ઉત્પત્તિ 3

3
માનવીનો આજ્ઞાભંગ
1પ્રભુ પરમેશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. સાપે સ્ત્રીને પૂછયું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?”#સંદ. 12:9; 20:2.
2સ્ત્રીએ સાપને કહ્યું, “બાગમાંના દરેક વૃક્ષનું ફળ ખાવાની અમને છૂટ છે, 3પરંતુ ઈશ્વરે અમને કહ્યું છે, ‘બાગની મધ્યે આવેલા વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ કે તેને અડકવું નહિ, નહિ તો તમે મરી જશો.”
4-5સાપે કહ્યું “એ સાચું નથી. તમે નહિ જ મરશો. એ તો ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ફળ ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે અને તમે ઈશ્વરના જેવાં બનશો અને ભલાભૂંડાનું જ્ઞાન ધરાવતાં થઈ જશો.”
6સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઇચ્છવાજોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યું એટલે તેણે પણ તે ખાધું.
7ફળ ખાતાંની સાથે જ બન્‍નેની આંખો ઊઘડી ગઈ અને પોતે નગ્ન છે તેનો તેમને ખ્યાલ આવી ગયો અને તેથી તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાનાં શરીર ઢાંક્યાં.
8પછી દિવસને ઠંડે પહોરે તેમણે બાગમાં પ્રભુનો પગરવ સાંભળ્યો. પેલો માણસ તથા તેની પત્ની પ્રભુ પરમેશ્વરની દૃષ્ટિથી બાગનાં વૃક્ષો મધ્યે સંતાઈ ગયાં. 9પરંતુ પ્રભુ પરમેશ્વરે પુરુષને હાંક મારીને કહ્યું, “તું કયાં છે?” 10પુરુષે જવાબ આપ્યો, “મેં બાગમાં તમારો પગરવ સાંભળ્યો અને હું નગ્ન હોવાથી મને ડર લાગ્યો એટલે હું સંતાઈ ગયો.”
11પ્રભુ પરમેશ્વરે તેને પૂછયું, “તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી, તેનું ફળ શું તેં ખાધું છે?” 12પુરુષે જવાબ આપ્યો, “મારા સાથી તરીકે જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું અને મેં તે ખાધું.”
13પ્રભુ પરમેશ્વરે સ્ત્રીને પૂછયું, “તેં શા માટે એવું કર્યું?” સ્ત્રીએ કહ્યું, “સાપે મને ભરમાવી અને મેં તે ખાધું.”#૨ કોરીં. 11:3; ૧ તિમો. 2:14.
ઈશ્વરનું ન્યાયશાસન
14પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું, “તેં આ કામ કર્યું છે, તેથી સર્વ પાલતુ પ્રાણીઓ અને વન્યપશુઓમાં માત્ર તું જ શાપિત થાઓ. હવેથી તું પેટે ચાલશે અને જિંદગીભર ધૂળ ચાટયા કરશે. 15હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”#સંદ. 12:17.
16પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”
17તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે. 18જમીન તારે માટે કાંટા અને ઝાંખરાં ઉગાડશે અને વનવગડાના છોડ તારો ખોરાક થઈ પડશે.#હિબ્રૂ. 6:8. 19કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”
20અને આદમે#3:20 આદમ: હિબ્રૂ ભાષામાં આદામ; આ શબ્દનો અર્થ માનવજાત થાય છે. તે ભાષામાં ભૂમિ માટે અદામા શબ્દ છે. ભૂમિમાંથી માણસ ઘડાયો હોઈ તે આદમ કહેવાયો. પોતાની પત્નીનું નામ હવ્વા#3:20 હવ્વા: હિબ્રૂમાં એનો અર્થ જીવન થાય છે. હિબ્રૂ ભાષામાં ‘હવ્વા’ અને ‘સજીવો’ માટેના શબ્દોમાં સમાનતા છે. પાડયું; કારણ, તે સર્વ સજીવોની મા હતી. 21પ્રભુ પરમેશ્વરે આદમ તથા તેની પત્નીને ચામડાનાં વસ્ત્ર બનાવીને પહેરાવ્યાં.
બાગમાંથી હકાલપટ્ટી
22પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, “જુઓ, માણસ તો આપણા જેવો ભલુંભૂડું જાણનાર બન્યો છે. તેથી હવે તેને જીવનદાયક વૃક્ષનું ફળ ખાવા દેવાય નહિ, નહિ તો તે અમર બની જાય.”#સંદ. 22:14. 23તેથી પ્રભુ પરમેશ્વરે જે ભૂમિમાંથી આદમને બનાવ્યો હતો તેમાં ખેતી કરવા માટે તેને એદન બાગની બહાર કાઢી મૂક્યો. 24પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו