Λογότυπο YouVersion
Εικονίδιο αναζήτησης

લૂક 14

14
ફરોશીઓને ઉપદેશ
1ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામવારે તે રોટલી ખાવા ગયા, ત્યારે તેઓ તેમના પર તાકી રહ્યા હતા. 2એક માણસ તેમની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો. 3ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું, “વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહિ?” 4પણ તેઓ છાના રહ્યા. તેમણે તેને અડકીને સાજો કર્યો, અને તેને રવાના કર્યો. 5તેમણે તેઓને કહ્યું, #માથ. ૧૨:૧૧. “તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય, તો વિશ્રામવારે તે તેને તરત નહિ કાઢે શું?” 6એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
નમ્રતા, ગર્વ અને પરોણાચાકરી
7નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું, 8#નીતિ. ૨૫:૬-૭. “કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર ન બેસ; રખેને તારા કરતાં કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય, 9અને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે, “એને જગા આપ.’ ત્યારે તારે લજવાઈને સહુથી નીચી જગાએ બેસવું પડશે. 10પણ કોઈ તને નોતરે ત્યારે સહુથી નીચી જગાએ જઈને બેસ; કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે, ‘મિત્ર, ઉપર આવ.’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. 11કેમ કે #માથ. ૨૩:૧૨; લૂ. ૧૮:૧૪. જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”
12જેણે તેમને નોતર્યા હતા તેને પણ તેમણે કહ્યું, “જ્યારે તમે દિવસનું કે રાતનું ખાણું આપો, ત્યારે તમારાં મિત્રોને, તમારા ભાઈઓને, તમારા સગાંઓને કે શ્રીમંત પડોશીઓને ન બોલાવો; રખને તેઓ પણ તમને પાછા નોતરે, અને તમને બદલો મળે. 13પણ જ્યારે તમે મિજબાની આપો ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવો. 14તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”
રાતના ખાણાનું દ્દષ્ટાંત
(માથ. ૨૨:૧-૧૦)
15એ વાત સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેમને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે!” 16પણ તેમણે તેને કહ્યું, “કોઈએક માણસે રાતનું મોટું ખાણું કર્યું, અને ઘણાને નોતર્યાં. 17વાળુ વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ આપવા મોકલ્યો, કે, ‘ચાલો; હમણાં બધું તૈયાર [થયું] છે.’ 18સર્વ એક મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે, મને માફ કર.’ 19બીજાએ તેને ક્‍હ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું; હું તને વિનંતી કરું છું કે, તું મને માફ કર.’ 20બીજાએ કહ્યું કે, ‘હું સ્‍ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહિ.’ 21પછી તે દાસે આવીને પોતાના ધણીને એ વાતો કહી ત્યારે ઘરધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલદી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને, તથા લંગડાઓને અહીં તેડી લાવ.’ 22તે દાસે કહ્યું કે, ‘સાહેબ, આપના હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ જગા છે.’ 23ધણીએ દાસને કહ્યું કે, ‘સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે, મારું ઘર ભરાઈ જાય.’ 24કેમ કે હું તમને કહું છું કે, પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહિ.’”
શિષ્યપણાની કિંમત
(માથ. ૧૦:૩૭-૩૮)
25હવે ઘણા લોકો તેમની સાથે જતા હતા, તેઓને તેમણે પાછા ફરીને કહ્યું, 26#માથ. ૧૦:૩૭. “જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27#માથ. ૧૦:૩૮; ૧૬:૨૪; માર્ક ૮:૩૪; લૂ. ૯:૨૩. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી. 28કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે. 30અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ. 31અથવા ક્યો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતાં પહેલાં બેસીને વિચાર નહિ કરે કે, જે વીસ હજાર [સૈનિકો] લઈને મારી સામે આવે છે, તેની સામે હું દશ હજારથી થઈ શકીશ કે નહિ? 32નહિ તો બીજો હજી ઘણે વેગળે છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિષે પૂછશે. 33તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
બેસ્વાદ મીઠું
(માથ. ૫:૧૩; માર્ક ૯:૫૦)
34મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરી શકાય? 35જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી. પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”

Επιλέχθηκαν προς το παρόν:

લૂક 14: GUJOVBSI

Επισημάνσεις

Κοινοποίηση

Αντιγραφή

None

Θέλετε να αποθηκεύονται οι επισημάνσεις σας σε όλες τις συσκευές σας; Εγγραφείτε ή συνδεθείτε