લૂક 10
10
ઈસુ સિત્તેરને મોકલે છે
1આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાના હતા, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2તેમણે તેઓને કહ્યું, #માથ. ૯:૩૭-૩૮. “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે. 3ચાલ્યા જાઓ; #માથ. ૧૦:૧૬. જુઓ, હું તમને વરુઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા મોકલું છું. 4#માથ. ૧૦:૭-૧૪; માર્ક ૬:૮-૧૧; લૂ. ૯:૩-૫. થેલી કે જોડા લેતા ના; અને માર્ગે કોઈને પણ સલામ કરતા ના. 5વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ 6જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે. 7તે ને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતાપીતા રહો. કેમ કે #૧ કોરીં. ૯:૧૪; ૧ તિમ. ૫:૧૮. મજૂર પોતાના પગારને યોગ્ય છે. ઘેરઘેર જતા ના. 8જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ. 9તેમાંનાં માંદાઓને સાજાં કરો, અને તેઓને કહો કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. 10પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર ન કરે, તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે, 11#પ્રે.કૃ. ૧૩:૫૧. તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી સામે ખંખેરી નાખીએ છીએ. તોપણ એટલું જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12#માથ. ૧૦:૧૫. હું તમને કહું છું કે, #ઉત. ૧૯:૨૪-૨૮; માથ. ૧૧:૨૪. તે દિવસે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.”
નઠોર ગામોને શ્રાપ
(માથ. ૧૧:૨૦-૨૪)
13ઓ ખોરાજીન, તને હાયહાય! ઓ બેથસાઈદા, તને હાયહાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયાં છે, તે જો #યશા. ૨૩:૧-૧૮; હઝ. ૨૬:૧; ૨૮:૨૬; યોએ. ૩:૪-૮; આમો. ૧:૯-૧૦; ઝખ. ૯:૨-૪. તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ક્યારનોયે ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. 14તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. 15વળી, #યશા. ૧૪:૧૩-૧૫. ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે. 16#માથ. ૧૦:૪૦; માર્ક ૯:૩૭; લૂ. ૯:૪૮; યોહ. ૧૩:૨૦. જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.”
આનંદ કરતાં પાછા ફરેલા સિત્તેર શિષ્યો
17તે સિત્તેર હરખાતા હરખાતા પાછા આવ્યા, અને તેઓએ કહ્યું, “પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયા છે.” 18તેમણે તેઓને કહ્યું, “મેં શેતાનને વીજળીની જેમ આકાશમાંથી પડેલો જોયો. 19જુઓ, #ગી.શા. ૯૧:૧૩. મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો, તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. અને તમને કશાથી પણ ઈજા થશે નહિ. 20પરંતુ આત્માઓ તમારે તાબે થયા, તેને લીધે હરખાઓ નહિ, પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.”
ઈસુ હરખાય છે
(માથ. ૧૧:૨૫-૨૭; ૧૩:૧૬-૧૭)
21તે જ સમયે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા, પિતા, કેમ કે એ તમને સારું લાગ્યું. 22#યોહ. ૩:૩૫. મારા પિતાએ મને બધું સોપ્યું છે; અને #યોહ. ૧૦:૧૫. દીકરો કોણ છે, એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી; તેમ જ પિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.” 23તેમણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું, “તમે જે જુઓ છો, તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે! 24કેમ કે હું તમને કહું છું કે, તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા, પણ તેઓ તે જોવા પામ્યા નહિ! અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા, પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ!”
ભલા સમરૂનીનું દ્દષ્ટાંત
25જુઓ, #માથ. ૨૨:૩૫-૪૦; માર્ક ૧૨:૨૮-૩૪. એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું, “ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?” 26તેમણે તેને પૂછ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?” 27તેણે ઉત્તર આપ્યો, #પુન. ૬:૫. “તારા ઈશ્વર પ્રભુ પર તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો. અને #લે. ૧૯:૧૮. જેવો પોતાના પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો].” 28તેમણે તેને કહ્યું, “તેં ઠીક ઉત્તર આપ્યો છે. #લે. ૧૮:૫. એમ કર, એટલે તું જીવશે.” 29પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઇચ્છા રાખીને ઈસુને કહ્યું, “મારો પડોશી કોણ છે?”
30ઈસુએ ઉત્તર આપ્યો, “એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. 31સંજોગવશાત એક યાજક તે માર્ગે થઈને જતો હતો. અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. 32એમ જ એક લેવી પણ તે સ્થળે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. 33પણ એક સમરૂની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો; અને તેને જોઈને તેને કરુણા આવી. 34તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું, ‘એની સારવાર કરજે; અને એ કરતાં જે કંઈ વધારે ખરચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ.’ 36હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો?” 37તેણે તેમને કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ તેને કહ્યું, “તું જઈને એ પ્રમાણે કર.”
ઈસુ માર્થા અને મરિયમના ઘેર
38તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં પેઠા; અને #યોહ. ૧૧:૧. માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેમને પરોણા રાખ્યા. 39મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. 40પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? તેથી તેને કહો કે તે મને સહાય કરે.” 41પણ પ્રભુએ તેને કહ્યું, “માર્થા, માર્થા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે! 42પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.
Επιλέχθηκαν προς το παρόν:
લૂક 10: GUJOVBSI
Επισημάνσεις
Κοινοποίηση
Αντιγραφή
Θέλετε να αποθηκεύονται οι επισημάνσεις σας σε όλες τις συσκευές σας; Εγγραφείτε ή συνδεθείτε
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.