Logo de YouVersion
Icono de búsqueda

પ્રેરિતોનાં કૃત્યો 3

3
લંગડો માણસ સાજો કરાયો
1પ્રાર્થનાના સમયે, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન મંદિરમાં જતા હતા. 2એક જન્મથી લંગડા માણસને [લોકો] ઊંચકીને લઈ જતા હતા, અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માગવા માટે મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. 3તેણે પિતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી. 4ત્યારે પિતરે તથા યોહાને તેની સામે એકી નજરે જોઈને કહ્યું, “અમારી તરફ જો.” 5તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. 6પણ પિતરે કહ્યું, “સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા.” 7તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. 8તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો, તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. 9સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો. 10અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર [નામના] દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા.
મંદિરમાં પિતરનો સંદેશો
11તે [માણસ] પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો, એટલામાં બધા લોક બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. 12તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો, “ઇઝરાયલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાઓ છો? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? 13#નિ. ૩:૧૫. ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેને તમે પકડાવ્યા, અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો. 14પણ તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કર્યો, અને #માથ. ૨૭:૧૫-૨૩; માર્ક ૧૫:૬-૧૪; લૂ. ૨૩:૧૩-૨૩; યોહ. ૧૯:૧૨-૧૫. અમારે માટે એક ખૂનીને છોડી મૂકવામાં આવે એવું માગીને 15તમે જીવનના અધિકારીને મારી નાખ્યા, તેમને ઈશ્વરે મરેલાંમાંથી ઉઠાડ્યા, અને અમે તેમના સાક્ષી છીએ. 16તેમના નામ પર વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામે શક્તિમાન કર્યો; હા, તેમના પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
17હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું. 18પણ ઈશ્વરે બધા પ્રબોધકોનાં મુખદ્વારા આગળથી જે કહ્યું હતું કે, ‘તેમનો ખ્રિસ્ત દુ:ખ સહેશે, ’ તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.” 19માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે. 20અને ખ્રિસ્ત, જેને તમારે માટે ઠરાવવામાં આવ્યા છે, તેમને, એટલે ઈસુને તે મોકલે. 21ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સર્વની પુન:સ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે [એટલે ઈસુએ] રહેવું જોઈએ. 22#પુન. ૧૮:૧૫,૧૮. મૂસાએ તો કહ્યું હતું, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેનું સાંભળવું. 23#પુન. ૧૮:૧૯. જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે.’ 24વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલા પ્રબોધકો બોલ્યા છે, તે સર્વ એ પણ આ દિવસો વિષે કહ્યું છે. 25તમે પ્રબોધકોનાં સંતાન છો, અને #ઉત. ૨૨:૧૮. ‘તમારી સંતતિદ્વારા પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે, ’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેના [સંતાન] તમે છો. 26ઈશ્વરે પોતાના સેવકને ઊભા કર્યા, ને તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના [દરેકને] આશીર્વાદ આપે.”

Destacar

Compartir

Copiar

None

¿Quieres tener guardados todos tus destacados en todos tus dispositivos? Regístrate o inicia sesión