YouVersion Logo
Search Icon

માર્ક 9

9
1વળી, તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું: અહીં આગળ કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરના રાજને પરાક્રમથી આવેલું નહિ જુએ ત્યાં સુધી મરવાના નથી.”
દિવ્યરૂપ દર્શન
(માથ. 17:1-13; લૂક. 9:28-36)
2છ દિવસ પછી ઈસુ માત્ર પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર એક્ંતમાં ગયા. તેઓ જોતા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, 3અને તેમનાં વસ્ત્ર અતિ ઉજ્જવળ અને સફેદ બન્યાં; એવાં સફેદ કે દુનિયામાંનો કોઈ ધોબી એવાં સફેદ ધોઈ શકે જ નહિ. 4પછી એ ત્રણ શિષ્યોએ એલિયા અને મોશેને ઈસુની સાથે વાતો કરતા જોયા 5પિતર ઈસુને સંબોધતાં બોલી ઊઠયો, “ગુરુજી, આપણે અહીં છીએ એ સારું છે. અમે ત્રણ તંબુ બનાવીશું: એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.” 6કારણ, શિષ્યો એટલા બધા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સૂઝયું નહિ.
7એક વાદળે આવીને તેમના પર છાયા કરી, અને વાદળમાંથી આકાશવાણી સંભળાઈ, “આ મારો પ્રિય પુત્ર છે; તેનું સાંભળો.” 8તેમણે તરત જ આજુબાજુ જોયું, પણ માત્ર ઈસુ સિવાય પોતાની સાથે બીજા કોઈને જોયા નહિ.
9તેઓ પર્વત પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા આપી, “તમે જે જોયું છે તે અંગે માનવપુત્ર મરણમાંથી સજીવન થાય નહિ ત્યાં સુધી કોઈને કહેતા નહિ.”
10તેમણે તેમની આજ્ઞા તો માની, પણ “મરણમાંથી સજીવન થવું એટલે શું” એ બાબતની તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. 11અને તેમણે ઈસુને પૂછયું, “એલિયાએ પહેલાં આવવું જોઈએ તેવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ કહે છે?”
12ઈસુએ તેમને કહ્યું, “સર્વ બાબતોની પૂર્વ તૈયારીને માટે ખરેખર એલિયા પહેલો આવે છે; પણ માનવપુત્રે ઘણું દુ:ખ સહન કરવું અને તિરસ્કાર પામવો જોઈએ એવું ધર્મશાસ્ત્ર કેમ કહે છે? 13છતાં હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યો છે, અને શાસ્ત્રમાં જેમ લખ્યું છે તેમ તેઓ તેની સાથે મનફાવે તેમ વર્ત્યા છે.”
પ્રાર્થનાનું સામર્થ્ય
(માથ. 17:14-21; લૂક. 9:37-43અ)
14જ્યારે તેઓ બાકીના શિષ્યોને મળ્યા, ત્યારે તેમણે તેમની આસપાસ લોકોનું મોટું ટોળું જોયું. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો શિષ્યોની સાથે વિવાદ કરતા હતા. 15ઈસુને જોતાંની સાથે લોકો ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને દોડીને તેમને પ્રણામ કર્યા. 16ઈસુએ પોતાના શિષ્યોને પૂછયું, “તમે તેમની સાથે શી ચર્ચા કરો છો?”
17ટોળામાંથી એક માણસ બોલ્યો, “ગુરુજી, મારા દીકરાને હું તમારી પાસે લાવ્યો છું. તેને દુષ્ટાત્મા વળગેલો છે અને તે તેને બોલવા દેતો નથી. 18દુષ્ટાત્મા તેના પર હુમલો કરે છે, ત્યારે તે તેને જમીન પર પછાડે છે અને તેના મોંમાંથી ફીણ નીકળે છે. તે તેના દાંત કચકચાવે છે અને આખું શરીર અક્કડ થઈ જાય છે. મેં તમારા શિષ્યોને દુષ્ટાત્મા કાઢવા વિનંતી કરી, પણ તેઓ કાઢી શક્યા નહિ.”
19ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!”
20તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, ઈસુને જોતાંની સાથે જ દુષ્ટાત્માએ છોકરાને તાણ આણી; તેથી તે જમીન પર પડી જઈ મોંમાંથી ફીણ કાઢતો આળોટવા લાગ્યો. 21ઈસુએ છોકરાના પિતાને પૂછયું, “આને આવું ક્યારથી થાય છે?”
તેણે જવાબ આપ્યો, “બાળપણથી જ. 22તેણે એને ઘણી વાર આગમાં અને પાણીમાં ફેંકી દઈ મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારાથી બની શકે તો અમારા પર કૃપા કરી અમને મદદ કરો!”
23ઈસુએ કહ્યું, “‘જો તમારાથી બની શકે તો!’ વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શકાય છે.”
24છોકરાનો પિતા બોલી ઊઠયો, “હું વિશ્વાસ તો રાખું છું, પણ તે આૂરો છે. મારો વિશ્વાસ વધારો.”
25ઈસુએ ટોળાને તેમની તરફ ઝડપથી ધસી આવતું જોયું, તેથી તેમણે દુષ્ટાત્માને હુકમ કરતાં કહ્યું, “બહેરા અને મૂંગાં બનાવનાર આત્મા, હું તને હુકમ કરું છું કે તું છોકરામાંથી બહાર નીકળી જા, અને ફરી કદી તેનામાં પ્રવેશ ન કર!”
