YouVersion Logo
Search Icon

યોહાન 8

8
વ્યભિચારમાં પકડાયેલી સ્‍ત્રી
1પણ ઈસુ જૈતૂનના પહાડ પર ગયા. 2પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યા ત્યારે બધા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે બેસીને તેઓને બોધ કર્યો. 3ત્યારે શાસ્‍ત્રીઓ અને ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્‍ત્રીને લાવે છે; અને તેને વચમાં ઊભી રાખીને, 4તેઓ તેમને કહે છે, “ગુરુ, આ સ્‍ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5હવે #લે. ૨૦:૧૦; પુન. ૨૨:૨૨-૨૪. મૂસાના નિયમશાસ્‍ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, એવી સ્‍ત્રીઓને પથ્થરે મારવી. તો તમે તેને વિષે શું કહો છો?” 6પણ તેમના પર દોષ મૂકવાનું [કારણ] તેમને મળી આવે માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ એ પૂછયું. પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીએ લખ્યું. 7તેઓએ તેમને પૂછયા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું, “તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે.” 8ફરી તેમણે નીચા વળીને આંગળી વડે જમીન પર લખ્યું. 9તેઓ એ સાંભળીને ઘરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા, અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રાખેલી સ્‍ત્રીને મૂકી ગયા. 10ત્યારે ઈસુ ઊભા થયા, અને તેને પૂછયું, “બહેન, તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?” 11તેણે કહ્યું, “પ્રભુ, કોઈએ નહિ.” ત્યારે ઈસુએ કહ્યું, “હું પણ તને દોષિત નથી ઠરાવતો. તું ચાલી જા; હવેથી પાપ કરતી ના.”]
ઈસુ જગતનું અજવાળું
12ઈસુએ ફરી તેઓને કહ્યું, #માથ. ૫:૧૪; યોહ. ૯:૫. “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”
13ત્યારે ફરોશીઓએ તેમને કહ્યું, #યોહ. ૫:૩૧. “તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી ખરી નથી.” 14ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી ખરી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું, અને ક્યાં જાઉં છું, એ હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અથવા ક્યાં જાઉં છું. 15તમે દેહ પ્રમાણે ન્યાય કરો છો. હું કોઈનો ન્યાય કરતો નથી. 16વળી જો હું ન્યાય કરું તો મારો ન્યાય ખરો છે, કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે [તે બન્‍ને છીએ]. 17વળી તમારા નિયમશાસ્‍ત્રમાં પણ લખેલું છે, ‘બે માણસની સાક્ષી ખરી છે. 18હું મારા પોતાના વિષે સાક્ષી આપનાર છું, અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.”
19ત્યારે તેઓએ તેમને પૂછયું, “તમારા પિતા ક્યાં છે?” ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.” 20મંદિરમાં તે બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડયા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.
હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી
21તેથી તેમણે તેઓને ફરીથી કહ્યું, “હું જવાનો છું, અને તમે મને શોધશો, અને તમે તમારાં પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.”
22તેથી યહૂદીઓએ કહ્યું, “શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શક્તા નથી.”
23તેમણે તેઓને કહ્યું, “તમે નીચેના છો, હું ઉપરનો છું, તમે આ જગતના છો, હું આ જગતનો નથી. 24એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”
25તે માટે તેઓએ તેમને પૂછયું, “તમે કોણ છો?” ઈસુએ તેઓને કહ્યું, “પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ. 26મારે તમારે વિષે કહેવાનું તથા [તમારો] ન્યાય કરવાનું ઘણું છે. તોપણ જેમણે મને મોકલ્યો છે, તે ખરા છે. અને મેં તેમની પાસેથી જે વાતો સાંભળી છે, તે હું જગતને કહું છું.”
27તે અમારી સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ. 28તે માટે ઈસુએ કહ્યું, “જયારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું [તે જ] છું, અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું એ વાતો કહું છું. 29વળી જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.” 30તે એ વાતો કહેતા હતા, ત્યારે ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો.
“સત્ય તમને મુક્ત કરશે”
31તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો. 32અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”
33તેઓએ તેમને ઉત્તર આપ્યો, #માથ. ૩:૯; લૂ. ૩:૮. “અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે, ‘તમને મુક્ત કરવામાં આવશે?’”
34ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈ પાપ કર્યા કરે છે, તે પાપનો દાસ છે. 35હવે જે દાસ છે તે હંમેશાં ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશાં રહે છે. 36માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો. 37તમે ઇબ્રાહિમના વંશજો છો એ હું જાણું છું. પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. 38મેં [મારા] પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું. અને તમે પણ [તમારા] પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તે તમે કરો છો.”
39તેઓએ ઉત્તર આપ્યો, “ઇબ્રાહિમ અમારો પિતા છે.” ઈસુ તેઓને કહે છે, “જો તમે ઇબ્રાહિમના સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામ કરો. 40પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહિમે એવું કર્યું નહોતું. 41તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.” 42ઈસુએ તેઓને કહ્યું, “જો ઈશ્વર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. 43મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. 44તમે તમારા પિતા શેતાનના છો, અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો, અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો, અને જૂઠાનો પિતા છે. 45પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. 46તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો શા માટે તમે મારું માનતા નથી? 47જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં વચન સાંભળે છે. તમે ઈશ્વરના નથી, માટે તમે એ સાંભળતા નથી.”
ઈસુ અને ઇબ્રાહિમ
48યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “તું સમરૂની છે, અને તારામાં અશુદ્ધ આત્મા છે, એ અમારું કહેવું શું વાજબી નથી?” 49ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં અશુદ્ધ આત્મા નથી, પણ હું મારા પિતાને માન આપું છું, અને તમે મારું અપમાન કરો છો. 50પણ હું મારું પોતાનું માન શોધતો નથી શોધનાર તથા ન્યાય કરનાર એક છે. 51હું તમને ખચીત ખચીત કહું છું કે, જો કોઈ મારું વચન પાળે, તો તે કદી મૃત્યુ જોશે નહિ.”
52યહૂદીઓએ તેમને કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે. પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. 53શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છે? તે તો મરણ પામ્યા છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?” 54ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને માન આપનાર તો મારા પિતા છે, જેના વિષે તમે કહો છો કે, ‘તે અમારો ઈશ્વર છે.’ 55વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેમને ઓળખું છું, અને તેમનું વચન પાળું છું. 56તમારા પિતા ઇબ્રાહિમ મારો સમય જોવા [ની આશાથી] હર્ષ પામ્યા; ને તે જોઈને તેમને આનંદ થયો.”
57ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું, “હજી તો તું પચાસ વરસનો થયો નથી, અને શું તેં ઇબ્રાહિમને જોયા છે?” 58ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું.” 59ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિમાંથી બહાર નીકળી ગયા.

Currently Selected:

યોહાન 8: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to યોહાન 8

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy