લૂક 2
2
ઉદ્ધારકનું આગમન
(માથ. 1:18-25)
1સમ્રાટ ઓગસ્તસે પોતાના રાજ્યકાળ
દરમિયાન એકવાર એવો હુકમ બહાર પાડયો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા નાગરિકો પોતાની નોંધણી કરાવે. 2આ પ્રથમ વસ્તી ગણતરીના સમયે કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો. 3તેથી બધા પોતાની નોંધણી કરાવવા માટે પોતપોતાના વતનમાં ગયા. 4યોસેફ ગાલીલ પ્રદેશના નાઝારેથ નામના નગરમાંથી દાવિદ રાજાની જન્મભૂમિ યહૂદિયાના બેથલેહેમ નામના નગરમાં ગયો. કારણ, યોસેફ દાવિદનો વંશજ હતો. 5મિર્યામ, જેની સાથે તેની સગાઈ થઈ હતી, તેને લઈને તે પોતાની નોંધણી કરાવવા ગયો. 6તે સમયે મિર્યામ સગર્ભા હતી. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે જ તેની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો. 7તેણે તેને કપડામાં લપેટીને ઘાસ નીરવાની ગમાણમાં સુવાડયો. કારણ, તેમને રહેવા માટે બીજા કોઈ સ્થળે જગ્યા ન હતી.
ઘેટાંપાળકો અને દૂતો
8એ વિસ્તારમાં કેટલાક ઘેટાંપાલકો રહેતા હતા. તે રાત્રે તેઓ ખેતરોમાં પોતાનાં ટોળાંને સાચવતા હતા. 9પ્રભુનો એક દૂત તેમને દેખાયો, અને પ્રભુનો મહિમા તેમના પર પ્રકાશ્યો. તેઓ ઘણા જ ગભરાઈ ગયા. 10પણ દૂતે તેમને કહ્યું, “ગભરાશો નહિ, હું તમને મોટા આનંદના શુભ સમાચાર જણાવવા આવ્યો છું, અને એ સાંભળીને બધા લોકોને ઘણો આનંદ થશે. 11આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો: 12તમે એક બાળકને કપડામાં લપેટેલું અને ઘાસ નીરવાની ગમાણમાં સૂતેલું જોશો.”
13પછી એ દૂતની સાથે ઈશ્વરની સ્તુતિ કરતો આકાશના દૂતોનો એક મોટો સમુદાય એકાએક દેખાયો.
14“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ,
અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”
15દૂતો તેમની પાસેથી આકાશમાં પાછા જતા રહ્યા પછી ઘેટાંપાલકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને ઈશ્વરે આપણને જે બન્યાની જાણ કરી છે તે જોઈએ.”
16તેઓ તરત જ નીકળી પડયા. તેમને મિર્યામ અને યોસેફ મળ્યાં અને તેમણે ઢોરની ગમાણમાં બાળકને સૂતેલું જોયું. 17જ્યારે ઘેટાંપાલકોએ બાળકને જોયું ત્યારે દૂતોએ બાળક વિષે તેમને જે કહ્યું હતું તે તેમણે કહી સંભળાવ્યું. 18ઘેટાંપાલકોની વાત સાંભળીને બધા આશ્ર્વર્યમાં પડી ગયા. 19મિર્યામે આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી અને એના પર ઊંડો વિચાર કરવા લાગી. 20ઘેટાંપાલકોએ જે જે સાંભળ્યું તથા જોયું તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા અને તેમની પ્રશંસા કરતા પાછા ફર્યા. દૂતે તેમને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે બનેલું તેમણે નિહાળ્યું.
બાળકનું નામ પાડયું
21આઠમે દિવસે છોકરાની સુનન્તનો વિધિ કરવામાં આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. તેનું ગર્ભાધાન થયા અગાઉ દૂતે એ જ નામ આપ્યું હતું.
મંદિરમાં ઈસુનો અર્પણવિધિ
22મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા આદેશ પ્રમાણે શુદ્ધિકરણનો વિધિ કરવાનો સમય આવ્યો. તેથી ઈશ્વરને અર્પણ કરવા માટે તેઓ છોકરાને યરુશાલેમ લઈ ગયા. 23કારણ, પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ જન્મેલા પ્રભુના પુત્રનું અર્પણ પ્રભુને કરવું.” 24પ્રભુના નિયમશાસ્ત્રમાંની માગણી મુજબ તેઓ કબૂતરની એક જોડ અથવા હોલાનાં બે બચ્ચાંનું બલિદાન ચઢાવવા ગયાં.
