Logo YouVersion
Eicon Chwilio

ઉત્પત્તિ 10

10
નૂહના પુત્રોના વંશજો
(૧ કાળ. 1:5-23)
1નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથના વંશજો આ છે. જળપ્રલય પછી તેમને એ પુત્રો થયા.
2યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.
3ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્મા.
4યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ. 5તેઓ દરિયાકાંઠે વસેલા અને સમુદ્ર મધ્યેના ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો છે. યાફેથના વંશજો પોતપોતાનાં ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્યા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.
6હામના પુત્રો: કુશ, મિસરાઈમ, પુટ અને કનાન.
7કુશના પુત્રો: સેબા, હવીલા, સાબ્ના, રાઅમા અને સાબ્તેકા. રાઅમાના પુત્રો: શબા અને દદાન. 8કુશના એક પુત્રનું નામ નિમ્રોદ હતું. આ નિમ્રોદ દુનિયાનો સૌપ્રથમ મહાન યોદ્ધો હતો. 9વળી, તે પ્રભુ સમક્ષ મહાન શિકારી હતો; તેથી લોકો કહે છે: “પ્રભુ સમક્ષ નિમ્રોદ જેવો મહાન શિકારી કોણ?” 10શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં. 11-12નિમ્રોદ ત્યાંથી નીકળીને આશ્શૂર ગયો. ત્યાં તેણે નિનવે, રેહોબોથ-ઈર, કાલા તેમ જ નિનવે અને કાલાની વચ્ચે આવેલ મહાનગરી રેસેન વિગેરે શહેરો બાંધ્યાં.
13-14લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, પાથરૂસીમ, કાસ્લુહીમ (તેના વંશજો પલિસ્તીઓ છે) તથા કાફતોરીમ#10:13-14 કાફતોરીમ: ક્રિત ટાપુના લોકો; પલિસ્તીઓ તેમના વંશજો ગણાય છે. લોકોનો પિતા મિસરાઈમ હતો.
15કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો: 16-18યબૂસી, અમોરી, ગીર્ગાશી, હિવ્વી, આર્કી, સીની, આરવાદી, સમારી અને હમાથી હતા. તેમનાથી કનાનની વિવિધ જાતિઓ વિસ્તાર પામી. 19કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી. 20આ હામના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસતા હતા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.
21શેમ હેબેરના સર્વ વંશજોનો પૂર્વજ હતો. વળી, તે યાફેથનો મોટો ભાઈ હતો. તેને પણ સંતાનો હતાં. 22શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ અને અરામ. 23અરામના પુત્રો: ઉઝ, હૂલ, ગેથેર અને માશ. 24આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો. 25હેબેરને બે પુત્રો હતા. એકનું નામ પેલેગ [વિભાજન] હતું. કારણ, તેના સમયમાં પૃથ્વીનું વિભાજન થયું. પેલેગના ભાઈનું નામ યોકટાન હતું. 26-29યોકટાન આ સર્વનો પિતા હતો: આલમોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા, હદોરામ, ઉઝાલ, દિકલા, ઓબાલ, અબીમાએલ, શબા, ઓફીર, હવીલા અને યોઆબ. આ બધા યોકટાનના પુત્રો હતા. 30મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલ સફાર સુધી તેમના વસવાટનો દેશ હતો. 31આ સર્વ શેમના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે, પોતપોતાની જાતિ પ્રમાણે અને પોતપોતાની આગવી ભાષા પ્રમાણે જુદા જુદા દેશમાં વસતા હતા.
32આ સર્વ પોતપોતાની જાતિ પ્રમાણે નૂહના વંશજો હતા અને જળપ્રલય પછી તેમનામાંથી જ પૃથ્વી પરની વિવિધ પ્રજાઓ અલગ પડી.

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda