YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 7

7
સ્તેફનનું ભાષણ
1પ્રમુખ યજ્ઞકારે સ્તેફનને પૂછયું, “શું આ હકીક્ત સાચી છે?” 2સ્તેફને જવાબ આપ્યો, “ભાઈઓ અને ધર્મપિતૃઓ! મારું સાંભળો: આપણો પૂર્વજ અબ્રાહામ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું, 3‘તારું કુટુંબ તથા તારો દેશ તજીને જે દેશ હું તને બતાવું ત્યાં જા.’ 4તેથી ખાલદીઓનો દેશ તજીને તે હારાનમાં ગયો. પોતાના પિતાના મરણ પછી અબ્રાહામ આ દેશ કે જેમાં તમે રહો છો ત્યાં આવ્યો. 5એ વખતે ઈશ્વરે તે પ્રદેશનો કોઈ ભાગ અબ્રાહામને આપ્યો નહિ, જમીનનો એક ટુકડો પણ નહિ; પણ ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તે તેને એ પ્રદેશ આપશે અને તે પ્રદેશ તેનો તથા તેના પછી તેના વંશજોનો થશે. જ્યારે ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો. 6ઈશ્વરે તેને કહ્યું હતું: ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાં ચારસો વર્ષ સુધી તેઓ ગુલામ તરીકે રહેશે અને તેમના પ્રત્યે ક્રૂર વર્તાવ કરવામાં આવશે. 7પણ તેમને ગુલામગીરીમાં રાખનાર લોકોને હું સજા કરીશ અને પછી તેઓ તે દેશમાંથી નીકળી જશે અને આ જગ્યામાં આવીને મારી આરાધના કરશે.’ 8પછી કરારના ચિહ્ન તરીકે ઈશ્વરે અબ્રાહામને સુન્‍નતનો વિધિ ઠરાવી આપ્યો. તેથી ઇસ્હાકના જન્મ પછી આઠમે દિવસે અબ્રાહામે તેની સુન્‍નત કરી. ઇસ્હાક યાકોબનો પિતા અને યાકોબ બારે કુળના મૂળ પૂર્વજોનો પિતા હતો.
9“એ પૂર્વજોએ યોસેફની અદેખાઈ કરી, અને તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતા. 10તેમણે તેને સર્વ સંકટોમાંથી સહીસલામત પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પ્રસન્‍ન વર્તણૂક તથા જ્ઞાન આપ્યાં. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો. 11તે પછી આખા ઇજિપ્ત તથા કનાનમાં દુકાળ પડયો, અને તેથી ઘણી મુસીબતો આવી પડી. આપણા પૂર્વજોને ખોરાકની ભારે તંગી વેઠવી પડી. 12તેથી યાકોબે જ્યારે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે, ત્યારે તેણે પોતાના પુત્રો એટલે આપણા પૂર્વજોને, ત્યાં તેમની પ્રથમ મુલાકાતે મોકલ્યા. 13બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી. પછી ફેરોને યોસેફના કુટુંબ વિષે જાણ થઈ. 14તેથી યોસેફે તેના પિતા યાકોબને તેના કુટુંબસહિત ઇજિપ્તમાં આવવા સંદેશો મોકલ્યો; તેઓ સર્વ મળીને પંચોતેર હતા. 15પછી યાકોબ ઈજિપ્તમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો મરી ગયા. 16તેમના અવશેષો પાછળથી શખેમમાં લઈ જવાયા અને ત્યાં હામોરના પુત્રો પાસેથી કેટલીક રકમ આપીને અબ્રાહામે જે ગુફા વેચાતી લીધી હતી, તેમાં દફનાવવામાં આવ્યા.
