YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 41

41
યૂસફ રાજાના સ્વપ્નનો ખુલાસો કરે છે
1અને બે વર્ષ પછી એમ થયું કે ફારુનને સ્વપ્ન આવ્યું; અને જુઓ, તે નદીની પાસે ઊભો હતો. 2અને સુંદર તથા પુષ્ટ એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ [ના બીડ] માં ચરી. 3અને તેઓની પાછળ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી. 4અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ એટલામાં ફારુન જાગી ઊઠયો. 5અને તે ઊંઘી ગયો, ને તેને બીજું સ્વપ્ન આવ્યું:અને જુઓ, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા સારાં એવા સાત કણસલાં આવ્યાં. 6અને તેઓની પાછળ હલકાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં. 7અને હલકાં કણસલાં પેલાં સાત પાકાં તથા ભરેલાં કણસલાંને ગળી ગયાં. અને ફારુન જાગી ઊઠયો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. 8અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું; અને તેણે મિસરના સર્વ શાસ્‍ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા; અને ફારુને તેઓને પોતાનાં સ્વપ્નો કહી સંભળાવ્યાં; પણ તેઓમાંનો કોઈ પણ ફારુનને તેનાં સ્વપ્નનો અર્થ કહી શકયો નહિ.
9અને મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજ મને મારો અપરાધ યાદ આવે છે. 10ફારુનને પોતના દાસો પર ક્રોધ ચઢયો હતો, ને મને તથા મુખ્ય ભઠિયારાને જેલમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં, કેદ કર્યા હતા. 11અને એક જ રાતે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું. 12અને એક હિબ્રૂ જુવાન, જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો, તે ત્યાં અમારી સાથે હતો; તેને અમે કહ્યું, ને તેણે અમારાં સ્વપ્નનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો. 13અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. આપે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો, ને એને ફાંસી આપી.”
14અને ફારુને માણસો મોકલીને યૂસફને તેડાવ્યો, ને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં કપડાં બદલ્યાં, ને ફારુનની હજૂરમાં આવ્યો. 15અને ફારુને યૂસફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી. અને મેં તારા વિષે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે.” 16અને યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું તો નહિ; પણ ઈશ્વર ફારુનને શાંતિકારક ઉત્તર આપશે.”
17અને ફારુને યૂસફને કહ્યું, “જુઓ, હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઊભો હતો: 18અને જુઓ, પુષ્ટ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ [ના બીડમાં] ચરતી હતી. 19અને જુઓ, તેઓની પાછળ નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી. 20અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ. 21અને તેઓ તેઓને ગળી ગઈ, તોપણ તેઓ તેઓને ગળી ગઈ હોય એવું જણાયું નહિ; પણ પહેલાંની જેમ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો. 22અને મારા સ્વપ્નમાં મેં જોયું, ને જુઓ, એક સાંઠા પર ભરાયેલાં તથા સારાં એવાં સાત કણસલાં નીકળ્યાં. 23અને જુઓ, તેઓની પાછળ સુકાયેલાં તથા હલકાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં નીકળ્યાં. 24અને તે હલકાં કણસલાં પેલાં સાત સારાં કણસલાંને ગળી ગયાં. અને મેં જાદુગરોને એ કહ્યું; પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહિ.”
25અને યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનું સ્વપ્ન એક જ છે. ઈશ્વર જે કરવાનઅ છે તે તેમણે ફારુનને જણાવ્યું છે. 26પેલી સાત સારી ગાય સાત વર્ષ છે. અને સાત સારાં કણસલાં સાત વર્ષ છે: સ્વપ્ન એક જ છે. 27અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે. અને દાણા વગરનાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળના સાત વર્ષ થશે. 28જે વાત મેં ફારુનને કહી તે એ છે: ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારુનને બતાવ્યું છે. 29જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે. 30અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે. અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે. 31અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહિ; કેમ કે તે બહુ ભારે થશે. 32અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે ઈશ્વરે એ વાત નક્કી ઠરાવી છે, ને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરશે. 33તે માટે હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો. 34ફારુને એમ કરવું:દેશ પર ઉપરીઓ ઠરાવવા, ને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન દેશનો પાંચમો ભાગ લેવો. 35અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે નગરેનગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે. 36અને દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે, દુકાળથી દેશનો નાશ ન થાય.”
યૂસફને મિસર દેશનો અધિકારી બનાવ્યો
37અને તે વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. 38અને ફારુને તેના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો શું કોઈ માણસને મળે?” 39અને ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા ની બીજો કોઈ નથી. 40#પ્રે.કૃ. ૭:૧૦. તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે; એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.” 41અને ફારુને યૂસફને કહ્યું, “જો, મે તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે.” 42અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્‍ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. 43અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડયો; અને ‘ઘૂંટણ ટેકવો’ એવી તેની આગળ તેઓએ છડી પોકારી:અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો. 44અને ફારુને યૂસફને યૂસફને કહ્યું, “હું ફારુન છું, ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ.” 45અને ફારુને યૂસફનું નામ સાફનાથપાનેઆ પાડયું. અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. અને યૂસફ મિસર દેશમાં ફરવા નીકળ્યો.
46અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો. 47અને પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી ખોબેખોબા પાક્યું. 48અને મિસર દેશમાં જે સાત વર્ષ થયાં તેઓનું બધું અનાજ તેણે એકઠું કર્યું, ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું. 49અને યૂસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્‍ન સંઘર્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું; કેમ કે તે બેસુમાર હતું.
50અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યૂસફના બે દિકરા જન્મ્યા કે, જે તેને ઓનના યાજક પોટીફારાની દીકરી આસનાથને પેટે થયા. 51અને યૂસફે જ્યેષ્ઠ દિકરાનું નામ #૪૧:૫૧મનાશ્શા : “વીસરાવી દેવું.” મનાશ્શા પાડયું; કેમ કે [તેણે કહ્યું,] “ઈશ્વરે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.” 52અને બીજાનું નામ તેણે #૪૧:૫૨એફ્રાઈમ:“ફળવંત થવું.” એફ્રાઇમ પાડયું. કેમ કે [તેણે કહ્યું,] “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.” 53અને મિસર દેશમાં પુષ્કળતાનાં જે સાત વર્ષ આવ્યા હતાં તે વીતી ગયાં. 54અને યૂસફના કહ્યા પ્રમાણે #પ્રે.કૃ. ૭:૧૧. દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં; અને સર્વ દેશોમાં દુકાળ પડયો. પણ આખા મિસર દેશમઆં અન્‍ન હતું. 55અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકે ફારુનની આગળ ધાન્યને માટે કાલાવાલા કર્યા. અને ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ. અને #યોહ. ૨:૫. તે તમને કહે તે કરો.”
56અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને [અનાજ] વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો. 57અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા; કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in