YouVersion Logo
Search Icon

લૂક 11

11
પ્રાર્થના વિષે ઉપદેશ
(માથ. 6:9-13; 7:7-11)
1એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા, એટલે તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, જેમ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું, તેમ તમે પણ અમને પ્રાર્થના કરતાં શીખવો.”
2ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે,
હે પિતાજી,
તમારા પવિત્ર નામનું સન્માન થાઓ,
તમારું રાજ્ય આવો,
3અમારો જરૂરી ખોરાક અમને દરરોજ આપો,
4અમારાં પાપ માફ કરો;
કારણ, જેઓ અમારી વિરુદ્ધ અપરાધ કરે છે,
તે બધાને અમે માફ કરીએ છીએ,
અને અમને ક્સોટીમાં પડવા ન દો.”
5વળી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ પોતાના મિત્રના ઘેર મધરાતે જઈને તેને કહે, ‘હે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ. 6મારો એક મિત્ર મુસાફરીએ નીકળ્યો છે અને હમણાં જ મારે ઘેર રોકાઈ ગયો છે. તેને પીરસવા માટે મારી પાસે કંઈ જ નથી.’ 7અને ધારો કે તમારો મિત્ર અંદરથી જવાબ આપે, ‘મને હેરાન ન કર! મેં બારણું બંધ કરી દીધું છે અને મારાં છોકરાં સાથે હું પથારીમાં સૂઈ ગયો છું. તને કંઈ પણ આપવા હું ઊઠી શકું તેમ નથી.’ 8હું તમને કહું છું કે તે તમારો મિત્ર હોવાને લીધે ઊઠીને રોટલી નહિ આપે, તેમ છતાં, તમે આગ્રહથી માગતાં શરમાતા નથી માટે તે ઊઠશે અને તમારે જે જોઈએ છે તે આપશે. 9હું તમને પણ એમ જ કહું છું. માગો, એટલે તમને મળશે; શોધો, એટલે તમને જડશે; ખટખટાઓ, એટલે તમારે માટે બારણું ઉઘાડવામાં આવશે. 10જે કોઈ માગે છે તે દરેકને મળશે, અને જે શોધે છે તેને જડશે, અને જે ખટખટાવે છે તેને માટે બારણું ઉઘાડવામાં આવશે. 11તમ પિતાઓ પાસે તમારો પુત્ર માછલી માગે તો શું તમે સાપ આપશો? 12અથવા તે ઇંડું માગે તો તેને વીંછી આપશો? 13તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!”
ઈસુ અને બાલઝબૂલ
(માથ. 12:22-30; માર્ક. 3:20-27)
14એક મૂંગા બનાવી દેનાર દુષ્ટાત્માને ઈસુ કાઢતા હતા. દુષ્ટાત્મા નીકળી ગયો, અને પેલો માણસ બોલવા લાગ્યો. લોકોનું ટોળું તો આભું જ બની ગયું. 15પણ કેટલાક લોકોએ કહ્યું, “દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલ તેને દુષ્ટાત્માઓ કાઢવાની શક્તિ આપે છે.”
16બીજા કેટલાક તેમને સપડાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની અનુમતિ છે એમ દર્શાવવા તેમણે તેમને ચમત્કાર કરી બતાવવા કહ્યું. 17પણ ઈસુ તેમના વિચારો જાણતા હોવાથી તેમણે તેમને કહ્યું, “જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે જો કુટુંબમાં ભાગલા પડી જાય તો તેનું પતન થાય છે. 18તેથી જો શેતાનના રાજ્યમાં અરસપરસ લડતાં જૂથો હોય તો તે કેવી રીતે ટકી શકે? પણ તમે કહો છો કે બાલઝબૂલ મને શક્તિ આપે છે તેથી હું દુષ્ટાત્માઓ કાઢું છું. વળી, જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓ કાઢું છું, 19તો તમારા અનુયાયીઓ કોની મદદથી કાઢે છે? તમારા પોતાના અનુયાયીઓ જ સાબિત કરે છે કે તમે જુઠ્ઠા છો. 20પણ જો, હું ઈશ્વરના સામર્થ્યથી દુષ્ટાત્માઓને કાઢું છું; તો ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે એની એ સાબિતી છે.
21“બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈ પોતાના ઘરને સાચવતો હોય, તો તેની માલમિલક્ત સહીસલામત રહે છે. 22પણ જ્યારે એનાથી વધારે બળવાન માણસ તેના પર હુમલો કરી તેને હરાવે છે ત્યારે જે શસ્ત્રો પર તે આધાર રાખે છે તે તે ઉતારી લે છે, અને લૂંટેલી મિલક્ત વહેંચે છે. 23જે મારા પક્ષનો નથી, તે સાચે જ મારી વિરુદ્ધ છે; સંગ્રહ કરવામાં જે મારી મદદ કરતો નથી, તે તેને વિખેરી નાખે છે.
અશુદ્ધ આત્માનું પુનરાગમન
(માથ. 12:43-45)
24“માણસમાંથી બહાર નીકળ્યા પછી અશુદ્ધ આત્મા વિશ્રામસ્થાન શોધતો શોધતો વેરાન પ્રદેશમાં ભટક્યા કરે છે. જો તેને એવું સ્થાન ન મળે, તો તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળી આવ્યો છું તેમાં હું પાછો જઈશ.’ 25પછી તે પાછો જાય છે. ત્યારે તે તેને સાફસૂફ કરેલું તથા વ્યવસ્થિત જુએ છે. 26પછી તે બહાર જઈને પોતાના કરતાં વધારે ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને બોલાવી લાવે છે અને તેઓ આવીને ત્યાં વસવાટ કરે છે. એમ થતાં માણસની આખરી સ્થિતિ તેની શરૂઆતની સ્થિતિ કરતાં વધારે ભૂંડી થાય છે.”
ધન્ય કોને?
27ઈસુએ એ કહ્યું ત્યારે ટોળામાંથી એક સ્ત્રી મોટેથી પોકારી ઊઠી, “તમે જેના ઉદરે જન્મ્યા અને જેના સ્તને દૂધપાન કર્યું તે સ્ત્રીને ધન્ય છે!”
28પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.”
નિશાનીની માગણી
(માથ. 12:38-42)
29લોકોનાં ટોળાં ઈસુની આજુબાજુ ઊમટયાં એટલે ઈસુ કહેવા લાગ્યા, “આ જમાનાના લોકો કેવા દુષ્ટ છે! તેઓ નિશાની માગે છે! પણ યોનાની નિશાની સિવાય તેમને બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહિ. 30જેમ યોના નિનવેહના લોકો માટે નિશાનીરૂપ હતો તેમ માનવપુત્ર પણ આ જમાનાના લોકો માટે નિશાનીરૂપ બની રહેશે. 31ન્યાયકાળને દિવસે દક્ષિણની રાણી ઊઠશે અને વર્તમાન સમયના લોકોને દોષિત ઠરાવશે; કારણ, ધરતીના છેડેથી તે શલોમોનનું જ્ઞાનપૂર્ણ શિક્ષણ સાંભળવા આવી હતી. પણ હું તમને કહું છું કે તમારી સમક્ષ એક વ્યક્તિ છે કે જે શલોમોનના કરતાં પણ મહાન છે. 32ન્યાયકાળને દિવસે નિનવેહના લોકો ઊઠીને તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો બોધ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા. પણ હું તમને કહું છું કે અહીં એક વ્યક્તિ છે કે જે યોના કરતાં પણ વધુ મહાન છે!
શરીરનો દીવો
(માથ. 5:15; 6:22-23)
33“દીવો સળગાવીને કોઈ તેને ભોંયરામાં કે વાસણ નીચે મૂકતું નથી. એથી ઊલટું, તે તેને દીવી પર મૂકે છે; જેથી અંદર આવનાર સૌ કોઈ પ્રકાશ પામે. 34તમારી આંખો તો શરીરના દીવા સમાન છે. જો તમારી આંખો નિર્મળ હોય, તો તમારું આખું શરીર પ્રકાશમય હશે; પણ જો તમારી આંખો મલિન હોય તો તમારું આખું શરીર અંધકારમય બની રહેશે. 35માટે તમારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ ન થાય તેની કાળજી રાખો. 36જો તમારું આખું શરીર પ્રકાશમય હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારમય ન હોય તો દીવો પોતાના પૂર્ણ પ્રકાશથી તમારા પર પ્રકાશતો હોય તેમ, તમારું આખું શરીર ઝળહળી ઊઠશે.”
ચેતવણીનો સૂર
(માથ. 23:1-36; માર્ક. 12:38-40)
37ઈસુએ પ્રવચન પૂરું કર્યું એટલે એક ફરોશીએ તેમને જમવાનું આમંત્રણ આપ્યું. તેથી તેઓ તેને ઘેર ગયા અને જમવા બેઠા. 38ઈસુએ જમતાં પહેલાં હાથ ધોયા નહિ, એ જોઈને ફરોશીને આશ્ર્વર્ય થયું. તેથી પ્રભુએ ફરોશીને કહ્યું, 39“તમે ફરોશીઓ થાળીવાટકા બહારથી જ સાફ કરો છો. પણ આંતરિક રીતે તો તમે લોભ અને દુષ્ટતાથી ભરેલા છો. 40અરે મૂરખાઓ, બહારની બાજુ બનાવનાર ઈશ્વરે અંદરની બાજુ પણ બનાવી નથી શું! 41પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે.
42“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી. 43ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે! તમને ભજનસ્થાનોમાં મુખ્ય આસનો મળે અને જાહેર સ્થાનોમાં લોકો સલામો ભરે તેવું તમે ઈચ્છો છો. તમારી કેવી દુર્દશા થશે! 44લોકો જેના પર અજાણતાં ચાલે તેવી ગંદી કબરના જેવા તમે છો.” 45નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને કહ્યું, “ગુરુજી, આવું કહીને તમે અમારું પણ અપમાન નથી કરતા?”
46ઈસુએ જવાબ આપ્યો, “ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો, તમારી પણ કેવી દુર્દશા થશે! તમે માણસોની પીઠ પર ઊંચકી શકાય નહિ એવો ભારે બોજો લાદો છો, પણ તમે પોતે એમને એ બોજ ઊંચકાવવા આંગળી પણ અડકાડતા નથી. 47તમારી કેવી દુર્દશા થશે! જે સંદેશવાહકોને તમારા પૂર્વજોએ મારી નાખ્યા હતા, તે જ સંદેશવાહકોની કબરો તમે ચણાઓ છો. 48એમ તમે જાતે જ કબૂલ કરો છો કે તમારા પૂર્વજોએ જ સંદેશવાહકોને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો શણગારો છો. 49આ જ કારણને લીધે ઈશ્વરના જ્ઞાને કહ્યું, ‘હું તેમની પાસે સંદેશવાહકો અને પ્રેષિતોને મોકલીશ; તેઓ તેમાંના કેટલાકને મારી નાખશે; અને બીજા કેટલાકની સતાવણી કરશે.’ 50પરિણામે, સૃષ્ટિના આરંભથી એટલે કે, હાબેલના ખૂનથી માંડીને ઝખાર્યા, જેને યજ્ઞવેદી અને પવિત્રસ્થાન વચ્ચે મારી નાખવામાં આવ્યો તેના ખૂન સુધી થઈ ગયેલા બધા સંદેશવાહકોના ખૂનની શિક્ષા આ જમાનાના લોકોને થશે. 51હા, હું તમને કહું છું કે એ બધાના ખૂનની શિક્ષા આ જમાના લોકોને થશે.
52“નિયમશાસ્ત્રના શિક્ષકો, તમારી કેવી દુર્દશા થશે! જ્ઞાનરૂપી ઘરનું બારણું ઉઘાડવાની ચાવી તમે તમારી પાસે રાખી લીધી છે; તમે તેમાં પ્રવેશ કરતા નથી, અને બીજા જેઓ પ્રવેશ કરવા માંગે છે, તેમને તમે અટકાવો છો!”
53ઈસુ ત્યાંથી નીકળ્યા ત્યારે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ ઈસુની આકરી ટીકા કરવા લાગ્યા અને તેઓ ઘણી બાબતો અંગે પ્રશ્ર્નો પૂછીને ઈસુ કંઈક ખોટું બોલે, 54તો તેમને સપડાવવા તરકીબ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

Currently Selected:

લૂક 11: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in