25યરુશાલેમમાં શિમયોન નામે એક ભલો અને ઈશ્વરની બીક રાખનાર માણસ રહેતો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની રાહ જોતો હતો. 26પવિત્ર આત્મા તેની સાથે હતો, અને તેને ખાતરી આપી હતી કે ઈશ્વરે આપેલા વચન પ્રમાણે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તે મરણ પામશે નહિ. 27આત્માની પ્રેરણાથી શિમયોન મંદિરમાં આવ્યો. મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવેલી ક્રિયા કરવા માટે બાળઈસુના માતાપિતા તેમને મંદિરમાં લાવ્યા હતા. 28શિમયોને છોકરાને પોતાના હાથમાં લીધો, અને ઈશ્વરનો આભાર માનતા કહ્યું,
29“હે પ્રભુ, હવે તમારા સેવકને
તમારા વચન પ્રમાણે શાંતિથી
જવા દો;
30કારણ, મેં મારી પોતાની આંખે
તમારો ઉદ્ધાર જોયો છે.
31તમે એને સર્વ પ્રજાઓ સમક્ષ
પ્રયોજ્યો છે:
32એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર
અને તમારા ઇઝરાયલી લોકને
ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”
33શિમયોને છોકરા અંગે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા આશ્ર્વર્ય પામ્યાં. 34શિમયોને તેમને આશિષ આપી અને બાળકની માતા મિર્યામને કહ્યું, “ઇઝરાયલમાં ઘણાના વિનાશ અને ઉદ્ધારને માટે ઈશ્વરે આ છોકરાને પસંદ કરેલો છે. એ તો ઈશ્વર તરફથી આવેલી નિશાનીરૂપ બનશે કે જેની વિરુદ્ધ ઘણા લોકો બોલશે, 35અને એમ તેમના ગુપ્ત વિચારો જાહેર થશે. તારું હૃદય પણ તીક્ષ્ણ તલવાર જેવા દુ:ખથી વિંધાશે.”
36આશેરના કુળના ફાનુએલની દીકરી આન્ના ઈશ્વરની સંદેશવાહિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. સાત વર્ષનું પરિણીત જીવન ગાળ્યા પછી તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી. 37તે કદી મંદિર છોડીને જતી નહિ, પણ રાત-દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરતાં ઈશ્વરની ભક્તિ કરતી હતી. 38તે પણ ત્યાં એ જ સમયે આવી પહોંચી. તેણે ઈશ્વરનો આભાર માન્યો અને યરુશાલેમના ઉદ્ધારની રાહ જોનાર સૌને છોકરા અંગે જાણ કરી.
39પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે જે કંઈ ધર્મક્રિયાઓ કરવાની હતી, તે બધી પૂરી કરીને તેઓ ગાલીલમાં તેમના શહેર નાઝારેથ પાછાં ફર્યાં. 40છોકરો મોટો થયો અને સશક્ત બન્યો; તે જ્ઞાનપૂર્ણ હતો, અને તેના પર ઈશ્વરની આશિષ હતી.
ઈસુનું પાંડિત્ય
41ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં. 42ઈસુ બાર વર્ષના થયા ત્યારે હંમેશની માફક તેઓ પર્વમાં ગયાં. 43પર્વ પૂરું થયું એટલે તેઓ ઘેર પાછાં વળ્યાં, પણ બાળઈસુ યરુશાલેમમાં જ રોકાયા. તેમનાં માતાપિતાને એ વાતની ખબર નહોતી. 44તે ટોળાની સાથે જ હશે એમ વિચારીને તેઓ એક આખો દિવસ ચાલ્યાં, અને પછી તેઓ તેમના સગાંસબંધીઓ અને મિત્રો મયે તેમને શોધવા લાગ્યાં. 45તે તેમને મળ્યા નહિ તેથી તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમ ગયાં. 46ત્રીજે દિવસે તેમણે તેમને મંદિરમાં યહૂદી ધર્મગુરુઓ વચ્ચે બેસીને તેમનું સાંભળતા અને પ્રશ્ર્નો પૂછતા જોયા. 47તેમના બુદ્ધિપૂર્વક જવાબો સાંભળનારા સૌ આશ્ર્વર્યમાં પડી ગયા હતા. 48ઈસુને જોઈને તેમનાં માતાપિતા પણ આશ્ર્વર્ય પામ્યાં, અને તેમની માએ તેમને કહ્યું, “દીકરા, તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? તારા પિતાએ અને મેં તારી કેટલી ચિંતાપૂર્વક શોધ કરી!”
49તેમણે તેમને જવાબ આપ્યો, “તમારે મારી શોધ કરવાની શી જરૂર હતી? શું તમને ખબર નહોતી કે મારે મારા ઈશ્વરપિતાના ઘરમાં હોવું જોઈએ?” 50પણ તેઓ તેમનું કહેવું સમજી શક્યાં નહિ.
51તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી. 52ઈસુ શરીરમાં તથા જ્ઞાનમાં વૃદ્ધિ પામતા ગયા અને ઈશ્વર તથા માણસોની પ્રસન્નતા પ્રાપ્ત કરતા રહ્યા
Currently Selected:
લૂક 2: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide