YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 24

24
ઇસ્હાક માટે પત્ની
1હવે અબ્રાહામ ઘણો વૃદ્ધ થયો અને તેની ઘણી ઉંમર થઈ હતી. પ્રભુએ તેને બધી બાબતોમાં આશિષ આપી હતી. 2અબ્રાહામે પોતાના ઘરનો સૌથી જૂનો નોકર જેના હાથમાં ઘરનો બધો કારભાર હતો તેને બોલાવીને કહ્યું, “મારી જાંઘ વચ્ચે તારો હાથ મૂક.#24:2 ‘મારી...મૂક.’: આ પ્રમાણે લીધેલા શપથ સંપૂર્ણપણે અફર ગણાતા. 3હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ. 4પણ મારા દેશમાં મારા કુટુંબીજનો પાસે જઈને મારા પુત્ર ઇસ્હાક માટે ત્યાંથી પત્ની લાવજે.” 5નોકરે તેને કહ્યું, “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં હું તમારા પુત્રને પાછો લઈ જાઉં?” 6ત્યારે અબ્રાહામે તેને કહ્યું, “જો જે, મારા પુત્રને ત્યાં પાછો ન લઈ જતો. 7આકાશના ઈશ્વર પ્રભુ જે મને મારા પિતાના ઘરમાંથી અને મારી જન્મ ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા અને જેમણે ‘હું તારા વંશજોને આ દેશ આપીશ’ એવું વચન મને સોગંદ ખાઈને આપ્યું હતું, તે તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવજે. 8પણ જો તે સ્ત્રી તારી સાથે આવવા ખુશ ન હોય તો તું મારા સોગનથી મુક્ત છે. ફક્ત મારા પુત્રને તું ત્યાં પાછો લઈ જઈશ નહિ.” 9આથી તે નોકરે પોતાના શેઠ અબ્રાહામની જાંઘ વચ્ચે હાથ મૂક્યો અને તે બાબત સંબંધી સોગન ખાધા.
10પછી નોકરે પોતાના શેઠનાં દસ ઊંટ લીધાં અને પોતાના શેઠના ઘરમાંથી ઉત્તમ ઉત્તમ ચીજો લઈને તે મેસોપોટેમિયામાં આવેલા નાહોરના નગર તરફ જવા ચાલી નીકળ્યો. 11સાંજે સ્ત્રીઓ પાણી ભરવા જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા પાસે ઊંટોને બેસાડયાં. 12પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો. 13જુઓ, હું આ ઝરા પાસે ઊભો છું અને નગરજનોની છોકરીઓ પાણી ભરવા આવે છે. 14હવે એવું થવા દો કે જે કન્યાને હું કહું કે, ‘તારી ગાગર નમાવ કે હું પાણી પીઉં’ અને જે કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ તે જ કન્યા તમારા સેવક ઇસ્હાકની પત્ની થવા તમે નક્કી કરેલી હોય. એ ઉપરથી હું જાણીશ કે મારા માલિક પર તમારી કૃપા છે.”
15હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી. 16તે દેખાવમાં સુંદર અને તરુણ કુમારિકા હતી. તેને કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ થયો નહોતો. તે ઊતરીને ઝરા પાસે ગઈ અને ગાગર ભરીને પાછી ઉપર આવી. 17ત્યારે પેલો નોકર તેની પાસે દોડીને ગયો અને બોલ્યો, “તારી ગાગરમાંથી મને થોડું પાણી પીવડાવ.” 18રિબકાએ કહ્યું, “પીઓને ભાઈ,” પછી તરત જ પોતાના હાથમાંથી ગાગર ઉતારીને તેણે તેને પાણી પાયું. 19તેને પાણી પીવડાવી રહ્યા પછી તે બોલી, “તમારાં ઊંટ માટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.” 20એમ કહીને તેણે પોતાની ગાગર હવાડામાં જલદીથી ઠાલવી દીધી અને ફરી પાણી ભરી લાવવા કૂવે દોડી ગઈ. એમ તેણે બધાં ઊંટ માટે પાણી ભર્યું. 21પેલો માણસ તો પ્રભુએ તેનો પ્રવાસ સફળ કર્યો છે કે કેમ તે જાણવા કંઈપણ બોલ્યા વિના તેને એકીટશે ધ્યનથી જોઈ રહ્યો.
