લૂક 19
19
જાખીને ત્યાં ઈસુ
1ઈસુ યરીખો ગયા, અને શહેરમાં થઈને પસાર થતા હતા. 2ત્યાં જાખી નામે મુખ્ય કર ઉઘરાવનાર હતો. તે શ્રીમંત હતો. 3ઈસુ કોણ છે તે જોવા તે પ્રયત્ન કરતો હતો, પણ તે ઠીંગણો હોવાથી ટોળાની ભીડને કારણે ઈસુને જોઈ શક્યો નહિ. 4તેથી તે ટોળાની આગળ દોડયો, અને એક ગુલ્લર વૃક્ષ પર ચડી ગયો. 5કારણ, ઈસુ તે રસ્તે થઈને જવાના હતા. ઈસુ એ જગ્યાએ આવ્યા એટલે તેમણે ઊંચે જોઈને જાખીને કહ્યું, “જાખી, જલદીથી નીચે ઊતર; કારણ, આજે હું તારે જ ઘેર રહેવાનો છું.”
6તેથી જાખી જલદીથી નીચે ઊતરી પડયો અને તેણે બહુ આનંદથી તેમનું સ્વાગત કર્યું. 7એ જોઈને બધા લોકો બબડવા લાગ્યા, “આ માણસ, એક પાપીને ઘેર મહેમાન તરીકે રહે છે!”
8જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”
9ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર ઉદ્ધાર આવ્યો છે; આ માણસ પણ અબ્રાહામનો વંશજ છે. 10કારણ, માનવપુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે.”
સોનાના સિક્કાનું ઉદાહરણ
(માથ. 25:14-30)
11લોકો એ બધું સાંભળતા હતા, ત્યારે ઈસુએ જતાં જતાં તેમને એક ઉદાહરણ કહેવાનું શરૂ કર્યું. કારણ, તેઓ યરુશાલેમની નજીક આવી પહોંચ્યા હતા અને લોકોએ ધાર્યું કે ઈશ્વરનું રાજ પ્રગટ થવાની તૈયારીમાં છે. 12તેથી ઈસુએ કહ્યું, “એક અમીર માણસ રાજા થવા માટે દૂર દેશમાં ગયો. 13તે ગયો તે પહેલાં તેણે પોતાના દસ નોકરોને બોલાવ્યા અને તેમને દરેકને એકએક સોનામહોર આપીને કહ્યું, ‘હું આવું ત્યાં સુધી આનાથી વેપાર કરજો.’ 14હવે તેના પ્રદેશના માણસો તેને ધિક્કારતા હતા, અને તેથી તેમણે તેની પાછળ પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું, ‘આ માણસ અમારો રાજા બને એવું અમે ઇચ્છતા નથી.’
15તે અમીર રાજા બનીને પાછો આવ્યો. જે નોકરોને તેણે પૈસા આપ્યા હતા તે કેટલું કમાયા છે તે જાણવા તેમને તરત જ પોતાની આગળ હાજર થવા માટે હુકમ કર્યો. 16પહેલાએ આવીને કહ્યું, ‘સાહેબ, તમે આપેલી એક સોનામહોરમાંથી હું બીજી દસ કમાયો છું.’ 17તેણે કહ્યું, ‘શાબાશ! તું સારો નોકર છે! તું નાની બાબતોમાં વિશ્વાસુ રહ્યો, તેથી હું તને દસ શહેર પર અધિકારી ઠરાવીશ.’
18બીજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, તમે આપેલી એક સોનામહોરમાંથી હું બીજી પાંચ કમાયો છું.’ 19તેને તેણે કહ્યું, ‘તું પાંચ શહેર પર અધિકારી થા.’ 20ત્રીજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, આ રહી તમારી સોનામહોર! મેં તેને રૂમાલમાં વીંટાળીને સંતાડી રાખી હતી. 21તમે કડક માણસ હોવાથી હું તમારાથી ગભરાતો હતો. કારણ, તમારું ન હોય તે તમે લઈ લો છો, અને તમે વાવ્યું ન હોય તેને લણી લો છો.’ 22તેણે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર! તને અપરાધી ઠરાવવા હું તારા જ શબ્દોનો ઉપયોગ કરીશ! તું જાણે છે કે હું કડક માણસ છું; જે મારું ન હોય તે લઈ લઉં છું અને મેં વાવ્યું ન હોય તેને લણી લઉં છું. 23તો પછી તેં મારા પૈસા વ્યાજે કેમ ન મૂક્યા? હું પાછો આવ્યો ત્યારે મને તે વ્યાજ સાથે તો પાછા મળ્યા હોત ને!’ 24પછી ત્યાં ઊભેલાઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી સોનામહોર લઈ લો અને જે નોકર પાસે દસ સોનામહોર છે તેને આપો.’ 25તેઓએ તેને કહ્યું, ‘સાહેબ, તેની પાસે દસ સોનામહોર તો છે જ!’ 26તેણે જવાબ આપ્યો, ‘હું તમને કહું છું કે જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે થોડુંક છે તે પણ લઈ લેવામાં આવશે. 27હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”
યરુશાલેમમાં વિજયકૂચ
(માથ. 21:1-11; માર્ક. 11:1-11; યોહા. 12:12-19)
28એટલું કહીને ઈસુએ યરુશાલેમ તરફ તેમની આગળ ચાલવા માંડયું. 29તે બેથફાગે અને બેથાનિયાની નજીક ઓલિવ પર્વત પાસે આવ્યા, ત્યારે તેમણે બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા; 30“તમે સામેના ગામમાં જાઓ, તેમાં તમે પ્રવેશો એટલે જેના પર કદી કોઈ બેઠું નથી એવો વછેરો તમને બાંધેલો મળશે. તેને છોડીને અહીં લાવો. 31જો કોઈ તમને પૂછે, ‘તમે તેને કેમ છોડો છો?’ તો તેને કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે?”
32તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ તેમને કહ્યું હતું તેવું જ તેમને મળ્યું. 33તેઓ વછેરો છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેમને પૂછયું, “તમે તેને કેમ છોડો છો?”
34તેમણે જવાબ આપ્યો, “પ્રભુને તેની જરૂર છે.” તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યા. 35પછી તેમણે તેના પર પોતાનાં કપડાં પાથર્યાં અને ઈસુને તેના પર બેસાડયા. 36તેના પર સવાર થઈ તે જેમ જેમ આગળ જતા હતા તેમ તેમ લોકો પોતાનાં વસ્ત્રો રસ્તા પર બિછાવતા જતા હતા.
37જ્યારે તેઓ ઓલિવ પર્વતના ઢોળાવ પાસે યરુશાલેમ નજીક આવ્યા, ત્યારે તેમના શિષ્યોનો મોટો સમુદાય ઈશ્વરનો આભાર માનવા લાગ્યો અને જે બધી મહાન બાબતો તેમણે જોઈ હતી તે માટે મોટે અવાજે તેમની સ્તુતિ કરવા લાગ્યો.
38“પ્રભુને નામે જે રાજા આવે છે તેને ઈશ્વર આશિષ આપો!
સ્વર્ગમાં શાંતિ અને ઉચ્ચસ્થાનોમાં જય હો!”
39પછી ટોળામાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, “ઉપદેશક, તમારા શિષ્યોને શાંત રહેવા તાકીદ કરો.”
40ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને કહું છું કે, જો તેઓ શાંત થશે, તો પથ્થરો પોકારી ઊઠશે.”
યરુશાલેમ માટે ઈસુનો વિલાપ
41તેઓ યરુશાલેમ નજીક આવ્યા એટલે તે શહેરને જોઈને ઈસુ રડી પડયા અને બોલ્યા, 42“શાંતિ મેળવવા માટે શાની જરૂર છે એ તેં આજે જાણ્યું હોત તો કેવું સારું થાત! પણ હવે તું તે જોઈ શકતું નથી. 43કારણ, તારા પર એવા દિવસો આવશે કે જ્યારે તારા શત્રુઓ અવરોધ ઊભા કરી તને ઘેરી લેશે અને નાકાબંધી કરશે, અને ચારે બાજુએથી તને ભીંસમાં લેશે. 44તેઓ તને તોડી પાડશે અને તારા કોટની અંદરના માણસોનો પૂરેપૂરો સંહાર કરશે, તેઓ એકેય પથ્થરને તેના સ્થાને રહેવા દેશે નહિ; કારણ, જે સમયે ઈશ્વર તને બચાવવા માગતા હતા તે સમય તું પારખી શકાયું નહિ!”
મંદિરમાં ઈસુ
(માથ. 21:12-17; માર્ક. 11:15-19; યોહા. 2:13-22)
45ઈસુ મંદિરમાં ગયા અને વેપારીઓને હાંકી કાઢવા લાગ્યા. 46તેમણે કહ્યું, “શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે.’ પણ તમે તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે.”
47ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતા. મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માગતા હતા. 48પણ એ કેવી રીતે કરવું તેની તેમને સૂઝ પડતી ન હતી. કારણ, બધા લોકો ખૂબ જ ધ્યનથી તેમનું સાંભળતા હતા.
Attualmente Selezionati:
લૂક 19: GUJCL-BSI
Evidenziazioni
Condividi
Copia
Vuoi avere le tue evidenziazioni salvate su tutti i tuoi dispositivi?Iscriviti o accedi
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide