકોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીભ હલાવશે નહિ; એ માટે કે તમે જાણો કે યહોવા મિસરીઓ તથા ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખે છે. 8અને આ સર્વ તારા દાસો મારી પાસે આવીને મને પગે લાગીને કહેશે કે, તું તથા તારા તાબાના લોકો જતા રહો. અને ત્યાર પછી જ હું તો જવાનો.” અને તે ક્રોધથી તપી જઈને ફારુનની પાસેથી બહાર નીકળી ગયો.
9અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન તમારું સાંભળશે નહિ. એ માટે કે મારા ચમત્કારો મિસર દેશમાં વત્તા થાય.” 10અને મૂસા તથા હારુને એ સર્વ ચમત્કાર ફારુનની આગળ કર્યા; અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in