નિર્ગમન 4
4
ઈશ્વર મૂસાને ચમત્કારિક શક્તિ બક્ષે છે
1ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, “પણ જોજો, તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સંભળે; કેમ કે તેઓ કહેશે કે, યહોવાએ તને દર્શન દીધું નથી.” 2અને યહોવાએ તેને કહ્યું, “તારા હાથમાં એ શું છે?” અને તેણે કહ્યું “લાકડી.” 3અને યહોવાએ તેને કહ્યું, “તે ભૂમિ પર નાખ.” અને તેણે તે ભૂમિ પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ; અને મૂસા તેની આગળથી નાઠો. 4અને યહોવાએ મૂસાને કહ્યું, “તારો હાથ લાંબો કરીને તેની પૂછડી પકડ. (અને તેણે પોતાનો હાથ લાંબો કરીને તે પકડયો, એટલે તે તેના હાથમાં લાકડી થઈ ગયો.) 5એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.” 6અને એ ઉપરાંત યહોવાએ તેને કહ્યું, “હવે તારો હાથ તારા ઝભ્ભામાં નાખ.” ત્યારે તેણે પોતાનો હાથ ઝભ્ભામાં નાખ્યો અને તેણે તે બહાર કાઢયો ત્યારે, જુઓ, તેનો હાથ કોઢીલો બની બરફ જેવો થઈ ગયો હતો. 7અને યહોવાએ કહ્યું, “તારો હાથ ફરીથી તારા ઝભ્ભામાં નાખ. (અને તેણે પોતાનો હાથ ફરીથી ઝભ્ભામાં નાખ્યો, અને ઝભ્ભામાંથી તેણે તે કાઢયો ત્યારે, જુઓ તેનો હથ તેના [બાકીના] દેહના જેવો થઈ ગયો હતો.) 8અને જો તેઓ તારું કહેવું નહિ માને તથા પહેલા ચિહ્નની વાણી નહિ સાંભળે, તો એવું થશે કે બીજા ચિહ્નની વાણી ઉપર તેમને ભરોસો આવશે. 9અને જો તેઓ એ બે ચિહ્નોનો પણ ભરોસો નહિ કરે, તથા તારી વાણી નહિ સાંભળે, તો એમ થાય કે તું નદીનું પાણી લઈને કોરી ભૂમિ પર રેડશે; અને જે પાણી તું નદીમાંથી લઈશ તે કોરી ભૂમિ ઉપર રક્ત થઈ જશે.” 10અને મૂસાએ યહોવાને કહ્યું, “હે પ્રભુ, અત્યાર સુધી, વળી તમે તમારા દાસ સાથે વાત કરી ત્યાર પછી પણ, હુમ તો વક્તા નથી; કેમ કે હું બોલવામાં ધીમો છું, ને મારી જીભ મંદ છે” 11અને યહોવાએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે યહોવા નથી? 12તો હવે જા, ને હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ.” 13ત્યારે તેણે કહ્યું, “હે પ્રભુ કૃપા કરીને જેને તમે મોકલો તેની હસ્તક કહેવડાવી મોકલજો.” 14અને યહોવાનો ક્રોધ મૂસા ઉપર સળગી ઊઠયો, ને તેમણે કહ્યું, “હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે. તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે. 15અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજેલ અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું તે હું તમને શીખવીશ. 16અને તે તારી વતી લોકોની સાથે બોલશે; અને તે જ તને મુખરૂપ થશે, ને તું તેને માટે ઈશ્વરને ઠેકાણે થશે. 17અને આ લાકડી તારા હાથમાં તું લે, ને તે વડે તું ચિહ્નો કરી બતાવ.”
મૂસા પાછો મિસર આવે છે
18અને મૂસા ત્યાંથી નીકળીને તેના સસરા યિથ્રોની પાસે પાછો આવ્યો, ને તેણે તેને કહ્યું, “મિસરમાં રહેનારા મારા ભાઈઓ હજી સુધી જીવે છે કે નહિ તે જોવા માટે કૃપા કરીને મને તેમની પાસે જવા દો.”અને યિથ્રોએ મૂસાને કહ્યું, “શાંતિથી જા.” 19અને મિદ્યાનમાં યહોવાએ મૂસાને કહ્યું, “મિસરમાં પાછો જા; કેમ કે જે માણસો તારો જીવ લેવા શોધતા હતા તેઓ સર્વ ગુજરી ગયા છે.” 20અને મૂસા પોતાની પત્ની તથા પોતાના પુત્રોને લઈને તેમને ગધેડા ઉપર બેસાડીને મિસરમાં પાછો ગયો; અને મૂસાએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી લીધી. 21અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ચમત્કારો મેં તારા હાથમાં મૂકયા છે તે સર્વ ફારુનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, ને તે લોકોને જવા દેશે નહિ. 22અને તું ફારુનને કહે કે, યહોવા એમ કહે છે કે, ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે; 23અને મેં તને કહ્યું છે કે, મારા પુત્રને મારી સેવા કરવા માટે જવા દે. અને તેં તેને જવા દેવાનો ઇન્કાર કર્યો છે. તો જો, હું તારા પુત્રને એટલે #નિ. ૧૨:૨૯. તારા જ્યેષ્ઠ પુત્રને મારી નાખીશ.”
24અને માર્ગમાં ઉતારાની જગ્યાએ એમ બન્યું કે યહોવાએ તેને મળીને મારી નાખવાનું ધાર્યું. 25ત્યારે સિપ્પોરાહે ચકમકનો એક પથ્થર લઈને પોતના પુત્રની સુન્નત કરી, ને પેલી [ચામડી] તેણે મૂસાના પગે અડકાડીને કહ્યું, “નિશ્ચે તમે તો મારે માટે રક્તના વર છો.” 26માટે યહોવાએ તેને છોડયો. ત્યારે સિપ્પોરાહે કહ્યું, “સુન્નતના કારણથી તમે તો મારે માટે રક્તના વર છો.”
27અને યહોવાએ હારુનને કહ્યું, “તું મૂસાને મળવાને અરણ્યમાં જા.” અને તે ગયો, ને ઈશ્વરના પર્વતમાં મૂસાને મળીને હારુને તેને ચુંબન કર્યું. 28અને યહોવાએ પોતાનો જે સંદેશો લઈને મૂસાને મોકલ્યો હતો, તથા જે ચિહ્નો વિષે તેને આજ્ઞા આપી હતી, તે સર્વ મૂસાએ હારુનને કહી સંભળાવ્યાં. 29અને મૂસા તથા હારુને જઈને ઇઝરાયલીઓના સર્વ વડીલોને એકઠા કર્યાં; 30અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારુને કહી સંભળાવી, અને તેણે લોકોના દેખતાં તે ચિહ્નો કરી બતાવ્યાં. 31અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.
Currently Selected:
નિર્ગમન 4: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.