લૂક 22
22
ઈસુની વિરુદ્ધ કાવતરું
(માથ. ૨૬:૧-૫; માર્ક ૧૪:૧-૨; યોહ. ૧૧:૪૫-૫૩)
1હવે #નિ. ૧૨:૧-૨૭. બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું. 2તેમને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
(માથ. ૨૬:૧૪-૧૬; માર્ક ૧૪:૧૦-૧૧)
3યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો, જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પ્રવેશ્યો. 4તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેમને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મંત્રણા કરી. 5તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. 6તે તેણે કબૂલ કર્યું, અને લોકો હાજર ન હોય તેવે પ્રસંગે તેમને તેઓના હાથમાં સ્વાધીન કરવાની તક તે શોધી રહ્યો.
પાસ્ખાપર્વના ભોજનની તૈયારી
(માથ. ૨૬:૧૭-૨૫; માર્ક ૧૪:૧૨-૨૧; યોહ. ૧૩:૨૧-૩૦)
7બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. 8તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.” 9તેઓએ તેમને પૂછ્યું, “અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?” 10તેમણે તેઓને કહ્યું, “શહેરમાં પેસતાં પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. 11અને ઘરધણીને પૂછજો કે, ‘ઉપદેશક તમને કહે છે કે, મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?’ 12તે તમને સરસામાનસહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો.” 13તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
પ્રભુભોજન
(માથ. ૨૬:૨૬-૩૦; માર્ક ૧૪:૨૨-૨૬; ૧ કોરીં. ૧૧:૨૩-૨૫)
14વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા. 15તેમણે તેઓને કહ્યું, “ [મરણ] સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી. 16કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી.” 17તેમણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું, “આ લો, અને અંદરોઅંદર વહેંચો. 18કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય નહિ આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી.:” 19પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું, “આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો.” 20તે જ પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો #યર્મિ. ૩૧:૩૧-૩૪. નવો કરાર છે. 21પણ જુઓ, #ગી.શા. ૪૧:૯. જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. 22માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે!” 23તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, “આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?”
સૌથી મોટું કોણ? વાદવિવાદ
24 #
માથ. ૧૮:૧; માર્ક ૯:૩૪; લૂ. ૯:૪૬. “આપણામાં કોણ મોટો ગણાય છે.” તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. 25#માથ. ૨૦:૨૫-૨૭; માર્ક ૧૦:૪૨-૪૪. તેમણે તેઓને કહ્યું, “વિદેશીઓના રાજાઓ તેમના પર ધણીપણું કરે છે. અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ ‘પરોપકારી’ કહેવાય છે. 26પણ તમે એવા ન થાઓ. પણ #માથ. ૨૩:૧૧; માર્ક ૯:૩૫. તમારામાં જે મોટો હોય, તેણે નાના જેવા થવું; અને જે આગેવાન હોય, તેણે સેવા કરનારના જેવા થવું. 27કેમ કે આ બેમાં ક્યો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર [મોટો] નથી? પણ #યોહ. ૧૩:૧૨-૧૫. હું તમારામાં સેવા કરનારના જેવો છું.
28મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. 29જેમ મારા પિતાએ મને [રાજ્ય] ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું. 30કે, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. અને #માથ. ૧૯:૨૮. તમે ઇઝરાયલનાં બારે કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બેસશો.
પિતરના નકાર અંગે ઈસુની આગાહી
(માથ. ૨૬:૩૧-૩૫; માર્ક ૧૪:૨૭-૩૧; યોહ. ૧૩:૩૬-૩૮)
31સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને [કબજે લેવા] માગ્યા, 32પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.” 33તેણે તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી સાથે બંદીખાનામાં જવાને તથા મરવાને પણ તૈયાર છું.” 34તેમણે તેને કહ્યું, “પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, ‘હું તેને ઓળખતો નથી.’ એમ [કહીને] તું ત્રણ વાર મારો નકાર કરશે.”
થેલી, ઝોળી ને તરવાર રાખો
35પછી તેમણે તેઓને પૂછ્યું, #માથ. ૧૦:૯-૧૦; માર્ક ૬:૮-૯; લૂ. ૯:૩; ૧૦:૪. “જ્યારે થેલી તથા ઝોળી તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?” તેઓએ કહ્યું, “કશાની નહીં.” 36ત્યારે તેમણે તેઓને કહ્યું, “પણ હમણાં જેની પાસે થેલી હોય તે તે રાખે, અને ઝોળી પણ રાખે. અને જેની પાસે તરવાર ન હોય, તે પોતાનું વસ્ત્ર વેચીને [તરવાર] ખરીદી રાખે. 37કેમ કે હું તમને કહું છું કે, #યશા. ૫૩:૧૨. ‘અપરાધીઓની સાથે તે ગણાયો, ’ એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિષેની વાતો સાચી પડી છે.” 38તેઓએ કહ્યું, “પ્રભુ, જો બે તરવાર આ રહી.” તેણે તેઓને કહ્યું, “એ બસ છે.”
