YouVersion Logo
Search Icon

માર્ક 12

12
દ્રાક્ષાવાડીના ખેડૂતોનું ઉદાહરણ
(માથ. 21:33-46; લૂક. 20:9-19)
1પછી ઈસુએ તેમની સાથે ઉદાહરણો દ્વારા વાત કરી: “એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. પછી એ દ્રાક્ષવાડી ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ મુસાફરીએ ગયો. 2દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવા માટે તેણે પોતાના એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો. 3ખેડૂતોએ નોકરને પકડયો, તેને માર માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. 4પછી માલિકે બીજા નોકરને મોકલ્યો, અને ખેડૂતોએ તેનું માથું ફોડી નાખ્યું, અને તેની સાથે ખૂબ શરમજનક વર્તન કર્યું. 5માલિકે બીજા એક નોકરને મોકલ્યો, અને તેમણે તેનું ખૂન કર્યું. તેમણે બીજા સાથે એવું જ વર્તન દાખવ્યું; કેટલાકને માર્યા, તો કેટલાકનું ખૂન કર્યું. 6છેલ્લે, માલિકે પોતાનો પ્રિય પુત્ર જ મોકલવાનો બાકી રહ્યો. આખરે, માલિકે પુત્રને મોકલ્યો. તેણે કહ્યું, ‘તેઓ મારા પુત્રનું તો માન રાખશે.’ 7પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે, ચાલો, આપણે તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણને મળે.’ 8તેથી તેમણે પુત્રને પકડીને તેનું ખૂન કર્યું, અને તેનું શબ દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધું.”
9ઈસુએ પૂછયું, “તો હવે દ્રાક્ષવાડીનો માલિક શું કરશે? તે આવીને એ માણસોને મારી નાખશે અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે. 10તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે:
‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે. 11એ તો પ્રભુએ કર્યું છે; આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‍ભુત છે!”
12યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; કારણ, તેમને ખબર પડી ગઈ કે તેમણે તેમની વિરુદ્ધ જ એ ઉદાહરણ કહ્યું હતું. છતાં લોકોથી ડરતા હોવાને લીધે તેઓ તેમને મૂકીને જતા રહ્યા.
કરવેરા ભરી દો
(માથ. 22:15-22; લૂક. 20:20-26)
13પછી તેમણે કેટલાક ફરોશીઓ અને હેરોદના પક્ષના સભ્યોને ઈસુને પ્રશ્ર્નો પૂછી ફસાવવા મોકલ્યા. 14તેમણે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે લોકો તમારે વિષે શું ધારશે તેની પરવા કર્યા વિના તમે સત્ય જ બોલો છો. તમે માણસના દરજ્જાને ગણકાર્યા વિના તેને માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો કે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે નિયમશાસ્ત્ર પ્રમાણે ઉચિત છે કે નહિ? આપણે કરવેરા ભરવા જોઈએ કે નહિ?”
15પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, એટલે તેમણે જવાબ આપ્યો, “તમે મને ફસાવવા માગો છો? ચાંદીનો એક સિક્કો લાવો, અને મને તે જોવા દો.”
16તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. એટલે તેમણે પૂછયું, “આમાં કોની છાપ અને કોનું નામ છે?” તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.”
17તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.
મરણમાંથી સજીવન થવા અંગેનો પ્રશ્ર્ન
(માથ. 22:23-33; લૂક. 20:27-40)
18લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા. 19તેમણે કહ્યું, “ગુરુજી, મોશેએ આપણે માટે આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ નિ:સંતાન ગુજરી જાય, તો તે માણસના ભાઈએ મરનારની વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’ 20હવે સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું લગ્ન થયું, પણ તે નિ:સંતાન મરી ગયો. 21પછી બીજા ભાઈએ પેલી સ્ત્રી સાથે લગ્ન કર્યું, અને તે નિ:સંતાન મરી ગયો. ત્રીજાના સંબંધમાં પણ એવું જ થયું. 22અને બાકીના બધાના સંબંધમાં એમ જ બન્યું. પેલી સ્ત્રી સાતેય ભાઈઓની પત્ની બની અને તેઓ બધા નિ:સંતાન મરી ગયા. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. 23હવે, પુનરુત્થાનને દિવસે જ્યારે બધાં મરેલાં સજીવન થશે, ત્યારે તે કોની પત્ની ગણાશે? કારણ કે, તે સાતેય ભાઈઓની પત્ની બની હતી!”
24ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે કેવી ભૂલ કરો છો! શા માટે ભૂલ કરો છો તે જાણો છો? એટલા જ માટે કે ધર્મશાસ્ત્ર તથા ઈશ્વરનું સામર્થ્ય તમે જાણતા નથી. 25જ્યારે મરેલાં સજીવન થશે, ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે; તેમને માટે પરણવા-પરણાવવાનું નહિ હોય. 26હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’ 27એનો અર્થ એ થયો કે જેમને તમે મરેલાં ગણો છો, તે તો ખરેખર જીવંત છે, અને તે તેમના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો!”
સર્વશ્રેષ્ઠ આજ્ઞા
(માથ. 22:34-40; લૂક. 10:25-28)
28નિયમશાસ્ત્રનો એક શિક્ષક એ ચર્ચા સાંભળતો હતો. તેણે જોયું કે ઈસુએ સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ર્ન લઈ આવ્યો, “બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની કઈ?”
29ઈસુએ કહ્યું, “સૌથી વધુ અગત્યની આજ્ઞા આ છે: ‘હે ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર એકમાત્ર પ્રભુ છે. 30તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’ 31બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે: ‘જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ આ બે આજ્ઞાઓ કરતાં વિશેષ અગત્યની બીજી કોઈ આજ્ઞા નથી.”
32નિયમશાસ્ત્રના શિક્ષકે ઈસુને કહ્યું, “વાહ, ગુરુજી, તમે કહો છો એ સાચું છે કે, એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે અને તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. 33માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”
34ઈસુએ જોયું કે તેણે સમજણપૂર્વક જવાબ આપ્યો છે તેથી તેમણે તેને કહ્યું, “તું ઈશ્વરના રાજથી દૂર નથી.”
એ પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્ર્નો પૂછવાની હિંમત કરી નહિ.
મસીહ વિષે પ્રશ્ર્ન
(માથ. 22:41-46; લૂક. 20:41-44)
35મંદિરમાં બોધ કરતી વખતે ઈસુએ પ્રશ્ર્ન પૂછયો, “મસીહ દાવિદનો પુત્ર હશે એવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ શીખવે છે? 36કારણ, પવિત્ર આત્માએ તો દાવિદને આવું કહેવાની પ્રેરણા કરી;
‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું:
તારા શત્રુઓને તારા પગ તળે મૂકું,
ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’
37દાવિદ પોતે તેને પ્રભુ કહે છે; તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?”
ચેતવણીનો સૂર
(માથ. 23:1-36; લૂક. 20:45-47)
વિશાળ જનસમુદાય ઈસુને રસપૂર્વક સાંભળતો હતો. 38તેમને શીખવતાં તેમણે કહ્યું, “લાંબો ઝભ્ભો પહેરીને ફરનારા નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો. તેમને બજારમાં લોકોનાં વંદન ઝીલવાનું ગમે છે. 39તેઓ ભજનસ્થાનમાં મુખ્ય ખુરશીઓ અને મિજબાનીઓમાં ઉત્તમ જગ્યાઓ પસંદ કરે છે. 40તેઓ વિધવાઓની માલમિલક્ત લૂંટી લે છે, અને પાછા ઢોંગપૂર્વક લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેમને વધારેમાં વધારે સજા થશે.”
વિધવાનું દાન
(લૂક. 22:1-4)
41ઈસુ મંદિરના ભંડારની સામે બેસીને ભંડારમાં પૈસા નાખતા લોકોને જોતા હતા. ધનવાન માણસો તેમાં ઘણા પૈસા નાખતા હતા. 42પછી એક ગરીબ વિધવા આવી અને તેણે તાંબાના બે નાના સિક્કા નાખ્યા. 43તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ ભંડારમાં બીજા બધાના કરતાં વધારેમાં વધારે નાખ્યું છે. 44કારણ, બીજાઓએ તો પોતાની સમૃદ્ધિમાંથી જે વધારાનું હતું તે નાખ્યું; પણ તેણે તો ગરીબ હોવા છતાં તેની પાસે જે કંઈ હતું તે બધું નાખ્યું, એટલે પોતાની સર્વ આજીવિકા નાખી છે!”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in