22ઊંટ પાણી પી રહ્યાં એટલે પેલા માણસે રિબકા માટે 5.5 ગ્રામ સોનાની એક વાળી અને 110 ગ્રામ સોનાની બે બંગડીઓ કાઢીને તેને પહેરાવી. 23પછી તેણે પૂછયું, “તું કોની પુત્રી છે તે મને કહેશે? શું તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરી શકીએ એટલી જગ્યા છે?” 24તે કન્યાએ કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી છું.” 25વળી, તે બોલી, “અમારે ત્યાં પુષ્કળ ઘાસચારો છે અને રહેવા માટે જગ્યા પણ છે.” 26તે માણસે ભૂમિ સુધી માથું નમાવીને ઈશ્વરનું ભજન કર્યું, 27અને તે બોલ્યો, “મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, જેમણે મારા માલિક પર કૃપા કરી છે તેમને ધન્ય હો. પ્રભુ જ મને મારા પ્રવાસમાં મારા માલિકના ભાઈના ઘરને રસ્તે દોરી લાવ્યા છે.”
28પેલી કન્યાએ દોડી જઈને પોતાની માતાના ઘરનાંને આ બધી વાત જણાવી. રિબકાને લાબાન નામે એક ભાઈ હતો. 29તે પેલા માણસને મળવા ઝરા પાસે દોડી ગયો. 30લાબાને પોતાની બહેનને વાળી તેમજ હાથે બંગડીઓ પહેરેલી જોઈ હતી. વળી, તેણે પોતાની બહેન રિબકાને એમ કહેતાં સાંભળી હતી કે ‘તે માણસે મને આમ કહ્યું.’ એટલે તે પેલા માણસને મળવા ગયો તો તે ઝરા આગળ ઊંટો પાસે ઊભો હતો. 31લાબાને કહ્યું, “ઈશ્વરથી આશિષ પામેલા, તમે અહીં બહાર કેમ ઊભા છો? ઘેર ચાલો. મેં તમારે માટે ઘર અને ઊંટો માટે જગ્યા તૈયાર રાખ્યાં છે.” 32એટલે તે માણસ ઘરમાં ગયો. લાબાને ઊંટનાં બંધ છોડી સામાન ઉતાર્યો અને તેમને ઘાસચારો નીર્યો. તેણે એ માણસ તથા તેની સાથેના માણસોને પગ ધોવા પાણી પણ આપ્યું. 33પછી તેમની આગળ ભોજન પણ પીરસ્યું. પણ તે માણસે કહ્યું, “હું શા માટે આવ્યો છું તે કહ્યા પહેલાં હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.”
34એટલે તેણે કહ્યું, “હું અબ્રાહામનો નોકર છું. 35પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે. 36મારા માલિકની પત્ની સારાએ પોતાની વૃદ્ધાવસ્થામાં એક પુત્રને જન્મ આપ્યો છે અને મારા માલિકે એ પુત્રને બધી સંપત્તિ સોંપી દીધી છે. 37મારા માલિકે મને આવા સમ લેવડાવ્યા કે, ‘જેમના દેશમાં હું રહું છું તે કનાની લોકોની દીકરીઓમાંથી તારે મારા પુત્ર માટે પત્ની લાવવી નહિ. 38પણ તારે મારા પિતાના ઘરમાંથી અને મારા કુટુંબીઓમાં જઈને મારા પુત્ર માટે પત્ની લાવવી.’ 39મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’ 40ત્યારે મારા માલિકે કહ્યું, ‘જે પ્રભુની સમક્ષ હું ચાલુ છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે અને તારા પ્રવાસને સફળ બનાવશે. તારે મારાં કુટુંબીજનોમાંથી અને મારા પિતાના ઘરમાંથી મારા પુત્ર માટે પત્ની લાવવી. 41તું મારા કુટુંબીઓ પાસે જાય તે પછી તું મારા સોગંદથી મુક્ત છે. તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ તને કન્યા ન આપે તો પણ તું મારા સોગંદથી મુક્ત છે.’