26દુષ્ટાત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાખ્યો અને બહાર નીકળી ગયો. છોકરો મરેલા જેવો દેખાયો; જેથી બધા કહેવા લાગ્યા, “તે તો મરી ગયો!” 27પણ ઈસુએ છોકરાનો હાથ પકડીને તેને ઊભો કર્યો એટલે તે ઊભો થયો.
28ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ ખાનગીમાં પૂછયું, “અમે એ દુષ્ટાત્માને કેમ કાઢી ન શક્યા?”
29ઈસુએ જવાબ આપ્યો, “આ જાતના દુષ્ટાત્માઓ માત્ર પ્રાર્થના#9:29 કેટલીક હસ્તપ્રતોમાં “પ્રાર્થના તથા ઉપવાસ દ્વારા જ” એવો પાઠ છે. દ્વારા જ કાઢી શકાય છે; બીજા કોઈ ઉપાયથી નહિ.”
ઈસુના મરણની બીજી આગાહી
(માથ. 17:22-23; લૂક. 9:43-45)
30ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને પસાર થતા હતા. પોતે ક્યાં છે એવું કોઈ ન જાણે એવી ઈસુની ઇચ્છા હતી. 31કારણ, તે પોતાના શિષ્યોને શીખવતા હતા, “માનવપુત્રની ધરપકડ કરાવવામાં આવશે અને ધરપકડ કરનારાઓ તેમને મારી નાખશે; છતાં ત્રણ દિવસ પછી તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે.”
32એ વાત શિષ્યો સમજી શક્યા નહિ; છતાં તેમને કંઈ પણ પૂછવાની તેમની હિંમત ચાલી નહિ.
સૌથી મોટું કોણ?
(માથ. 18:1-5; લૂક. 9:46-48)
33તેઓ કાપરનાહૂમમાં આવી પહોંચ્યા, અને ઘરમાં ગયા પછી ઈસુએ તેમના શિષ્યોને પૂછયું, “રસ્તે ચાલતાં તમે શાની ચર્ચા કરતા હતા?”
34પણ તેમણે તેમને કશો જવાબ આપ્યો નહિ; કારણ, તેઓ રસ્તે ચાલતાં તેમનામાં સૌથી મોટું કોણ એ અંગે અંદરોઅંદર ચર્ચા કરતા હતા. 35ઈસુ બેઠા અને પોતાના બારે શિષ્યોને બોલાવીને કહ્યું, “તમારામાં જે પ્રથમ થવા માગે તેણે પોતાને સૌથી છેલ્લો રાખવો અને બધાના સેવક થવું.” 36તેમણે એક બાળકને લઈને તેમની આગળ ઊભું રાખ્યું. પછી તેને બાથમાં લઈને તેમને કહ્યું, 37“જે કોઈ મારે નામે આવા બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે મારો સ્વીકાર કરે છે, તે માત્ર મારો જ નહિ, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
આપણા પક્ષનો કોણ?
(લૂક. 9:49-50)
38યોહાને તેમને કહ્યું, “ગુરુજી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે આપણા પક્ષનો નહિ હોવાથી અમે તેને તેમ કરતાં અટકાવ્યો.”
39ઈસુએ તેમને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, કોઈપણ માણસ મારે નામે ચમત્કાર કર્યા પછી તરત જ મારી વિરુદ્ધ ભૂંડી વાતો બોલી શક્તો નથી. 40કારણ, જે આપણી વિરુદ્ધનો નથી, તે આપણા પક્ષનો છે. 41હું તમને સાચે જ કહું છું: તમે ખ્રિસ્તના શિષ્ય હોવાથી જે કોઈ તમને પાણીનો પ્યાલો આપશે, તે તેનો બદલો જરૂર પામશે.”
પાપમાં પાડનાર પ્રલોભનો
(માથ. 18:6-9; લૂક. 17:1-2)
42“વળી, આ નાનાઓમાંના કોઈને જો કોઈ મારા પરના તેના વિશ્વાસથી ડગાવી દે, તો એ કરતાં એ માણસને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે. 43તેથી જો તારો હાથ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ! 44બે હાથ લઈ નરકમાં જવું જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી, એ કરતાં ઠૂંઠા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે. 45અને જો તારો પગ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ! બે પગ લઈ નરકમાં નંખાવું, 46જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી તે કરતાં લંગડા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે. 47અને જો તારી આંખ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાઢી નાખ! બે આંખ લઈને નરકમાં નંખાવું, 48જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી તે કરતાં કાણા થઈ ઈશ્વરના રાજમાં દાખલ થવું, 49એ તારે માટે સારું છે.
50“કારણ, દરેક જણની અગ્નિ દ્વારા પરીક્ષા થશે. મીઠું તો ઉપયોગી છે; પણ જો તે તેની ખારાશ ગુમાવે તો તેને કેવી રીતે ખારું કરી શકાય? તમારામાં મીઠું રાખો, અને એકબીજા સાથે શાંતિમાં રહો.”

Currently Selected:

માર્ક 9: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in