17“ઈશ્વરે અબ્રાહામને આપેલું વચન પાળવાનો સમય પાસે આવ્યો ત્યારે ઇજિપ્તમાં આપણા લોકોની સંખ્યા ખૂબ જ વધી હતી. 18અંતે, ઇજિપ્ત પર એક બીજો રાજા રાજ કરવા લાગ્યો; તે યોસેફને ઓળખતો ન હતો. 19તેણે આપણા લોકો સાથે કપટ કર્યું અને આપણા પૂર્વજો પ્રત્યે ક્રૂરતા દાખવી. તેમનાં બાળકો મૃત્યુ પામે તે માટે તેણે તેમને ઘર બહાર નાખી દેવા બળજબરી કરી. 20બરાબર આ જ સમયે મોશેનો જન્મ થયો. તે સુંદર બાળક હતો. ત્રણ માસ સુધી તેને ઘરમાં ઉછેરવામાં આવ્યો. 21જ્યારે તેને ઘર બહાર મૂકી દેવામાં આવ્યો, ત્યારે ફેરોની પુત્રીએ તેને દત્તક લઈ લીધો અને તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. 22તેને ઇજિપ્તના લોકોનું સર્વ જ્ઞાન શીખવવામાં આવ્યું. તે વક્તૃત્વ તથા કાર્યમાં સમર્થ થયો.
23“મોશે ચાલીસ વર્ષનો થયો, ત્યારે તેણે પોતાના ઇઝરાયલી ભાઈઓની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. 24તેણે એક ઇજિપ્તવાસીને એક ઇઝરાયલીને મારતો જોયો; તેથી તે તેની મદદે ગયો અને પેલા ઇજિપ્તવાસીને મારી નાખીને વેર લીધું. 25તેણે વિચાર્યું કે આનાથી તેના પોતાના લોકો સમજશે કે તેમને મુક્ત કરવા માટે ઈશ્વર તેનો ઉપયોગ કરશે. 26બીજે દિવસે તેણે બે ઇઝરાયલીઓને લડતા જોઈને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યુ, ‘અરે ભાઈ, તમે ભાઈઓ થઈને શા માટે એકબીજા સાથે લડો છો?’ 27પણ જે લડી રહ્યો હતો તેણે મોશેને બાજુએ ધકેલી દઈને કહ્યું, ‘અમારી પર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે? 28તેં ગઈકાલે જેમ એક ઈજિપ્તવાસીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માગે છે?’ 29એ સાંભળીને મોશે ઇજિપ્તમાંથી નાસી છૂટયો અને મિદ્યાનના પ્રદેશમાં જઈને રહ્યો. ત્યાં તેને બે પુત્રો થયા.
30“ચાલીસ વર્ષ વીત્યા પછી સિનાઈ પર્વત પાસેના રણપ્રદેશમાં બળતા વૃક્ષની જ્વાળામાં દેવદૂતે મોશેને દર્શન દીધું. 31એ જોઈને મોશે આભો બની ગયો, અને તેને બરાબર નિહાળવાને વૃક્ષની નજીક ગયો. પણ તેણે પ્રભુનો અવાજ સાંભળ્યો: 32‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબનો ઈશ્વર છું.’ મોશે ડરથી ક્ંપવા લાગ્યો અને તેણે જોવાની હિંમત કરી નહિ. 33પ્રભુએ તેને કહ્યું, ‘તારાં ચંપલ ઉતાર, કેમકે જ્યાં તું ઊભો છે તે પવિત્ર જગ્યા છે. 34ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુ:ખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે, અને હું તેમને બચાવવા નીચે ઊતરી આવ્યો છું. તો ચાલ, હું હવે તને ઇજિપ્તમાં મોકલીશ.’
35“ઇઝરાયલી લોકોએ તો આવું કહીને મોશેનો તિરસ્કાર કર્યો હતો: ‘અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ પણ બળતા વૃક્ષમાં દર્શન દેનાર દેવદૂત દ્વારા ઈશ્વરે તેને જ આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો હતો. 36ઇજિપ્તમાં, સૂફ (અર્થાત્ લાલ) સમુદ્રમાં અને ચાલીસ વર્ષ સુધી રણપ્રદેશમાં ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરીને તેણે જ ઇઝરાયલીઓને મુક્ત કર્યા હતા. 37મોશેએ જ ઇઝરાયલી લોકોને કહ્યું હતું: ‘ઈશ્વરે જેમ મને મોકલ્યો, તેમ તે તમારા પોતાના લોકમાંથી તમારી પાસે સંદેશવાહક મોકલશે.’ 38મોશે રણપ્રદેશમાં એકત્ર થયેલા ઇઝરાયલી લોકો મયે હતો; તે સિનાઈ પર્વત પર તેની સાથે બોલનાર દેવદૂતની નિકટ તેમજ આપણા પૂર્વજોની સાથે હતો; તેણે જ આપણને જણાવવા માટે ઈશ્વરનો જીવનદાયી સંદેશ મેળવ્યો.
