લૂક 6
6
વિશ્રામવારના પાલન વિષે પ્રશ્ર્ન
(માથ. 12:1-8; માર્ક. 2:23-28)
1વિશ્રામવારે ઈસુ ઘઉંનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યો ડૂંડાં તોડીને હાથમાં મસળીને ખાવા લાગ્યા. 2કેટલાક ફરોશીઓએ કહ્યું, “આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારે જે કાર્ય કરવા અંગે મના કરેલી છે તે તમે કેમ કરો છો?”
3ઈસુએ તેમને જવાબ આપ્યો, “દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું તે શું તમે નથી વાંચ્યું? 4ઈશ્વરના મંદિરમાં જઈને તેણે ઈશ્વરને અર્પણ કરેલી રોટલી લઈને ખાધી, અને પોતાના સાથીદારોને પણ આપી; જો કે યજ્ઞકારો સિવાય બીજું કોઈ એ રોટલી ખાય તો તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે.” 5પછી ઈસુએ તેમને કહ્યું, “માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.”
સુકાઈ ગયેલા હાથવાળો માણસ
(માથ. 12:9-14; માર્ક. 3:1-6)
6એક બીજા વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં જઈને ઉપદેશ આપવા લાગ્યા. ત્યાં એક એવો માણસ હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો. 7નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો તથા ફરોશીઓ ઈસુ કંઈક ખોટું કરે તો તેમના પર આરોપ મૂકવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ વિશ્રામવારે કોઈને સાજા કરશે કે કેમ તે જાણવા તેઓ તાકી રહ્યા હતા. 8પણ ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં આગળ આવી ઊભો રહે.” તે માણસ ઊઠીને આગળ ઊભો રહ્યો. 9પછી ઈસુએ તેમને કહ્યું, “હું તમને પૂછું છું: આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? મદદ કરવાનું કે નુક્સાન કરવાનું? માણસનું જીવન બચાવવાનું કે તેનો નાશ કરવાનું? 10તેમણે બધા પર નજર ફેરવી, અને તે માણસને કહ્યું,#6:10 કેટલીક હસ્તપ્રતો પ્રમાણે ‘પુણ્યપ્રકોપથી કહ્યું.’ “તારો હાથ લાંબો કર.” તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ અગાઉના જેવો સાજો થઈ ગયો.
11પણ તેઓ ક્રોધે ભરાયા અને ઈસુને શું કરવું તેની અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા.
બાર પ્રેષિતોની પસંદગી
(માથ. 10:1-4; માર્ક. 3:13-19)
12એ સમયે ઈસુ પ્રાર્થના કરવા માટે એક પર્વત પર ગયા અને તેમણે આખી રાત પ્રાર્થના કરવામાં ગાળી. 13સૂર્યોદય થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેમનામાંથી બારને પસંદ કર્યા અને તેમને પ્રેષિતો કહ્યા; 14સિમોન (તેમણે તેનું ઉપનામ પિતર રાખ્યું) અને તેનો ભાઈ આંદ્રિયા; યાકોબ અને યોહાન; ફિલિપ અને બારથોલમી; 15માથ્થી અને થોમા, આલ્ફીનો પુત્ર યાકોબ અને સિમોન (જે ધર્માવેશી કહેવાતો હતો), 16યાકોબનો પુત્ર યહૂદા, અને દગો દેનાર યહૂદા ઈશ્કારિયોત.
ઘણા સાજા થયા
(માથ. 4:23-25)
17ઈસુ શિષ્યો સાથે પર્વત પરથી નીચે ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય ભેગો થયો હતો. આખા યહૂદિયા પ્રદેશમાંથી, યરુશાલેમમાંથી અને તૂર તથા સિદોનના દરિયાક્ંઠાના પ્રદેશમાંથી આવેલા લોકોનો મોટો જનસમુદાય ત્યાં હતો. 18તેઓ તેમનું સાંભળવા તેમજ પોતાના રોગોથી સાજા થવા આવ્યા હતા. અશુદ્ધ આત્માઓથી પીડાતા માણસો પણ આવ્યા અને સાજા થયા. 19બધા લોકો તેમને સ્પર્શ કરવા પ્રયત્ન કરતા હતા, કારણ, તેમનામાંથી પરાક્રમ નીકળતું હતું, અને બધાને સાજા કરતું હતું.
ધન્ય કોને?
(માથ. 5:1-12)
20ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું,
“તમ ગરીબોને ધન્ય છે;
21કારણ, ઈશ્વરનું રાજ તમારું છે!
તમે જેઓ અત્યારે ભૂખ્યા છો, તેમને ધન્ય છે;
કારણ તમે ખાઈને ધરાશો.
તમે જેઓ અત્યારે રડો છો, તેમને ધન્ય છે;
કારણ, તમે હસશો.
22“માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે. 23એવું બને ત્યારે આનંદ કરો અને હર્ષને લીધે નાચો, કારણ, આકાશમાં તમારે માટે મોટો બદલો રાખેલો છે. તેમના પૂર્વજોએ પણ સંદેશવાહકો પ્રત્યે એવો જ વર્તાવ કર્યો હતો.
24“એથી ઊલટું, તમે જેઓ અત્યારે ધનવાન છો,
તમને અફસોસ!
કારણ, તમે એશઆરામી જીવન ભોગવી લીધું છે.
25તમે જેઓ અત્યારે ધરાયેલા છો, તમને અફસોસ!