ઈસુ જૈતૂન પહાડ પર પ્રાર્થના કરે છે
(માથ. ૨૬:૩૬-૪૬; માર્ક ૧૪:૩૨-૪૨)
39બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પહાડ પર ગયા. શિષ્યો પણ તેમની પાછળ પાછળ ગયા. 40તે તે સ્થળે આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” 41આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયા; અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરીને કહ્યું, 42“હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો:તો પણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43આકાશમાંથી એક દૂત તેમને બળ આપતો દેખાયો. 44તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
45પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા. 46તેમણે તેઓને કહ્યું, “કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં ન પડો.”
ઈસુની ધરપકડ
(માથ. ૨૬:૪૭-૫૬; માર્ક ૧૪:૪૩-૫૦; યોહ. ૧૮:૩-૧૧)
47તે હજી બોલતા હતા એટલામાં તો ઘણા લોકો આવ્યા, અને યહૂદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા માટે તેમની પાસે આવ્યો. 48પણ ઈસુએ તેને પૂછ્યું, “યહૂદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે?” 49જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, “પ્રભુ, અમે તરવાર મારીએ શું?” 50તેઓમાંના એકે મુખ્ય યાજકના ચાકરને ઝટકો મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51પણ ઈસુએ ઉત્તર આપ્યો, “આટલેથી બસ.” તેમણે તેના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો. 52જે મુખ્ય યાજકો, મંદિરના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, “જેમ તમે લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું? 53#લૂ. ૧૯:૪૭; ૨૧:૩૭. હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા! પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે.”
પિતરનો નકાર
(માથ. ૨૬:૫૭-૫૮,૬૯-૭૫; માર્ક ૧૪:૫૩-૫૪,૬૬-૭૨; યોહ. ૧૮:૧૨-૧૮,૨૫-૨૭)
54તેઓ તેમને પકડીને લઈ ગયા, અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પણ પિતર છેટે રહીને તેમની પાછળ પાછળ ચાલતો હતો. 55ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા, ત્યારે પિતર તેઓની વચમાં બેઠો. 56એક છોકરીએ તેને [અગ્નિના] પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું, “આ માણસ પણ તેની સાથે હતો.”
57પણ તેણે ઈનકાર કરીને કહ્યું, “બાઈ, હું તેને ઓળખતો નથી.”
58થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું, “તું પણ તેઓમાંનો એક છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ હું [એમાંનો] નથી.” 59આશરે એક કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું, “ખરેખર આ માણસ પણ તેની સાથે હતો; કેમ કે તે ગાલીલનો છે.” 60પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” તે બોલતો હતો એવામાં તરત જ મરઘો બોલ્યો. 61પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેમણે તેને કહ્યું હતું, “આજે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે, ” એ પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું. 62પછી તે બહાર જઈને બહુ જ રડયો.
ઈસુની ઠઠ્ઠામશ્કરી અને માર
(માથ. ૨૬:૬૭-૬૮; માર્ક ૧૪:૬૫)
63જે માણસોના હવાલામાં ઈસુ હતા તેઓએ તેમની મશ્કરી કરીને તેમને માર માર્યો. 64તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેમને પૂછ્યું, “કહી બતાવ; તને કોણે માર્યો?” 65તેઓએ તેમની નિંદા કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
ઈસુ ન્યાયસભા સમક્ષ
(માથ. ૨૬:૫૯-૬૬; માર્ક ૧૪:૫૫-૬૪; યોહ. ૧૮:૧૯-૨૪)
66દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે, ભેગી થઈ, તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું, 67“જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે.” પણ તેમણે તેઓને કહ્યું, “જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી. 68અને જો હું પૂછીશ, તો તમે મને ઉત્તર આપવાના નથી. 69પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.” 70બધાએ કહ્યું, “તો શું, તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે તેઓને કહ્યું, “તમે કહો છો કે હું તે છું.” 71તેઓએ કહ્યું, “હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે? કેમ કે આપણે પોતે તેના મોંથી જ સાંભળ્યું છે.”
Actualmente seleccionado:
લૂક 22: GUJOVBSI
Destacar
Compartir
Copiar
¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.