YouVersion Logo
Search Icon

યોહાન 11

11
લાઝરસનું અવસાન
1બેથાનિયામાં વસનાર મિર્યામ અને માર્થાનો ભાઈ લાઝરસ માંદો પડયો. 2આ જ મિર્યામે પ્રભુને પગે અત્તર ચોળ્યું હતું અને પોતાના વાળથી તેને લૂછયા હતા. તેનો ભાઈ લાઝરસ માંદો પડયો હતો. 3આથી બહેનોએ ઈસુને કહેવડાવ્યું, “પ્રભુ, તમે જેના પર પ્રેમ કરો છો તે માંદો છે.”
4તે સાંભળીને ઈસુએ કહ્યું, “લાઝરસનું મરણ થાય એવી આ માંદગી નથી, પરંતુ ઈશ્વરને મહિમા મળે માટે તે આવી છે; જેથી તે દ્વારા ઈશ્વરપુત્રનો મહિમા થાય.”
5માર્થા અને તેની બહેન તથા લાઝરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. 6લાઝરસ માંદો છે એવા સમાચાર તેમને મળ્યા. છતાં, તેઓ જ્યાં હતા ત્યાં બે દિવસ વધુ રોકાઈ ગયા. 7પછી શિષ્યોને કહ્યું, “ચાલો, યહૂદિયા પાછા જઈએ.”
8શિષ્યોએ કહ્યું, “ગુરુજી, હજુ થોડા સમય પહેલાં તો યહૂદીઓ તમને પથ્થરે મારવા માગતા હતા, છતાં તમારે પાછા ત્યાં જવું છે?”
9ઈસુએ કહ્યું, “શું દિવસમાં બાર કલાક નથી હોતા? જો કોઈ દિવસે ચાલે તો તે ઠોકર ખાતો નથી; કારણ, આ દુનિયાનો પ્રકાશ તે જુએ છે. 10પરંતુ જો તે રાત દરમિયાન ચાલે તો તે ઠોકર ખાય છે; કારણ, તેની પાસે પ્રકાશ નથી.” 11આમ કહ્યા પછી ઈસુએ જણાવ્યું, “આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે; પણ હું જઈને તેને ઉઠાડીશ.”
12શિષ્યોએ જવાબ આપ્યો, “પ્રભુ, જો તે ઊંઘતો હોય તો તો તે સાજો થઈ જશે.”
13પરંતુ ઈસુના કહેવાનો અર્થ તો એ હતો કે લાઝરસ મરણ પામ્યો છે. શિષ્યોને એવું લાગ્યું કે તે કુદરતી ઊંઘના અર્થમાં બોલે છે. 14તેથી ઈસુએ તેમને સ્પષ્ટ કહ્યું, 15“લાઝરસનું અવસાન થયું છે; હું ત્યાં તેની સાથે ન હતો તેથી મને તમારે લીધે આનંદ થાય છે. કારણ, હવે તમે વિશ્વાસ કરી શકશો. ચાલો, આપણે ત્યાં જઈએ.”
16થોમાએ (અર્થાત્ “જોડિયો” તેના સાથી શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ!”
સજીવન કરનાર ઈસુ
17ઈસુ આવી પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે લાઝરસનું દફન કર્યાને ચાર દિવસ વીતી ગયા છે. 18હવે બેથાનિયા યરુશાલેમથી આશરે ત્રણ કિલોમીટર દૂર છે. 19ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા.
20જ્યારે માર્થાને ખબર પડી કે ઈસુ આવી રહ્યા છે ત્યારે તે તેમને મળવા ગઈ; પરંતુ મિર્યામ ઘેર જ રહી. 21માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થાત નહિ. 22પરંતુ હું જાણું છું કે, હજી પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે તેઓ તમને આપશે.”
23ઈસુએ કહ્યું, “તારો ભાઈ ફરી સજીવન થશે.”
24તેણે જવાબ આપ્યો, “હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો સજીવન થશે.”
25ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે, 26અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહિ. શું તું આ વાત માને છે?”
27તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે આ દુનિયામાં આવનાર મસીહ એટલે ઈશ્વરપુત્ર તે તમે જ છો.”
ઈસુનું રુદન
28આમ કહ્યા પછી તે પાછી ચાલી ગઈ અને પોતાની બહેન મિર્યામને ખાનગીમાં મળીને કહ્યું, “ગુરુજી આવ્યા છે અને તે તને બોલાવે છે.” 29મિર્યામે એ સાંભળ્યું કે તરત તે ઊઠીને તેમને મળવા દોડી. 30ઈસુ હજી ગામની અંદર આવ્યા ન હતા; પરંતુ હજી જ્યાં માર્થા તેમને મળી હતી ત્યાં જ હતા. 31જે યહૂદીઓ ઘરમાં મિર્યામની સાથે હતા અને તેને દિલાસો આપી રહ્યા હતા તેમણે મિર્યામને દોડી જતી જોઈ, અને તે કબર પર કલ્પાંત કરવા જાય છે એમ ધારીને તેની પાછળ પાછળ ગયા.
32ઈસુ જ્યાં હતા ત્યાં મિર્યામ આવી, ત્યારે તેમના પગોમાં પડીને તેણે કહ્યું, “પ્રભુજી, જો તમે અહીં હોત તો, મારા ભાઈનું મરણ થાત નહિ!”
33તેને અને જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેમને રડતાં જોઈને ઈસુનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે નિસાસો નાખ્યો. 34અને પૂછયું, “તમે તેને ક્યાં દફનાવ્યો છે?” તેમણે કહ્યું, “પ્રભુજી, આવો અને જુઓ!”
35ઈસુ રડયા. 36તેથી યહૂદીઓએ કહ્યું, “જુઓ તો ખરા, તેમને તેના પર કેટલો બધો પ્રેમ છે!”
37પણ કેટલાકે કહ્યું, “જેમણે આંધળા માણસની આંખો ઉઘાડી તે લાઝરસને મરણ પામતો અટકાવી શક્યા ન હોત?”
લાઝરસ સજીવન કરાયો
38ઊંડો નિસાસો નાખતાં ઈસુ કબરે ગયા. એ તો એક ગુફા હતી કે જેના મુખ પર પથ્થર મૂકેલો હતો. 39ઈસુએ આજ્ઞા કરી, “પથ્થર ખસેડો.”
મરનારની બહેન માર્થાએ જવાબ આપ્યો, “પ્રભુ, હવે તો તેની દુર્ગંધ આવશે, તેને દફનાવ્યાને આજે ચાર દિવસ થયા છે!”
40ઈસુએ તેને કહ્યું, “જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ એવું મેં તને કહ્યું ન હતું?” 41તેથી તેમણે પથ્થર ખસેડી દીધો. ઈસુએ ઊંચે જોઈને કહ્યું, “પિતા, તમે મારું સાંભળ્યું છે, તેથી હું તમારો આભાર માનું છું.
42મને ખાતરી છે કે તમે સર્વદા મારું સાંભળો છો. પરંતુ અહીં ઊભેલા લોકો માટે હું આ કહું છું. એ માટે કે તમે મને મોકલ્યો છે એમ તેઓ માને.” 43આટલું બોલીને તેમણે મોટે સાદે બૂમ પાડી, “લાઝરસ, બહાર આવ!” 44એટલે લાઝરસ બહાર આવ્યો. તેના હાથ અને પગ દફનનાં કપડાંથી વીંટળાયેલા હતા અને તેના મોં પર રૂમાલ ઢાંકેલો હતો. ઈસુએ તેમને કહ્યું, “તેનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”
ઈસુની વિરુદ્ધ કાવતરું
(માથ. 26:1-5; માર્ક. 14:1-2; લૂક. 22:1-2)
45મિર્યામની મુલાકાતે આવેલાઓમાંથી ઘણા યહૂદીઓએ ઈસુએ જે કર્યું હતું તે જોઈને તેમના પર વિશ્વાસ મૂક્યો. 46પણ કેટલાક ફરોશીઓ પાસે પાછા ગયા અને ઈસુએ જે કર્યું હતું તે કહી જણાવ્યું. 47તેથી ફરોશીઓ અને મુખ્ય યજ્ઞકારોએ યહૂદીઓની મુખ્ય સભા બોલાવી અને કહ્યું, “હવે શું કરીશું? આ માણસ તો ઘણાં અદ્‍ભુત કાર્યો કરી રહ્યો છે! 48જો આમને આમ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે, અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!”
49ક્યાફાસ, જેનો તે વર્ષે પ્રમુખ યજ્ઞકાર તરીકે વારો હતો તે પણ તેમની મયે હતો. તેણે કહ્યું, “તમને કંઈ ખબર પડતી નથી. 50આખી પ્રજાનો નાશ થાય તે કરતાં એક વ્યક્તિ બધા લોકોને બદલે મરે તે તમારા હિતમાં છે, એમ તમને નથી લાગતું?” 51ખરેખર તે પોતા તરફથી આ બોલ્યો ન હતો, પણ એ વર્ષે તે પ્રમુખ યજ્ઞકાર હતો અને યહૂદી પ્રજા માટે, 52અને એકલા તેમને માટે જ નહિ, પરંતુ ઈશ્વરનાં વેરવિખેર થઈ ગયેલાં સંતાનોને એક કરવા માટે ઈસુ મરણ પામવાના હતા તેની આગાહી કરતાં તેણે તે કહ્યું.
53તે દિવસથી જ યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો. 54તેથી ઈસુએ જાહેર રીતે યહૂદિયામાં ફરવાનું બંધ કર્યું, અને ત્યાંથી નીકળીને વેરાન પ્રદેશમાં આવેલા એફ્રાઈમના એક નજીકના ગામમાં ચાલ્યા ગયા અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યા.
55યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક આવ્યું એટલે શુદ્ધિકરણની ક્રિયાને માટે દેશમાંથી ઘણા લોકો પર્વ શરૂ થાય તે પહેલાં યરુશાલેમ પહોંચી ગયા. 56તેઓ ઈસુને શોધતા હતા. તેઓ મંદિરમાં એકઠા મળ્યા ત્યારે એકબીજાને પૂછવા લાગ્યા, “તમને શું લાગે છે? તે પર્વમાં આવશે કે નહિ?” 57મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ એવો હુકમ કાઢયો હતો કે ઈસુ ક્યાં છે તેની જેને ખબર પડે તેણે તે વિષેની માહિતી આપવી, જેથી તેમની ધરપકડ કરી શકાય.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in