42“આજે હું પેલા ઝરા પાસે આવીને બોલ્યો, ‘મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, મારા આ પ્રવાસને તમે સફળ બનાવવાના હો, 43તો હું આ ઝરા પાસે ઊભો રહું છું. હવે જે કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું, ‘મને તારી ગાગરમાંથી થોડું પાણી પા,’ 44અને જે મને એમ કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટ માટે પણ પાણી ભરી લાવીશ’ તે મારા માલિકના પુત્ર માટે તમે પ્રભુએ નક્કી કરેલી પત્ની હોય એવું થવા દો.’ 45હજી તો હું મનમાં બોલતો હતો એવામાં જ રિબકા ખભે ગાગર લઈને નીકળી અને ઝરા પાસે ઊતરીને તેણે પાણી ભર્યું. મેં તેને કહ્યું, ‘મને પાણી પા.’ 46એટલે તરત જ ખભેથી ગાગર ઉતારીને તેણે કહ્યું, ‘પીઓને; હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ એટલે મેં પાણી પી લીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું. 47પછી મેં તેને પૂછયું, ‘તું કોની પુત્રી છે?’ તેણે કહ્યું, ‘નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી.’ એટલે મેં તેના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી. 48પછી મેં માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું અને મારા માલિકના ઈશ્વર પ્રભુને ધન્યવાદ આપ્યો. કારણ, હું મારા માલિકના પુત્ર માટે તેમના ભાઈની પુત્રી પસંદ કરી શકું તે માટે તે મને સાચે રસ્તે દોરી લાવ્યા. 49હવે તમે મારા માલિક અબ્રાહામ સાથે સચ્ચાઈ અને વફાદારીથી વર્તવા માગતા હો તો જણાવો. એમ ન હોય તો તે પણ મને જણાવો; જેથી મારે કયે રસ્તે જવું તેની મને ખબર પડે.”
50લાબાન અને બથુએલે જવાબ આપ્યો, “આ બધું તો પ્રભુની ઇચ્છાથી બન્યું છે. એટલે અમે તમને ખરુંખોટું કંઈ કહી શક્તા નથી. 51આ રિબકા તમારી આગળ છે. તેને લઈ જાઓ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેનાં લગ્ન તમારા માલિકના પુત્ર સાથે કરાવો.” 52આ શબ્દો સાંભળીને અબ્રાહામના નોકરે ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું. 53પછી સોનાચાંદીનાં દાગીના તથા વસ્ત્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈને અને તેની માતાને પણ કીમતી દાગીના આપ્યા.
54પછી તેણે અને તેની સાથેના માણસોએ ખાધુંપીધું અને રાત ત્યાં જ ગાળી, તેઓ સવારે ઊઠયા ત્યારે એ માણસે કહ્યું, “મને મારા માલિક પાસે જવા દો.” 55રિબકાના ભાઈએ તથા માતાએ કહ્યું, “કન્યાને થોડા દિવસ અમારી સાથે રહેવા દો. કંઈ નહિ તો ઓછામાં ઓછા દસ દિવસ તો રહેવા દો, તે પછી તે આવશે.” 56પણ એ માણસે કહ્યું, “પ્રભુએ મારો પ્રવાસ સફળ કર્યો છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો જેથી હું મારા માલિકને જઈને મળું.” 57તેમણે કહ્યું, “તો અમે કન્યાને બોલાવીને પૂછી જોઈએ.” 58તેથી તેમણે રિબકાને બોલાવીને પૂછયું, “તું આ માણસ સાથે જશે?” તે બોલી, “હું જઈશ.” 59એટલે તેમણે પોતાની બહેન રિબકા તથા તેની પરિચારિકાને તથા અબ્રાહામના નોકરને અને તેના માણસોને વિદાય કર્યાં. 60તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.”
61પછી રિબકા અને તેની દાસીઓ તૈયાર થઈને ઊંટ પર બેઠી અને પેલા માણસની પાછળ પાછળ ગઈ. આમ, એ નોકર રિબકાને લઈને પોતાને રસ્તે પડયો.
62એ સમયમાં ઇસ્હાક બેર-લાહાય- રોઈથી આવ્યો હતો; કારણ, તે નેગેબમાં રહેતો હતો. 63ઇસ્હાક સાંજે ખેતરમાં શોક કરવા ગયો. તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં હતાં. 64રિબકાએ નજર ઊંચી કરીને જોયું અને ઇસ્હાકને જોતાં જ તે પોતાના ઊંટ પરથી ઊતરી પડી. 65તેણે નોકરને પૂછયું, “આપણા તરફ આ આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “એ તો મારા માલિક છે.” એટલે રિબકાએ પોતાનો બુરખો ઓઢી લીધો. 66નોકરે ઇસ્હાકને પોતે જે જે કર્યું હતું તે બધું કહી સંભળાવ્યું. 67પછી ઇસ્હાક રિબકાને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. તેણે રિબકા ઉપર પ્રેમ કર્યો અને એમ ઇસ્હાક પોતાની માતાના મૃત્યુના દુ:ખમાં દિલાસો પામ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in