તમે ભૂખ્યા જ રહેશો!
તમે જેઓ અત્યારે હસો છો, તમને અફસોસ!
તમે શોક કરશો અને રડશો!
26“બધા માણસો તમારા વિષે સારું સારું બોલતા હોય, તો તમારી કેવી દુર્દશા થશે! કારણ, તમારા પૂર્વજો જુઠ્ઠા સંદેશવાહકો વિષે એવું જ બોલતા હતા.”
દુશ્મનો પ્રત્યે પ્રેમ
(માથ. 5:38-48અ; 7:12અ)
27“પણ તમે જેઓ મારું સાંભળી રહ્યા છો તેમને હું કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો, અને જેઓ તમારો તિરસ્કાર કરે છે તેમનું ભલું કરો. 28જેઓ તમને શાપ આપે છે તેમને આશિષ આપો, જેઓ તમારું અપમાન કરે તેમને માટે પ્રાર્થના કરો. 29જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે, તો તેની આગળ બીજો ગાલ પણ ધરો. જો કોઈ તમારો કોટ લઈ જાય, તો તેને ખમીશ પણ લઈ જવા દો. 30જો કોઈ તમારી પાસે કંઈક માગે, તો તેને તે આપો, અને જો કોઈ તમારું કંઈ લઈ જાય તો તે પાછું ન માગો. 31બીજાઓ પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું જ વર્તન તમે તેમના પ્રત્યે પણ દાખવો.
32“તમારા પર પ્રેમ રાખે તેમના જ પર તમે પ્રેમ રાખો તો તમને કેવી રીતે આશિષ મળે? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાઓ પર પ્રેમ રાખે છે! 33તમારું ભલું કરનારાઓનું જ તમે ભલું કરો તો તમને કેવી રીતે આશિષ મળે? એવું તો પાપીઓ પણ કરે છે! 34અને જેમની પાસેથી પાછું મળવાની આશા હોય તેમને જ માત્ર ઉછીનું આપો, તો તમને કેવી રીતે આશિષ મળે? પાપીઓ પણ પાપીઓને આપેલી રકમ પાછી મેળવવાને ઉછીની આપે છે. 35પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે. 36તમારા ઈશ્વરપિતાની જેમ તમે પણ દયાળુ બનો.
બીજાઓનો ન્યાય ન કરો
(માથ. 7:1-5)
37“બીજાઓનો ન્યાય ન કરો, એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે; બીજાઓને દોષિત ન ઠરાવો, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહિ આવે; બીજાઓને ક્ષમા આપો, એટલે તમને પણ ક્ષમા આપવામાં આવશે. 38બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઊભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે. કારણ, જે માપથી તમે ભરી આપશો, તે માપથી જ તમને ભરી આપવામાં આવશે.”
39ઈસુએ તેમને આ ઉદાહરણ પણ કહ્યું, “આંધળો આંધળાને દોરી શકે નહિ, નહિ તો તેઓ બન્ને ખાડામાં પડે. 40શિષ્ય તેના ગુરુ કરતાં મહાન નથી; પણ પૂરું શિક્ષણ મેળવ્યા પછી પ્રત્યેક શિષ્ય તેના ગુરુ જેવો બને છે.
41“તારી પોતાની આંખમાંનો ભારટિયો ન જોતાં તું તારા ભાઈની આંખમાં તણખલું કેમ જુએ છે? 42‘ભાઈ, મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે,’ એમ તું તારા ભાઈને કેવી રીતે કહી શકે? તું તારી પોતાની આંખમાંના ભારટિયાને તો લક્ષમાં પણ લેતો નથી! ઓ ઢોંગી! પ્રથમ તારી પોતાની આંખમાંથી ભારટિયો કાઢ, એટલે પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢતાં તને બરાબર સૂઝશે.
જેવું વૃક્ષ તેવુ ફળ
(માથ. 7:16-20; 12:33-35)
43“સારા વૃક્ષને ખરાબ ફળ આવતાં નથી, તેમજ ખરાબ વૃક્ષને સારાં ફળ આવતાં નથી. 44વૃક્ષ તેના ફળ ઉપરથી ઓળખાય છે. તમે થોર પરથી અંજીર તોડતા નથી, અથવા ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી. 45સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.
ઘર બાંધનાર બે માણસો
(માથ. 7:24-27)
46“હું જે કહું છું તે તો તમે કરતા નથી, તો પછી તમે મને ‘પ્રભુ, પ્રભુ,’ કેમ કહો છો? 47મારી પાસે આવીને મારાં બોધ વચનો સાંભળનાર અને તેમનું પાલન કરનાર માણસ કોના જેવો છે તે હું દર્શાવીશ. 48તે તો એક ઘર બાંધનાર માણસ જેવો છે; તેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી નદીમાં પૂર આવ્યું અને ઘર પર તેનો સપાટો લાગ્યો; પણ તે ડગ્યું નહિ, કારણ, તે સારી રીતે બાંધેલું હતું. 49પણ જે કોઈ મારાં બોધ વચનો સાંભળીને પાળતો નથી, તે તો પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધનાર માણસ જેવો છે; તે ઘરને પૂરનો સપાટો લાગે કે તે તરત જ પડી જાય છે, અને એ ઘરનો કેવો મોટો નાશ થાય છે!”
Actualmente seleccionado:
લૂક 6: GUJCL-BSI
Destacar
Compartir
Copiar
¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide