Logo YouVersion
Ikona vyhledávání

ઉત્પત્તિ 40

40
યૂસફ જેલમાં પાત્રવાહક અને ભઠિયારાનાં સ્વપ્નના ખુલાસા કરી બતાવે છે
1એ વાતો પછી એમ થયું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. 2અને ફારુન તેના બન્‍ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય ભઠિયારા પર કોપાયમાન થયો. 3અને જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યાં.
4અને પહેરેગીરોના ઉપરીએ યૂસફને તેઓનો ખિજમતગાર નીમ્યો, ને તેણે તેઓની સેવા કરી; અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા. 5અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠિયારો જે જેલમાં કેદી હતા તે બન્‍ને માણસોને એક જ રાત્રે, તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં. 6અને યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા, ત્યારે જુઓ, તેઓ ઉદાસ હતા. 7અને ફારુનના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછયું, “આજે તમે કેમ ઉદાસ દેખાઓ છો?” 8અને તેઓએ તેને કહ્યું, “અમને સ્વપ્ન આવ્યું હતું, ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી.” અને યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો.”
9અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યૂસફને જણાવીને કહ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષાવેલો દેખાયો. 10અને દ્રાક્ષાવેલાને ત્રણ ડાળીઓ હતી; અને તેઓને જાણે કળીઓ આવી, ને મોર ખીલ્યો; અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી: 11અને ફારુનનું પ્યાલું મારા હાથમાં હતું; અને મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવી કાઢીને પ્યાલું ફારુનના હાથમાં આપ્યું.” 12અને યૂસફે તેને કહ્યું, “એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.
13ત્રણ દિવસમાં ફારુન તમારું માથું ઊંચું કરશે, ને તમને પાછા તમારા કામ પર રાખશે. અને તેના પાત્રવાહક હતા ત્યારનીઇ રીત‍ પ્રમાણે તમે ફારુનનું પ્યાલું તેના હાથમાં આપશો. 14પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભારજો, ને મારા પર દયા રાખજો, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજો. 15કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં કેદમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી.”
16અને મુખ્ય ભઠિયારાએ જોયું કે અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું, ને જુઓ, મારા માથા પર સફેદ રોટલી ભરેલી ત્રણ ટોપલી હતી. 17અને ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં; અને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ તે ખાતાં હતાં.” 18અને યૂસફે ઉત્તર આપ્યો, “એનો અર્થ એ છે કે ત્રણ ટોપલી તે ત્રણ દિવસ છે. 19અને ત્રણ દિવસમાં ફારુન તમારું માથું તમારા પરથી ઊંચકી લેશે, ને તમને ઝાડ પર ટાંગશે, અને પક્ષીઓ તમારા પરથી તમારું માંસ ચૂંટી ખાશે.” 20અને ત્રીજે દિવસે, એટલે ફારુનની વર્ષગાંઠને દિવસે, એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી; અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકને તથા મુખ્ય ભઠિયારાને ફેંસલા માટે છૂટ કર્યાં. 21અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પાત્રવાહકની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પાત્ર આપ્યું. 22અને યૂસફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી આપી. 23અને મુખ્ય પાત્રવાહકે યૂસફને સંભાર્યો નહિ, પણ તેને ભૂલી ગયો.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas