નિર્ગમન 6
6
1અને યહોવાએ મૂસાને કહ્યું, “હવે હું ફારુનની શી દશા કરીશ તે તું જોશે; કેમ કે મારા બળવાન હાથને કારણે તે તેઓને જવા દેશે, ને મારા બળવાન હાથને કારણે તે તેના દેશમાંથી તેઓને હાંકી કાઢશે.”
ઈશ્વર મૂસાને બોલાવે છે
2અને ઈશ્વરે મૂસાની સાથે બોલતાં તેને કહ્યું, #નિ. ૩:૧૩-૧૫. “હું યહોવા છું. 3અને સર્વસમર્થ ઈશ્વર, એ નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન આપ્યું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા. 4અને તેઓના પ્રવાસનો દેશ, એટલે કનાન દેશ કે, જેમાં તેઓએ પ્રવાસ કર્યો તે, તેઓને આપવાનો મારો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે. 5અને વળી મિસરીઓએ ગુલામીમાં રાખેલો ઇઝરાયલીઓની રોકકળ પણ મેં સાંભળી છે; અને મેં મારા કરારને યાદ કર્યો છે. 6એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ. 7અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું. 8અને જે દેશ આપવાનું પ્રતિ પૂર્વક ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની આગળ મેં વચન આપ્યું છે, તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ. હું યહોવા છું.” 9અને મૂસાએ ઇઝરાયલીઓને એમ કહ્યું; પણ મનની વેદના તથા ઘાતકી ગુલામીના કારણથી તેઓએ મૂસાનું ગણકાયું નહિ.
10અને યહોવાએ મૂસાને બોલાવીને કહ્યું, 11“તું જઈને મિસરના રાજા ફારુનને કહે કે, ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.” 12અને મૂસાએ યહોવાને કહ્યું, “જો, ઇઝરાયલીઓએ મારું ન સાંભળ્યું, તો ફારુન મારું કેમ સાંભળશે? હું તો બેસુન્નત હોઠોનો માણસ છું.” 13ત્યારે યહોવાએ મૂસાની તથા હારુનની સાથે વાત કરીને તેઓને ઇઝરાયલીઓ ઉપર તથા મિસરના રાજા ફારુન ઉપર એવું ફરમાન આપ્યું કે, ઇઝરાયલીઓને મિસર દેશમાંથી કાઢવા.
મૂસા અને હારુનનાં કુટુંબોની વંશાવાળી
14તેમના પિતૃઓનાં ઘરોમાં મુખ્ય આ હતા : ઇઝરાયલના જ્યેષ્ઠ પુત્ર રૂબેનના પુત્રો:હનોખ તથા પાલ્લુ, હેસ્ત્રોન તથા કામી; એ રૂબેનનાં કુટુંબો હતાં. 15અને શિમયોનના પુત્રો:યમુએલ તથા યારીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર, તથા કનાની પત્નીનો પુત્ર શાઉલ; એ શિમયોનનાં કુટુંબો હતાં. 16અને #ગણ. ૩:૧૭-૨૦; ૨૬:૫૭-૫૮; ૧ કાળ. ૬:૧૬-૧૯. લેવીના પુત્રોનાં નામ, તેમની પેઢીઓ પ્રમાણે આ હતાં:ગેર્શોન તથા કહાથ તથા મરારી; અને લેવીનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું. 17ગેર્શોનના પુત્રો, તેમનાં કુટંબો પ્રમાણે:લિબ્ની તથા શિમિઈ. 18કહાથના પુત્રો:આમ્રા તથા યિસ્હાર તથા હેબ્રોન તથા ઉઝિયેલ; અને કહાથનું આયુષ્ય એકસો ને તેત્રીસ વર્ષનું હતું. 19અને મરારીના પુત્રો:માહલી તથા મૂશી. લેવીઓનાં કુટંબો, તેમની પેઢીઓ પ્રમાણે એ હતાં. 20અને આમ્રામ પોતાની ફુઈ યોખેબેદ સાથે પરણ્યો; અને તેને પેટે હારુન તથા મૂસા થયાં. અને આમ્રામનું આયુષ્ય એકસો ને સાડત્રીસ વર્ષનું હતું. 21અને યિસ્હારનાં પુત્રો:કોરાલ તથા નેફેગ તથા ઝિખ્રી. 22અને ઉઝિયેલના પુત્રો:મિશાએલ તથા એલ્સાફાન તથા સિથ્રી. 23અને હારુન આમ્મિનાદાબની પુત્રી નાહશોનની બહેન અલીશેબા સાથે પરણ્યો; અને તેને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા. 24અને કોરાના પુત્રો:આસ્સીર તથા એલ્કાના તથા અબિયાસાફ એ કોરાનાં કુટુંબો હતાં. 25અને હારુનનો પુત્ર એલાઝાર પૂટીએલની પુત્રીઓમાંની એકની સાથે પરણ્યો; અને તેને પેટે તેને ફીનહાસ થયો. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવી કુળના મુખ્ય પુરુષો હતા. 26જે મૂસાને તથા હારુનને યહોવાએ કહ્યું “ઇઝરાયલીઓને તેઓનાં સૈન્ય પ્રમાણે મિસર દેશમાંથી કાઢી લાવ, ” તેઓ એ જ છે. 27જેઓએ ઇઝરાયલી લોકોને મિસરમાંથી કાઢી લાવવાને માટે મિસરના રાજા ફારુનની સાથે વાત કરી તેઓ એજ છે. એટલે તેઓ એ જ મૂસા તથા હારુન છે.
મૂસા અને હારુનને યહોવાનો આદેશ
28અને યહોવા મિસર દેશમાં મૂસા સાથે બોલ્યા, તે દિવસે એમ થયું કે 29યહોવાએ મૂસાને કહ્યું, “હું યહોવા છું; હું તને કહું તે બધું તારે મિસરના રાજા ફારુનને કહેવું.” 30અને મુસાએ યહોવાની હજૂરમાં કહ્યું “જો હું બેસુન્નત હોઠોનો માણસ છું, ફારુન મારું કેમ સાંભળશે?”
Currently Selected:
નિર્ગમન 6: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.