Logo YouVersion
Ikona vyhledávání

યોહાન 3

3
ઈસુ અને નિકોદેમસ
1ફરોશીઓમાં નિકોદેમસ નામે એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. 2તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”
3ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું, “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી’ 4નિકોદેમસ તેમને કહે છે, “માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજીવાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે?”
5ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને ખચીત ખચીત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય, તો ઈશ્વરના રાજ્યમાં તે જઈ શકતું નથી. 6જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. 7મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. 8વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એ તું નથી જાણતો. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.”
9નિકોદેમસે તેમને કહ્યું, “એ વાતો કેમ બની શકે?”
10ઈસુએ તેને કહ્યું, “તું ઇઝરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? 11હું તને ખચીત ખચીત કહું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ. પણ તમે અમારી સાક્ષી માનતા નથી. 12જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? 13આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું. 14જેમ #ગણ. ૨૧:૯. મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. 15એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંતજીવન પામે. 16કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે. 17કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ તેમનાથી જગતનું તારણ થાય, તે માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે.
18તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ઠરી ચૂકયો છે, કેમ કે ઈશ્વરના એકના એક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. 19અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં. 20કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. 21પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત
22એ પછી ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા દેશમાં આવ્યા; ત્યાં તેઓની સાથે રહીને તે [લોકોને] બાપ્તિસ્મા આપતા હતા. 23યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24કેમ કે #માથ. ૧૪:૩; માર્ક ૬:૧૭; લૂ. ૩:૧૯-૨૦. હજી સુધી યોહાન કેદખાનામાં નંખાયો ન હતો.
25તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઈએક યહૂદી સાથે શુદ્ધીકરણ વિષે વાદવિવાદ થયો. 26તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું, “રાબ્બી, જે તમારી સાથે યર્દનને પેલે પાર હતા. જેને વિષે તમે સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા કરે છે અને બધાં તેમની પાસે આવે છે.”
27યોહાને કહ્યું, “જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી. 28તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું કે, #યોહ. ૧:૨૦. હું તે ખ્રિસ્ત નથી, પણ તેમની આગળ મોકલાયેલો છું. 29જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. 30તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ અવશ્યનું છે.
આકાશથી ઊતરી આવેલો
31જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે. જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે, અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર‌ છે. 32તેણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેની સાક્ષી કોઈ માનતું નથી. 33જેણે તેની સાક્ષી માની છે, તેણે ઈશ્વર ખરો છે, એ વાત પર મહોર મારી છે. 34કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા. 35પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે #માથ. ૧૧:૨૭; લૂ. ૧૦:૨૨. બધું તેમના હાથમાં સોપ્યું છે. 36દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.”

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas