YouVersion Logo
Search Icon

માર્ક 7

7
પૂર્વજોની પ્રણાલિકાઓ
(માથ. 15:1-9)
1યરુશાલેમથી આવેલા ફરોશીઓ અને નિયમશાસ્રના કેટલાક શિક્ષકો ઈસુની પાસે એકઠા થયા. 2તેમણે જોયું કે તેમના કેટલાક શિષ્યો ફરોશીઓના કહેવા પ્રમાણે લોકોએ જે રીતે હાથ ધોવા જોઈએ તે રીતે ધોયા વગર ખોરાક ખાતા હતા.
3કારણ, ફરોશીઓ તેમ જ બાકીના યહૂદીઓ પણ તેમના પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજોને પાળે છે. ઠરાવેલી રીતે હાથ ધોયા વિના તેઓ ખાતા નથી. 4તેમ જ બજારમાંથી જે કંઈ લાવે તેના પર પ્રથમ છંટકાવ કર્યા વિના ખાતા નથી. વળી, પ્યાલા, લોટા, તાંબાના વાટકા અને પથારીઓ ધોવાની યોગ્ય રીતો જેવા અગાઉથી ઊતરી આવેલા બીજા ઘણા નિયમો તેઓ પાળે છે.
5તેથી ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુને પૂછયું, “તમારા શિષ્યો પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજને ન અનુસરતાં અશુદ્ધ હાથે કેમ ખાય છે?” 6ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમ ઢોંગીઓ વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે તેમ,
‘આ લોકો મને શબ્દોથી માન આપે છે,
પણ તેમનું હૃદય મારાથી
ખરેખર દૂર છે.
7તેમની ભક્તિ નિરર્થક છે; કારણ, માણસોએ ઘડેલા રિવાજો જાણે કે ઈશ્વરના નિયમો હોય તેમ તેઓ શીખવે છે!’
8ઈશ્વરની આજ્ઞાઓ અવગણીને તમે માણસોના રિવાજોને આધીન થાઓ છો.”
9વળી, ઈસુએ કહ્યું, “તમારા પોતાના રિવાજોને પાળવાને માટે અને ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરવાને માટે તમારી પાસે ગજબની યુક્તિ છે. 10મોશેએ આજ્ઞા આપી, ‘તારાં માતાપિતાને માન આપ,’ વળી, ‘પોતાનાં માતાપિતાની વિરુદ્ધ દુષ્ટ વાતો કહેનારને મારી નાખવો જોઈએ.’ 11પણ તમે એવું શીખવો છો કે જો કોઈ માણસ પાસે પોતાનાં માતાપિતાને મદદ કરવા માટે કંઈ હોય, પણ તે કહે, ‘આ તો કુરબાન છે’ એટલે કે ઈશ્વરને અર્પિત થઈ ગયેલું છે, 12તો તમે તેને તેનાં માતાપિતાને માટે કંઈ ન કરવા દેવાની છૂટ આપો છો! 13આમ, બીજાઓને તમે જે રિવાજો શીખવો છો, તે દ્વારા તમે ઈશ્વરના નિયમોને નિરર્થક કરો છો. અને એવું તો તમે ઘણું કરો છો.”
વાસ્તવિક અશુદ્ધતા
(માથ. 15:10-20)
14પછી ઈસુએ ફરી જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે બધા મારું સાંભળો અને સમજો. 15બહારથી કોઈપણ વસ્તુ માણસના પેટમાં જઈને તેને અશુદ્ધ કરી શક્તી નથી; પણ જે બાબતો માણસના દયમાંથી બહાર આવે છે તે તેને અશુદ્ધ કરે છે. 16[જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો].
17જનસમુદાયને મૂકીને તે ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ તેમને એ ઉદાહરણ વિષે પૂછયું. 18ઈસુએ તેમને કહ્યું, “બીજાની જેમ તમને હજુ પણ સમજ પડતી નથી! બહારથી માણસના પેટની અંદર જતું કંઈપણ માણસને અશુદ્ધ કરતું નથી. 19કારણ, તે તેના હૃદયમાં નહિ, પણ પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારનો ખોરાક ખાવાલાયક ઠરાવ્યો.
20વળી, તેમણે કહ્યું, “માણસના દયમાંથી જે બહાર આવે છે તે જ માણસને અશુદ્ધ કરે છે. 21કારણ, અંદરથી, એટલે માણસના દયમાંથી આવતા દુષ્ટ વિચારો તેને છિનાળાં, લૂંટ, ખૂન, 22વ્યભિચાર, લોભ, અને સર્વ પ્રકારનાં ભૂંડાં કામો કરવા પ્રેરે છે; કપટ, ક્માતુરપણું, ઈર્ષા, નિંદા, અભિમાન અને મૂર્ખાઈ: 23આ બધી ભૂંડી બાબતો માણસના દયમાંથી આવે છે, અને તેને અશુદ્ધ બનાવે છે.”
બિનયહૂદી સ્ત્રીનો વિશ્વાસ
(માથ. 15:21-28)
24પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર શહેરની પાસેના પ્રદેશમાં ગયા. તે એક ઘરમાં ગયા, અને પોતે ત્યાં છે એવું કોઈ જાણે તેમ તે ઇચ્છતા ન હતા; પણ તે છૂપા રહી શક્યા નહિ. 25એક સ્ત્રીની પુત્રીને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તેણે ઈસુ વિષે સાંભળ્યું અને તરત જ તેમની પાસે આવીને તેમને પગે પડી. 26તે સ્ત્રી બિનયહૂદી હતી અને સિરિયાના ફિનીકિયાની વતની હતી. તેણે પોતાની પુત્રીમાંથી દુષ્ટાત્મા કાઢવા ઈસુને આજીજી કરી.
27પણ ઈસુએ જવાબ આપ્યો, “પ્રથમ છોકરાંને ખાવા દે; કારણ, છોકરાંની રોટલી કૂતરાંને નાખવી ઉચિત નથી.”
28તેણે જવાબ આપ્યો. “હા પ્રભુ, એ સાચું, છતાં કૂતરાં પણ છોકરાંએ મેજ નીચે નાખી દીધેલા ટુકડા ખાય છે!”
29તેથી ઈસુએ તેને કહ્યું, “તારા આ જવાબને કારણે તું તારે ઘેર જા; તારી પુત્રીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે!” 30તે પોતાને ઘેર ગઈ અને જોયું તો તેની પુત્રી પથારીમાં સૂતેલી હતી; તેનામાંથી દુષ્ટાત્મા ખરેખર નીકળી ગયો હતો.
ઈસુ એક બહેરા-બોબડા માણસને સાજો કરે છે
31પછી ઈસુ તૂરની નજીકનો પ્રદેશ મૂકીને સિદોન ગયા અને દસનગરના પ્રદેશમાં થઈને ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા. 32કેટલાક લોકો તેમની પાસે એક બહેરા-બોબડા માણસને લાવ્યા, અને તેના પર હાથ મૂકવા ઈસુને વિનંતી કરી. 33તેથી ઈસુ તેને એકલાને જનસમુદાયમાંથી લઈ ગયા, પોતાની આંગળીઓ પેલા માણસના કાનમાં ઘાલી અને થૂંકીને એ માણસની જીભને સ્પર્શ કર્યો. 34પછી ઈસુએ આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો તથા એ માણસને કહ્યું, “એફફાથા,” અર્થાત્ “ઊઘડી જા.”
35તરત જ એ માણસના કાન ઊઘડી ગયા, તેની જીભ ચોંટી જતી અટકી, અને તે સ્પષ્ટ રીતે બોલવા લાગ્યો. 36પછી ઈસુએ બધા લોકોને આજ્ઞા કરી કે કોઈને આ વાત કહેશો નહિ. પણ જેમ જેમ તેમણે વધારે તાકીદ કરી તેમ તેમ લોકોએ તેમના સંબંધી વિશેષ જાહેરાત કરી. 37જેમણે સાંભળ્યું તેઓ આશ્ર્વર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે! તે તો બહેરાંને સાંભળતાં અને મૂંગાંને બોલતાં કરે છે!”

Currently Selected:

માર્ક 7: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for માર્ક 7