યોહ. 4
4
ઈસુ અને સમરૂની સ્ત્રી
1હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે. 2ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, 3ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
4સમરુનમાં થઈને તેમને જવું પડ્યું. 5માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
6ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી. 7એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’” 8તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.
9ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. 10ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”
11સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય? 12અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”
13ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; 14પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”
15સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’” 16ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”
17સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’” 18ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
19સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે. 20અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”
21ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ. 22જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
23 પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. 24ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”
25સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’” 26ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”
27એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”
28પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે, 29‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’” 30ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
31તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’” 32પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’” 33શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”
34ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.” 35તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે. 36જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.
37 કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’” 38જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”
39જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. 40સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.
41તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો; 42તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”
અધિકારીનો દીકરો સાજો થયો
43બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા. 44કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’” 45જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
46ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. 47તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.
48ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’” 49તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’” 50ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.
51તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’” 52તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”
53તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો. 54ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.
Voafantina amin'izao fotoana izao:
યોહ. 4: IRVGuj
Asongadina
Hizara
Dika mitovy
Tianao hovoatahiry amin'ireo fitaovana ampiasainao rehetra ve ireo nasongadina? Hisoratra na Hiditra
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.