પ્રેરિતોનાં કૃત્યો 1
1
લૂક બીજુ પુસ્તક લખે છે
1વહાલા થિયોફિલ,
મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. 2મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. 3આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. 4એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. 5યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે
6બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”
7ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. 8પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
9પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”
એક નવા પ્રેરિતની પસંદગી
12પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.) 13તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.
14બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.
15થોડા દિવસ પછી વિશ્વાસીઓની એક સભા મળી. (ત્યાં તેમાનાં લગભગ 120 હાજર હતા.) પિતરે ઊભા થઈને કહ્યું, 16-17“ભાઈઓ, શાસ્ત્રવચનોમાં પવિત્ર આત્માએ દાઉદ દ્ધારા કહ્યું કે કંઈક થવાની જરુંર છે. તે આપણા સમૂહમાનાં એક યહૂદા વિષે કહેતો હતો. યહૂદા આપણી સાથે સેવામાં ભાગીદાર હતો. આત્માએ કહ્યું કે ઈસુને પકડવા માટે યહૂદા માણસોને દોરશે.”
18(યહૂદાને આ દુષ્ટ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. તેના પૈસા તેના માટે ખેતર ખરીદવામાં વપરાયા. પણ યહૂદા ઊંધે મસ્તકે પટકાયો, અને તેનું શરીર ફાટી ગયું. તેનાં બધાં આંતરડાં બહાર નીકળી ગયાં. 19યરૂશાલેમના બધા લોકોએ આ વિષે જાણ્યું. તેથી તેઓએ તે ખેતરનું નામ હકેલ્દમા રાખ્યું. તેઓની ભાષામાં હકેલ્દમાનો અર્થ, “લોહીનું ખેતર” થાય છે.)
20પિતરે કહ્યું, “ગીતશાસ્ત્રના પુસ્તકમાં યહૂદા વિષે આમ લખેલું છે:
‘તેની જમીન નજીક લોકોએ જવું નહિ;
ત્યાં કોઇએ રહેવું નહિ!’#ગી.શા. 69:25.
અને એમ પણ લખેલું છે:
‘તેનું કામ બીજો કોઇ માણસ લે.’#ગી.શા. 109:8.
21-22“તેથી હવે બીજા કોઈ માણસે આપણી સાથે જોડાવું જોઈએ અને ઈસુના પુનરુંત્થાનના સાક્ષી થવું જોઈએ. આ માણસ પેલા માણસોમાંનો એક હોવો જોઈએ. જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે હતો ત્યારે બધા જ સમય દરમ્યાન આપણા સમૂહનો ભાગ હતો, જ્યારથી યોહાને લોકોને બાપ્તિસ્મા આપવાનું શરૂ કર્યુ, ત્યારથી ઈસુને આપણી પાસેથી આકાશમાં લઈ જવાયો ત્યાં સુધી આ માણસ આપણી સાથે હોવો જોઈએ.”
23પ્રેરિતોએ બે માણસોને સમૂહની આગળ ઊભા કર્યા. એક હતો યૂસફ બર્સબા, તે યુસ્તસના નામથી ઓળખતો અને બીજો માણસ હતો માથ્થિયાસ. 24-25પ્રેરિતોએ પ્રાર્થના કરી, “પ્રભુ, તું પ્રત્યેક માણસોના મનોને જાણે છે. આ બેમાંથી તું આ કામ કરવા માટે કોને પસંદ કરે છે તે દર્શાવ. યહૂદા ભટકી જઈને જ્યાં જવાનો હતો ત્યાં ગયો. પ્રભુ, કયા માણસે પ્રેરિત તરીકે તેની જગ્યા લેવી જોઈએ તે બતાવ.” 26પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 1: GERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International