39“પણ આપણા પૂર્વજોએ તેને આધીન થવાનો નકાર કર્યો; તેમણે તેની ઉપેક્ષા કરીને ઇજિપ્તમાં પાછા જવાની ઇચ્છા રાખી. 40તેમણે આરોનને કહ્યું, ‘અમારી આગળ ચાલવા માટે અમારે માટે કોઈક મૂર્તિ બનાવ. કારણ, ઇજિપ્તમાંથી મુક્ત કરનાર એ મોશેનું શું થયું છે તેની અમને ખબર નથી.’ 41તે જ વખતે તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાનો અર્પ્યાં અને એ બનાવેલી મૂર્તિની ઉજવણી અર્થે મિજબાની કરી. 42એટલે ઈશ્વર તેમની વિરુદ્ધ થયા, અને સંદેશવાહકોનાં પુસ્તકમાં લખેલું છે તેમ, તેમણે તેમને આકાશના તારાઓની ભક્તિ કરવા માટે તજી દીધા:
‘હે ઇઝરાયલી લોકો, રણપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી પ્રાણીઓ કાપીને તેનાં બલિદાનો તમે કંઈ મને ચઢાવ્યાં હતાં?
43તમે તો મોલેખ દેવનો મંડપ અને તમારા દેવ રેફાનના તારાની મૂર્તિ ઊંચક્યાં. તમે ભક્તિ કરવા માટે એમની મૂર્તિઓ બનાવી. તેથી હું તમને બેબિલોનની પેલે પાર મોકલી દઈશ.’
44“આપણા પૂર્વજો પાસે રણપ્રદેશમાં ઈશ્વરની હાજરી સૂચક મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો. 45પાછળથી આપણા પૂર્વજો તેમના પિતૃઓ પાસેથી મેળવેલો મંડપ ઊંચકીને યહોશુઆની સાથે ગયા, અને ઈશ્વરે જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી તેમના દેશમાં લઈ ગયા. દાવિદના સમય સુધી તે મંડપ ત્યાં રહ્યો. 46દાવિદ પર ઈશ્વરની કૃપા થઈ, અને યાકોબના ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધવા તેણે ઈશ્વરની પરવાનગી માગી. 47પછી શલોમોને ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધ્યું. 48પણ માણસોએ બાંધેલા ઘરોમાં સર્વોચ્ચ ઈશ્વર રહેતા નથી. સંદેશવાહક પણ એમ જ કહે છે,
49‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજયાસન છે, અને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે માટે કેવું ઘર બાંધશો? મારે માટે આરામ કરવાનું સ્થળ કયાં છે?
50શું આ બધી વસ્તુઓ મેં મારે હાથે જ બનાવી નથી?’
51“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો. 52શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા. 53તમને તો દૂતોની મારફતે ઈશ્વરનો નિયમ મળ્યો છે, છતાં તમે તેનું પાલન કર્યું નથી!”
સ્તેફનની શહાદત
54એ સાંભળીને ન્યાયસભાના સભ્યો સ્તેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા. 55પણ સ્તેફને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આકાશ તરફ જોયું. તેણે ઈશ્વરનું ગૌરવ જોયું અને ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊભેલા જોયા. 56તેણે કહ્યું, “જુઓ, હું આકાશ ખુલ્લું થયેલું અને માનવપુત્રને ઈશ્વરની જમણી તરફ ઊભેલા જોઉં છું.”
57મોટી બૂમ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા. પછી તરત જ તેઓ એકી સાથે તેની તરફ ધસ્યા. 58પછી તેને શહેરની બહાર ધકેલી જઈને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના ઝભ્ભા શાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા. 59તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.” 60તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો.
તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for પ્રેષિતોનાં કાર્યો 7