Logo YouVersion
Îcone de recherche

લૂક 14

14
વિશ્રામવારે સાજાં કરવું યોગ્ય છે?
1ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા. 2જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો. 3ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહ્યું, “વિશ્રામવારે સાજાં કરવું સારું છે કે ખરાબ?” 4પણ તેઓએ ઉત્તર આપ્યો નહિ. તેથી ઈસુએ તે માણસને લક્ષમાં લીધો અને તેને સાજો કર્યો. પછી ઈસુએ તે માણસને મોકલી દીધો. 5ઈસુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહ્યું, “જો તમારો દીકરો અથવા કામ કરનાર પ્રાણી વિશ્રામવારે કૂવામાં પડે તો તમે તરત જ તેને બહાર કાઢશો.” 6ઈસુએ જે કહ્યું તેની સામે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કંઈ જ કહી શક્યા નહિ.
તમારી જાતને મહત્વ ન આપો
7પછી ઈસુનું ધ્યાન કેટલાએક મહેમાનો ઉત્તમ જગ્યાએ બેસવાની પસંદગી કરતા હતા તે તરફ ગયું, તેથી ઈસુએ તેઓને આ વાર્તા કહી; 8“જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય. 9અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો.
10“તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, ‘મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ.’ પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. 11પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”
તમને બદલો મળશે
12પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”
મોટા ભોજન સમારંભ વિષે વાર્તા
(માથ. 22:1-10)
15ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”
16ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં. 17જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’ 18પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું, ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’ 19બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’ 20ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’
21“તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’
22“તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’ 23ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય. 24હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!’”
તારે પ્રથમ આયોજન કરવું જોઈએ
(માથ. 10:37-38)
25ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26“જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.
28“જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’
31“જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.
33“તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.
તમારો પ્રભાવ ના છોડો
(માથ. 5:13; માર્ક 9:50)
34“મીઠું એ સારું છે પણ જો મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે તો પછી તેની કશી કિમંત રહેતી નથી. તમે તેને ફરી ખારું બનાવી શકતા નથી. 35તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે.
“જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!”

Sélection en cours:

લૂક 14: GERV

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi